રાજકોટ: બેડી ચોકડી પાસે ડમ્પરની ઠોકરે બે ફોરેનર કોલેજીયન ઘવાયા

સ્કૂટર પર વસ્તુ લેવા જતા બંને વિદ્યાર્થીને રોંગ સાઇડ પર
ઘસી આવેલા ડમ્પરે ઉડાડ્યા

રાજકોટમાં બેડી ચોકડી પાસે એક રોંગ સાઈડમાં દોડી આવેલા ડમ્પરે સ્કુટરને ઠોકર મારતા મારવાડી કોલેજના બે ફોરનર વિદ્યાર્થી ઘવાતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્તુ લેવા જતી વેળાએ બંને કોલેજીયનને અકસ્માત નડ્યો હોવાનુ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેન્યા દેશનો નાગરિક બિકનોક નામનો ૨૨ વર્ષીય યુવાન અને સાઉથ સુદાન દેશની અતુ મારથા સેરફિનો સિમોન નામની ૨૪ વર્ષીય યુવતી રાજકોટ મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે. આ બંને ગઇ કાલે સાંજે હોસ્ટેલમાંથી વસ્તુ લેવા માટે જીજે ૦૩ બીએસ ૨૮૭૩ નંબરના સ્કૂટર પર બેડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.

જ્યાં સામેથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ઘસી આવેલા ડમ્પરના ચાલકે બંને વિદ્યાર્થીઓના સ્કૂટરને ઠોકર મારી હતી. જેમાં ફોરનર યુવક અને યુવતી ગંભીર રીતે ઘવાતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.