રાજકોટ: જીવરાજપાર્કમાં પરિણીતાનું ડેન્ગ્યુથી મોત

3 દિવસ સુધી તાવ રહેતા સારવારમાં તોડયો દમ: માસૂમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી

વાતાવરણમાં પલટો આવતાં જ તાવ,શરદી – ઉધરસ અને ડેન્ગ્યુ જેવા રોગોનો જાણે રાફડો ફાટી રહ્યો હોય તેમ એકા એક લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે શહેરમાં જીવરાજ પાર્ક માં રહી ત્યાં જ ચોકીદારનું કામ કરતા નેપાળી યુવાનની પત્નીને સતત ત્રણ દિવસથી તાવ આવતો હતો જેથી તેનો રિપોર્ટ કરાવતા તેને ડેગ્યુ હોવાનું જાણવા મળતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

વિગતો મુજબ જીવરાજ પાર્ક માં આવેલ શ્યામલ ઉપવનમાં રહેતા અને ત્યાં જ ચોકીદારની કામ કરતા નેપાળી યુવાન ટેકબહાદુરની પત્ની ગોમાં ટેકબહાદુર બીકે (ઉ. વ.22)ને ત્રણ દિવસ સુધી સતત તાવ આવતો હોવાથી તેના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે તેને ડેન્ગ્યુ તેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ જ્યાં તેનો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ હોસ્પિટલ એ દોડીએ પ્રાથમિક પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક પરીણીતામાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર છે.

ડેન્ગ્યૂનો કહેર યથાવત: નવા 11 કેસ નોંધાયા

રાજકોટમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત છે. આજે એક વ્યક્તિને કાળમુખો ડેન્ગ્યૂ ભરખી ગયો છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યૂના નવા 11 કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના કુલ 235 નોંધાયા હોવાની સત્તાવાર ઘોષણા કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે. આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાનો પણ એક કેસ મળી આવ્યો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 279 કેસ, સામાન્ય તાવના 38 કેસ અને ઝાડા-ઉલ્ટીના 53 કેસ નોંધાયા છે. રોગચાળાની અટકાયત માટે 71,688 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1156 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી સહિત કુલ 817 સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. કોમર્શિયલ મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ મળી આવતા 64 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે રહેણાંક વિસ્તારમાં 585 આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ અપાઇ છે.