Abtak Media Google News

પાંચમાં માળની ગેલેરી પર ઉભા રહી છઠ્ઠા માળનો સ્લેબ તોડતી વખતે મજૂરો સ્લેબ સાથે જમીન પર પટકાયાં : એક ગંભીર

એક માસથી બ્લોસમ સિટી બિલ્ડીંગની રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી

શહેરમાં નાનામવા રોડ પર જીવરાજ પાર્કમાં મહાદેવ મંદિર પાસે આવેલ બ્લોસમ સિટી નામના બિલ્ડીંગમાં સવારના સમયે ચાર શ્રમિકો પાંચમાં માળે ઉભા રહી છઠ્ઠા માળનો સ્લેબ તોડી રહ્યાં હતાં તે વેળાએ જે સ્લેબ પર ઉભા હતાં તે અચાનક ધરાશાહી થતાં ચાર શ્રમિકોમાંના બે નાં કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે ને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે બનાવની મળતી માહિતી મુજબ નાનામોવા રોડ પર જીવરાજ પાર્કમાં મહાદેવ મંદિર પાસે આવેલ બ્લોસમ સિટી નામનાં બિલ્ડીંગમાં પાંચમાં માળે ઉભા રહી છઠ્ઠા માળનો સ્લેબ સુરજ શહેજારીરામ (ઉ.વ.24), શિવાનંદ ચૌહાણ (ઉ.વ.24), રાજુ ખુશાલ સાગઠીયા (ઉ.વ.35) અને અન્ય એક શ્રમિક તોડી રહ્યાં હતાં ત્યારે અચાનક જે સ્લેબ પર ઉભા હતા તે તુરંત નીચે ધરાશાહી થયો હતો. જેમાં શિવાનંદ ચૌહાણ અને રાજેશ સાગઠીયાનું સ્લેબ નીચે દબાઇ જતા કરૂણ મોત નીપજ્યું હતું અને સુરજ શહેજારીરામ અને અન્ય એક શ્રમિકને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને જેમાં ફસાયેલ મજૂરોને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતાં. પરંતુ બે શ્રમિકોનાં રસ્તામાં પંખેરૂ ઉડી ગયા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, નાનામોવા રોડ પર જીવરાજ પાર્કમાં આવેલ બ્લોસમ સિટીમાં સ્લેબ પાડવા એક મહિનાથી કામ ચાલી રહ્યું હતું અને આજે સવારે માયાણી ચોકમાં રહેતા રાજેશભાઇ સાઇટ પર જતા હતા ત્યારે તેને ત્રણ છૂટક મજૂર સુરજ, શિવાનંદ અને એક અન્યને સાઇટ પર સ્લેબ પાડવાનાં કામ કરવા માટે લઇ ગયા હતાં ત્યારે સ્લેબ પાડતી વખતે અકસ્માત સજાર્યો હતો.

મૃતક રાજેશભાઇ સાગઠીયા માયાણી ચોકમાં રહે છે અને તે ત્રણ ભાઇ અને એક બેનમાં મોટો હતો અને મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતો. જ્યારે અન્ય બીજો મૃતક શિવાનંદભાઇ ચૌહાણ મૂળ બિહારનો હતો અને રાજકોટમાં રહી અને મજૂરી કામ કરતો હતો જ્યારે અન્ય ઇજા પામેલ સુરજ શહેજારીરામએ મૂળ યુ.પી.નો છે અને તે રાજકોટમાં નાનામોવા ખાતે લક્ષ્મીનગરમાં રહે છે જ્યારે અન્યની હજુ સુધી કોઇ ઓળખ મળી નથી.

ઇજાગ્રસ્ત થયેલ સુરજનાં જણાવ્યા પ્રમાણે તેઓ બધા શ્રમિકો આજે સવારે જીવરાજ પાર્કમાં આવેલ બ્લોસમ સિટી બિલ્ડીંગમાં પાંચમાં માળે ઉભા રહી અને છઠ્ઠા માળનો સ્લેબ ખોલ્લી રહ્યાં હતા ત્યારે જે સ્લેબ પર ઉભા હતાં તે અચાનક ધરાશાહી થતાં તેઓ સ્લેબ સાથે નીચે ખાબક્યા હતાં જેમાં તેઓ સ્લેબની નીચે દબાયા  ત્યારે કોઇ સ્થાનિકે આ ઘટના જોતા તેને પોલીસમાં જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી કાટમાળ હટાવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની પીએમ અર્થે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતાં અને એક મૃતક બિહારનો હોવાથી તેના સગાને જાણ કરવામાં આવી છે. પોલીસે હાલ બનાવની નોંધ ચોપડે કરી અને વધુ કાર્યવાહી હાથધરી છે.

સેફ્ટીના કોઇ સાધનો ન હતાં

જીવરાજ પાર્કમાં બ્લોસમ સિટી નામનું આવેલ બિલ્ડીંગમાં સ્લેબ તોડવાનું કામ ચાર શ્રમિકો કરી રહ્યાં હતા ત્યારે તે સ્લેબ માથે પડતાં દટાઇ જવાના કારણે બે મજૂરના મોત થયા છે. આ ઘટનામાં બહુમાળી ઇમારતના રીનોવેશનની કામગીરી માટે જરૂરી સેફ્ટીના કોઇ જ સાધનો મજૂરોને આપવાનું ન હોવાનું જાણવા મળ્યું છે.

બિલ્ડીંગની ગેલેરી કાયદેસર કે ગેરકાયદેસર ?

રાજકોટમાં ક્રોકીંટના જંગલનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર રીતે કામ રાત-દિવસ ધમધમી રહ્યાં છે ત્યારે આજે સર્જાયેલી દુર્ધટનામાં પાંચમાં માળની ગેલેરી પર ઉભા રહી મજૂરો છઠ્ઠા માળની ગેલેરીનો સ્લેબ તોડી રહ્યાં હતા ત્યારે સ્લેબ તૂટતા બે શ્રમિકોના મોત થયાં છે. લોકોમાં આ બિલ્ડીંગમાં રહેલી ગેલેરી કાયદેસર છે કે ગેરકાયદેસર તેવી ચર્ચા થઇ રહી છે.

કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાશે કે કેમ ?

જીવરાજ પાર્ક નજીક બ્લોસમ સિટીમાં સેફ્ટીનાં સાધનો વગર બિલ્ડીંગનો સ્લેબ તોડવાની ચાલી રહેલી કામગીરી દરમ્યાન દુર્ધટના સર્જાતા બે મજૂરના મોત થયા છે. છેલ્લા એક માસથી બિલ્ડીંગ રીનોવેશન માટે ચાલતી હોય અને કોઇ જ સેફ્ટીના સાધનો ન હોય કોન્ટ્રાક્ટર પ્રશાંત પાચાણી સામે કાર્યવાહી થશે કે પછી ભીનુ શકેલાય  જશે તેવું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.