Abtak Media Google News

રાજકોટને દુષ્કાળમાં ટ્રેન મારફતે પાણી આપીને કોંગ્રેસની સરકારે પૈસા માંગ્યાં હતા:પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આકરા પાણીએ

રાજકોટમાં ગઈ કાલે ભાષાણબાજી કરી ગયેલા ગુજરાતના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને જડબાતોડ જવાબ આપતા પૂર્વ મેયર ઉદય કાનગડે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના થકી આજી, ન્યારી અને ભાદર સહિતના જળાશયોને નર્મદા નીરથી છલકાવીને વચન પરિપૂર્ણ કરી બતાવ્યું છે. તેમજ રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને પાણી-પાણી કરી દીધું છે, તે હકીકત છે. ત્યારે ધાનાણીએ કોંગ્રેસમાં પાણી છે કે નહિ તેની સમીક્ષા કરવી જોઈએ.

ભૂતકાળમાં રાજ્યની કોંગ્રેસ સરકારે રાજકોટમાં દુષ્કાળ સમયે ટ્રેનથી પાણી આપ્યું હતું તેના પૈસા માંગ્યા હતા તે રાજકોટવાસીઓ હજુ પણ ભૂલ્યા નથી અને ક્યારેય ભુલશે પણ નહિ માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને પાણી વિશે એક શબ્દ પણ બોલવાનો નૈતિક અધિકાર નથી. રાજકોટના પનોતા પુત્ર  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખરા અર્થમાં રાજકોટના પાણીના પ્રશ્નને ભૂતકાળ બનાવીને ટેન્કર યુગ સમાપ્ત કરી નાખ્યો છે. મહાનગરપાલિકાની ચુંટણી નજીક આવતા ધાનાણીને પાણી પ્રશ્ને રાજકારણ ખેલવા નું યાદ આવ્યું છે, પરંતુ રાજકોટ વાસીઓ ભરમાય તેવા નથી.

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી નજીક આવતા પાણી પ્રશ્ને નિવેદનો અને ભાષણબાજી કરી પ્રજાજનોને ભરમાવા નીકળેલા કોંગ્રેસીઓને આડે હાથે લેતા પૂર્વ મેયર ઉદય કાનગડે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષીનેતા પરેશ ધાનાણીમાં ત્રેવડ હોય તો, કોંગ્રેસને પાણીયાળી કરી બતાવે. રાજકોટ તો પાણીદાર છે જ. રાજકોટમાં પાણી પ્રશ્ન ભૂતકાળ બની જતા કોંગ્રેસીઓ બેબાકળા બની ગયા છે. કોંગ્રેસ શાસનની ભેટ બેડા યુદ્ધ, પાણી ભરવા માટેની લાઈનો અને ટેન્કર યુગને ભાજપે સમાપ્ત કરી દીધો છે, એ નજરે દેખાતી અને પુરવાર થયેલી વાસ્તવિકતા છે.

ઉદય કાનગડે નિવેદનના અંતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર હોય, રાજ્ય હોય કે શહેર હોય ભાજપની સરકારે હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરી છે. શહેરના જે વોર્ડમાં કોંગ્રેસી નગરસેવકો ચૂંટાયા છે ત્યાં પણ પાણી પુરવઠા યોજના માટે રાજકીય ભેદભાવ વિના કરોડો રૂપિયાની ફાળવણી કરી છે, એટલું જ નહિ, યોજના સાકાર કરી બતાવી છે અને લોકોના ઘરમાં નલ સે જલ આપ્યું છે. કોઠારીયા, વાવડી, જીલ્લા ગાર્ડન, રેલનગર વગેરે વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે પાણી વિતરણનું નેટવર્ક સુદ્રઢ કરવા ડી.આઈ.પાઈપલાઈનો નાખી છે. પાણીના નવા ટાંકા બનાવ્યા છે જેનો આવતી કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે લોકાર્પણ થનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.