Abtak Media Google News

માર્જિનની જગ્યાઓમાં ગેરકાયદે ઉભા થયેલા બાંધકામમાં રાજકીય અગ્રણીએ કળા કરી લીધાની ચર્ચા

વહીવટમાં માહેર અને કીચડમાં પણ ’કમળ’રૂપી લાભ શોધી લેંનાર વહીવટીયા નેતાએ વોર્ડ નંબર 17 મલાઈ ઉતાર્યાની ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે. કોઠારીયા ખાતે સરકારી ખરાબામાં ગેરકાયદે શેડનું બાંધકામ કરાવી લાખો રૂપિયા ઉહેડી લેનારા રાજકીય આગેવાને વોર્ડ નંબર 17માં પણ કૌભાંડ આચરી મિલકત પચાવી લીધાની માહિતી મળી રહી છે. મિલકતના માલિક પર ટી.પી. શાખા દ્વારા દબાણ લાવી વિવિધ નાટકો આચરી આ નેતાએ બારોબાર મિલકત પચાવી લીધાનું જાણવા મળી રહ્યું છે.

કૌભાંડિયા નેતાઓ દિન પ્રતિદિન બેફામ બની આર્થિક લાભ મેળવતા હોય તેવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. તેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વહીવટીયા નેતાએ મોટું કૌભાંડ આચરી લીધાનું જાણવા મળે છે. વહિવટીયા નેતાએ વ્યવસ્થિત ચોગઠા ગોઠવી માર્જિનની જગ્યામાં કોમર્શિયલ બાંધકામ કરી રહેલા શખ્સને દબાવી બારોબાર દુકાન પચાવી લીધાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના વોર્ડ નંબર-17ના હુડકો વિસ્તારમાં એક શખ્સ દ્વારા માર્જિનની જગ્યામાં કોમર્શિયલ બાંધકામ કરાઈ રહ્યું હતું. આ બાબત જાણવા મળતાં જ વહીવટીયા નેતાના કાન ખડા થઈ ગયા હતા. વહીવટ અને ચોગઠા ગોઠવવામાં માહેર નેતાએ ટી.પી. શાખાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. રાજકીય આગેવાને કોઈ કામ ચીંધ્યું હોય તો અચૂક કામ તો કરવા જ પડે ત્યારે ટી.પી. શાખાએ આજથી આશરે 2 વર્ષ પૂર્વે બાંધકામ તોડી પાડવા અંગે નોટિસ ફટકારી હતી. જો બાંધકમ તૂટે તો પોતે ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવું વિચારી બાંધકામનો માલિક સ્થાનિક નેતા પાસે દોડી ગયો હતો પરંતુ આ શખ્સને એ ખબર જ ન હતી કે સ્થાનિક નેતા પાસે જવું તેના માટે ’આગે કુવા, પીછે ખાઈ’ જેવો ઘાટ ઘડી દેશે.

બાંધકામનો માલિક શરણે આવી જતાં વહીવટીયા નેતાએ ગોઠવેલા ચોગઠા બિલકુલ યથાર્થ ઠર્યા હતા. રાજકીય આગેવાને પ્રથમ તો બાંધકામના માલિકને ડીમોલેશનનો ખૌફ બતાવ્યો હતો. ડીમોલેશનના ખૌફથી ડરી ગયેલા શખ્સે ગમે તે રીતે ડીમોલેશન રોકી લેવા આજીજી કરી હતી. ત્યારબાદ અગાઉથી જ બધુ ગોઠવીને બેસેલા રાજકીય અગ્રણીએ ટી.પી. શાખામાં ગોઠવણ કરી ડીમોલેશન જેવા પગલાં નહીં લેવા તાકીદ કરી હતી.

ડીમોલેશન તો અટકાવી દઉં પણ મારું કંઈક સમજો તેવું કહી ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલી ચાર દુકાનો પૈકી એક દુકાન કે જેની અંદાજીત કિંમત લાખો રૂપિયાની ગણવામાં આવે છે તે દુકાનનું લખાણ આ રાજકીય આગેવાને કરાવી લીધાની વાતો વહેતી થઈ છે. દુકાન લખાવી લીધા બાદ આ કૌભાંડિયા નેતાએ દુકાન ભાડે ચડાવી દીધી હોય અને હાલ ત્યાં ફરસાણની દુકાન ધમધમતી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

અમુક જાણકારોના મત મુજબ આ નેતાએ અગાઉ પણ આ પ્રકારે અનેક લોકોને દબાવીને સંપતિઓ પચાવી પાડી છે અને હજુ પણ આ નેતા કૌભાંડ આચરવાનું બંધ કરવાનું નામ પણ નથી લેતો. આ નેતા આર્થિક લાભ મેળવવા જાણે ગમે તે કરી છૂટવા તૈયાર જ હોય છે તેવું જાણકારો પાસેથી જાણવા મળી રહ્યું છે.

આ જ કૌભાંડિયા નેતાએ કોઠારીયાની 6000 વાર સરકારી ખરાબાનો બારોબાર વહીવટ કરી આર્થિક લાભ મેળવ્યો હતો જેમાં આશરે 8 જેટલા લોકોના હજુ પણ જામીન જ થયા નથી. મોટા મગરમચ્છ બારે શાનથી ફરે છે અને નાની માછલીને કેદ કરી લેવામાં આવી છે. આટલા કૌભાંડો આચર્યા બાદ પણ આ કૌભાંડી નેતા તેના ગોબરા વહીવટ બંધ કરવાનું નામ જ લેતો નથી. આ કૌભાંડીયા નેતાથી વિસ્તારના અન્ય કાર્યકરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે આ નેતા પાસેથી હોદ્દો પરત ખેંચી લેવા વિનંતી પણ કરી રહ્યા છે પરંતુ અમુક મોટા ગજાના નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા અને આખો દિવસ ’કમળ’ કાર્યાલય ખાતે જ પડ્યો પાથર્યો રહેતો હોય તેની કાળી કરતૂતો જાણવા છતાં કોઈ પગલાં લેવાતાં નથી.

ડિમોલીશનનો ખૌફ બતાવી લાખો રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો??

માર્જિનની જગ્યામાં ખડકાયેલું કોમર્શિયલ બાંધકામમાં મનપા તંત્ર ડીમોલેશન કરશે તેવો ખૌફ બતાવી, ટી.પી. શાખામાં ગોઠવણ કરી નોટિસ અપાવી કૌભાંડિયા નેતાએ લાખો રૂપિયાની કિંમતની દુકાન બારોબાર લખાવી લીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ કૌભાંડિયા નેતાએ આ દુકાન ભાડે ચડાવી દીધી હોય અને તેમાં ફરસાણની દુકાન ધમધમી રહી છે. ડીમોલેશનના ખૌફમાં આવી બાંધકામના માલિકે એક દુકાન લખી આપવાની હા પાડતાં જ મનપાની ટીપી શાખામાં ગોઠવણ કરીને ડીમોલેશન જેવા કોઈ પણ પગલાં નહીં લેવા કૌભાંડિયા નેતાનો આદેશ છૂટ્યો હતો અને રાજકીય નેતાના આદેશ છૂટે તો અધિકારીએ પાલન તો કરવું જ પડે નહીં તો તપેલા ચડી જાય.

અઢી વર્ષ પૂર્વે અપાયેલી નોટિસમાં તંત્રએ પગલાં કેમ ન લીધાં?

જ્યારે મનપાની ટીપી શાખાને માર્જિનની જગ્યામાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામ અંગેની જાણ થઈ તો ટીપી શાખા નોટિસ ફટકારી હતી. નોટિસ ફટકાર્યાને આજે અઢી વર્ષ જેવો સમય વીતી ગયા બાદ આજે પણ ગેરકાયદે બાંધકામ ઉભું જ છે અને દુકાનો ધમધમી રહી છે તો પછી અઢી વર્ષ પૂર્વે જે બાંધકામમાં ટીપી શાખાએ નોટિસ ફટકારી તેમાં કાર્યવાહી કેમ ન કરાઇ તે મોટો સવાલ છે. શું કૌભાંડિયા નેતાના આદેશને પગલે તંત્ર બધું જાણતું હોવા છતાં ખામોશ થઈ જવું પડ્યું કે પછી વહીવટરૂપી મીઠાઈ તંત્રને ખવડાવી મોઢું બંધ કરી દેવામાં આવ્યું હતું?

એટીપીએ ‘જોવડાવી લઉં છું’ કહી હાથ ખંખેરી લીધા!!

સમગ્ર પ્રકરણમાં વોર્ડ નંબર 17ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ’અબતક’ મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં નોટિસ આપ્યા છતાં કાર્યવાહી નહીં થવા અંગે પૂછતાં ’હું જોવડાવી લઉં છું’ કહી એટીપીએ હાથ ખંખેરી લીધા હતા.

કૌભાંડીયા નેતાને કોનું પીઠબળ?

કોઠારીયા રોડ વિસ્તારનો આ કૌભાંડીયો નેતા છેલ્લા લાંબા સમયથી બેફામ બની અનેક કૌભાંડ આચર્યા છે. અનેક ખાનગી અને સરકારી મિલકતો પચાવી પાડી છે તેમ છતાં તેના વિરુદ્ધ કોઈ જ પગલાં લેવાતાં નથી ત્યારે ચોક્કસ સવાલ ઉદ્ભવે છે કે આ કૌભાંડિયા નેતા પાછળ કોઈકનું પીઠબળ હોવું જોઈએ. અગાઉ કોઠારીયાની 6000 વાર સરકારી જમીનમાં દબાણ કરી બારોબાર વેંચી મારવાનું કૌભાંડ આચર્યું હતું અને તેમાં પોલીસ ચોપડે નામ પણ ખુલ્યું હતું પરંતુ કૌભાંડિયા નેતા માટે ભલામણ આવી જતા તેને છાવરી લેવામાં આવ્યો હતો તેવું જાણકારો કહી રહ્યા છે. ત્યારે ચોક્કસ સવાલ ઉદ્ભવે છે કે આ કૌભાંડિયા નેતાને કોનું પીઠબળ છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.