Abtak Media Google News

રાજકોટ: શહેરના નાના મવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર નજીક શિવમ પાર્ક- 2માં રહેતા કર્મકાંડી વિપ્ર યુવાન સાથે એડવોકેટ અને બ્રોકરે રૂપિયા 1 કરોડની છેતરપિંડી કરતા પોતાના બે વ્હાલસોયા બે સંતાનને ઝેરી દવા પીવડાવી પોતે ગટગટાવી લેતા ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મકાન વેચી પુત્ર અને પુત્રીના લગ્નનો પ્લાન બનાવનાર પિતાએ કોરોનાની દવા કહી પુત્ર અને પુત્રીને કાતિલ ઝેર પીવડાવી પોતે ગટગટાવી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વિપ્ર યુવાન સાથે આર.ડી.વોરા અને દિલીપ કોરાટ નામના શખ્સોએ ચીટીંગ કરતા સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યા અંગેની સ્યુસાઇડ નોટ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે જેમની સામે ઠગાઇના આક્ષેપ છે તે સાળા-બનેવીની શોધખોળ હાથધરી છે. સામુહિક આપઘાતની આ ઘટનામાં સારવાર દરમિયાન પુત્રનું મોત નિપજ્યું છે. જ્યારે હાલ પિતા અને પુત્રીની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં આખરે પૂજારીના કુટુંબને આપઘાત કરાવવા કોણે મજબૂર કર્યુ ?? આ ચકચારી ઘટનામાં આરોપી સાળા-બનેવીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પોરબંદરના વતની અને છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં સ્થાયી થઇ કર્મકાંડનો વ્યવસાય કરતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા નામના 40 વર્ષના બરડાઇ બ્રાહ્મણ (ઉ.વ.40), તેના પુત્ર અંકિત (ઉ.વ.21) અને કૃપાલી (ઉ.વ.22) ગત રાતે ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમની હાલત ગંભીર જણાતા ત્રણેયને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાથી ગઇકાલે પુત્રનું મોત થયું હતું.

કમલેશભાઇ લાબડીયા, પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીએ ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યાની તાલુકા પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ ચૌહાણને જાણ થતા તેઓ શિવમ પાર્ક ખાતે દોડી ગયા હતા. જયાંથી તેમને કમલેશભાઇ લાબડીયાએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં એડવોકેટ આર.ડી.વોરા અને બ્રોકર દિલીપ કોરાટએ મકાન વેચાણ અંગે એક કરોડની છેતરપિંડી કર્યાનો તેમજ આ પૂર્વે દિનેશ અને ભાવીન રૂા.2.12 કરોડની ઠગાઇ કર્યાનું તેમજ નરેન્દ્ર પૂજારા નામના શખ્સ રૂા.12 લાખનું કરી નાખ્યાના આક્ષેપ કરાયા છે.

કમલેશ લાબડીયાએ પોતાની પુત્રી કૃપાલી અને પુત્ર અંકિતના લગ્ન કરવાના હોવાથી આર્થિક વ્યવસ્થા કરવા માટે પોતાનું શિવમ પાર્ક ખાતેનું મકાન વેચાવા કાઢયું હતું. મકાન વેચવા માટે તેમણે અખબારમાં જાહેરખબર આપતા બ્રોકર દિલીપ કોરાટે સંપર્ક કર્યો હતો અને ચૌધરી હાઇસ્કૂલ પાસે ઓફિસ ધરાવતા એડવોકેટ આર.ડી.વોરાની ઓફિસે રૂા.1.20 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. રૂા.20 લાખ રોકડા આપ્યા બાદ સાટાખત લખાણ કર્યુ હતુ.

60E9Fd6B 1678 4412 B0C0 808E0Bc8Efc3

કમલેશભાઇ લાબડીયા મકાન પેટેની બાકી રકમ એક કરોડ લેવા માટે બ્રોકર દિલીપભાઇ કોરાટ પાસે ત્રણ માસ પહેલાં ગયા ત્યારે તેઓએ એડવોકેટ આર.ડી.વોરાને આપી દીધાનું કહ્યું હતું. આથી તેઓ એડવોકેટ વોરા પાસે ગયા ત્યારે તેમણે દિલીપ કોરાટને આપી દીધાનું કહ્યું હતું. આમ કમલેશભાઇ લાબડીયાને બાકીના એક કરોડ ચૂકવવામાં અવાર નવાર ધક્કા ખબડાવતા તેઓ કંટાળી ગયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આર્થિક પ્રશ્ર્ને કંટાળી વિપ્ર પરિવારની ત્રણ વ્યક્તિએ એક સાથે ઝેરી દવા પીધાની ઘટના અંગે તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. રાઠવાને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. કમલેશભાઇ લાબડીયા ગઇકાલે ઝેરી દવા લાવ્યા બાદ પાણીની બોટલમાં ભરીને પોતાના પુત્ર અંક્તિ અને પુત્રી કૃપાલીને આ કોરોનાની દવા છે. તેમ કહી દવા પીવાથી કોરોના નહી થાય તેમ કહી પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધા હતી. કમલેશભાઇ લાબડીયાએ પોતાની પત્ની જયશ્રીબેનને પણ કોરોનાની દવા પીવાનું કહ્યું હતુ પરંતુ તે દરમિયાન પોતાના બાળકોને ઉલ્ટી થતા જયશ્રીબેને ઝેરી દવા પીધી ન હતી.

કમલેશભાઇ લાબડીયા સાથે એડવોકેટ વોરા અને બ્રોકર દિલીપ કોરાટે એક કરોડની છેતરપિંડી કર્યા ઉપરાંત દિનેશ અને ભાવીન નામના શખ્સોએ રૂા.2.12 કરોડની છેતરપિંડી કરી ત્યાથી આર્થિક ભીસ અનુભવતા હોવાનું અને નરેન્દ્ર પૂજારાએ પણ રૂા.12 લાખમાં સાટાખત કરાવી છેતરપિંડી કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાથી પોલીસે તેઓની પણ શોધખોળ શરૂ કરી છે.

કર્મકાંડનું કામ કરતા કમલેશભાઇ છેતરપિંડીનો ભોગ બનતા તેમજ તેના પર પણ ખોટો આરોપ મુકાતા તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને સંતાનોને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઝેરી દવા પીવાથી કમલેશભાઇની તેમજ પુત્રી કૃપાલીની હાલત ગંભીર છે. કૃપાલીની સગાઇ થઇ ચૂકી છે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ થાળે પડે પછી તેના લગ્ન કરવાનું વિચારતા હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પુત્ર અંકિતનું મૃત્યુ થયાની જાણ થતાં જ તેની માતા જયશ્રીબેન ઢળી પડ્યા હતા અને તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

કમલેશભાઇ લાબડીયાનો મોબાઇલ ગુમ ??

શિવમ પાર્કના કમલેશભાઇ લાબડીયાએ પોતાની પુત્રી કૃપાલી અને પુત્ર અંકિતને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધાની ઘટનાની સાથે તેમનો મોબાઇલ પણ ગુમ હોવાથી પોલીસ અને પરિવાર દ્વારા મોબાઇલની શોધખોળ કરવામાં આવી રહી છે. કમલેશભાઇ લાબડીયાનો મોબાઇલ મળી આવે તો અનેક રહસ્યનો ભેદ ખુલે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.