રાજકોટ  વોર્ડ નં.૪ બન્યો કોંગ્રેસ મુક્ત

વોર્ડ નં.૪માં કોંગ્રેસના ઉમેદવારો કરતા આપના ઉમેદવારોને વધુ મત મળ્યા: ભાજપના પરેશ પીપળીયા, કાળુભાઈ કુગસીયા, કંકુબેન ઉધરેજા અને નયનાબેન પેઢડીયાની શાનદાર જીત

મહાપાલિકાની ગત ચૂંટણીમાં શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં ભાજપને ચાર માંથી માત્ર એક જ બેઠક મળી હતી. દરમિયાન કોંગ્રેસના એક નગરસેવકનું મૃત્યુ થતાં આવેલી પેટા ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર વિજેતા બની ૨ બેઠકો સુધી પહોંચી શક્યું હતું. જો કે, આ વખતે વોર્ડ નં.૪ના મતદારોએ વોર્ડને કોંગ્રેસ મુક્ત બનાવી દીધો છે અને ભાજપના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. નોંધપાત્ર વાત એ રહી છે કે વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો કરતા આપના ઉમેદવારોને વધુ મતો પ્રાપ્ત થયા છે. ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરીમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં કુલ ૧૨ વોર્ડની મત ગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં તમામ ૪૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ગત ચૂંટણીમાં છેલ્લા વોર્ડની મત ગણતરી સુધી ભાજપને બરાબરની ફાઈટ આપનાર કોંગ્રેસ આ વખતે ૧૨ વોર્ડની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી ખાતુ ખોલાવી શકી ન હતી. જ્યારે નિર્ણાયક બનીશું તેવો દાવો કરનાર આપ બીજા ક્રમે રહ્યું છે. વોર્ડ નં.૪ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત થયો છે. અહીં ભાજપે પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાની ટીકીટ કાપી અને એકમાત્ર પરેશ પીપળીયાને રીપીટ કર્યા હતા. છતાં વોર્ડવાસીઓએ ભાજપ પ્રત્યે પોતાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ભાજપના ઉમેદવાર કાળુભાઈ દેવદાનભાઈ કુગસીયાને ૧૩૦૨૨ મત, નયનાબેન પેઢડીયાને ૧૧૮૯૩ મત, પરેશભાઈ પીપળીયાને ૧૧૭૭૪ મત અને પરેશભાઈ દેવજીભાઈ પીપળીયાને ૧૧૭૭૪ મતો પ્રાપ્ત થયા હતા. કોંગ્રેસને વોર્ડ નં.૪માં હાર તો મળી પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે, ગત ચૂંટણીમાં વોર્ડની ચાર પૈકી ત્રણ બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે ત્રીજા સ્થાને ફેંકાયું હતું અને કોંગ્રેસ કરતા આપના ઉમેદવારોને વધુ મતો મળ્યા છે. આપના ઉમેદવાર અલ્કાબેન ડાંગરને ૭૯૮૩ મત, દિપકભાઈ મકવાણાના ૮૧૯૫ મત, રાહુલભાઈ ભુવાને ૯૮૫૫ મત અને સ્વાતીબેન પ્રજાપતિને ૬૦૧૧ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઠાકરશીભાઈ ગજેરાને ૮૭૩૦ મત, રામભાઈ જીલરીયાને ૬૮૨૮ મત, સીમીબેન જાદવને ૫૯૫૯ અને શિતલબેન પરમારને ૫૮૭૪ મતો પ્રાપ્ત થયા છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતમાં તોતીંગ ગાબડુ પાડતા અનેક વોર્ડમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે.