Abtak Media Google News

માસ્ક વિતરણ કાર્યક્રમોમાં હાજરી આપવા, સિવિક સેન્ટરમાં જન્મ-મરણ નોંધણી વિભાગની મૂલાકાત લેવા સહિતની કામગીરીમાં ખડેપગે  રહ્યા

એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા ડોકટરની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા: સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ કરી 

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ જેટગતિએ વધી રહ્યું છે. રાજકોટમાં કોરોનાવિસ્ફોટ થયો છે. શહેરના મેયર ડો.પ્રદીપ ડવ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા થકી આ જાહેર કર્યું છે. ડોક્ટરની સલાહ મુજબ, તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેમણે એન્ટિજન ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ મનપા કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર સહિત 12 કર્મચારી સંક્રમિત થયા છે.

મેયર ડો.પ્રદીપ ડવએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આજે સવારે એન્ટીજન ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ડોકટરની સલાહ મુજબ હું હાલ હોમ આઇસોલેટ થયો છું અને સ્વસ્થ છું બીજા કોઈ જ સીમન્ટસન નથી અને છેલ્લા 2 દિવસમાં મારા સપર્કમાં આવેલ તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળે અને ઘરમાં જ રહે.રાજકોટમાં કોરાનાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગઇકાલે રાજકોટ જિલ્લામાં નવા 534 કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 31934 પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4604 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે મંગળવારે 652 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટર ઝોન કચેરીમાં સિવિક સેન્ટરમાં આવેલ જન્મ-મરણ નોંધણી વિભાગમાં દાખલા કઢાવવા આવતા લોકોની સુવિધા માટે ગઈકાલે તા.27/04/2021ના રોજ મેયર ડો.પ્રદિપ ડવએ સિવિક સેન્ટરમાં આવેલ જન્મ-મરણ વિભાગની મુલાકાત લીધેલ. સ્થળ મુલાકાત વખતે આરોગ્ય અધિકારી ડો.લલિત વાજા સાથે રહેલ.જન્મ-મરણ વિભાગની સ્થિતિ જોતા મેયરે ડે.કમિશનરને દાખલા કરાવાનું કાઉન્ટર અને સ્ટાફ વધારવા તેમજ દાખલા કઢાવવા માટે આવનાર વ્યક્તિ સોશ્યલ ડિસ્ટન્સ રાખીને બેસી શકે તે માટે ખુરશી તથા પાણીની વ્યવસ્થા કરવા જણાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.