Abtak Media Google News
  • રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે હિતેશભાઇ વોરા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી સુરેશભાઇ બથવારે ફોર્મ ભર્યા પૂર્વે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને કર્યા વંદન
  • ઉમેદવારોના સમર્થકમાં યોજાયેલી બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને આગેવાનો જોડાયા

રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠક પ્રથમ તબકકામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાશે તેવા બૂલંદ હોંશલા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસ દ્વારા રાજકોટની ચાર પૈકી બે બેઠકો માટે જ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હોય આજે બન્ને ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી નોંધાવી હતી.

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી હિતેશભાઇ વોરાને ટિકીટની ફાળવણી  કરવામાં આવી છે જયારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર વ્યવસાયે એન્જીનીયર એવા સુરેશભાઇ બથવારના નામ પર મહોર મારવામાં આવી હતી. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છઠ્ઠા દિવસે કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ શુભ વિજય મુહુર્ત ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ પૂર્વ ઢેબર રોડ પર સ્વામીનારાયણ ગુરુકુળની સામે આવેલા 70- વિધાનસભા બેઠકના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતેથી દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઇ વોરા અને 71- ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશભાઇ બથવારના સમર્થનમાં વિશાળ બાઇક રેલી યોજાઇ હતી.

જેમાં શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના નાદ સાથે કાર્યકરોએ વાતાવરણ ગુંજીવી દીધું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા  પૂર્વે કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઇ વોરા અને સુરેશભાઇ બથવારે બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વંદન કર્યુ. પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ બન્નેએ દાવેદારી નોંધાવી હતી.

કોંગ્રેસ રાજકોટ પૂર્વે અને પશ્ચિમ બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી નથી. પૂર્વ બેઠક માટે ઇન્દ્રનીલ રાજયગુરુની ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે. જયારે પશ્ચિમ બેઠક માટે મનસુખભાઇ  કાલરિયા અને ગોપાલભાઇ અનડકટનું નામ ચર્ચામાં છે. આજ સાંજ સુધીમાં નામ ઘોષીત  કરવામાં આવશે.

71- વિધાનસભાના પ્રભારી અને રાજસ્થાન સરકાર મંત્રી પ્રમોદભાઇ જૈન, રાજેન્દ્ર પાલ, પાનાચંદ મેધવા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ અગ્રણી એન.ડી. જાડેજા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજડીયા, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, રાજકોટ શહેર મહાપાલીકાના વિપક્ષના નેતા ભાનુબેન સોરાણી, લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરુભા જાડેજા, રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ઢાંકેચા, રાજકોટ જિલ્લા એસ.સી. એસ.ટી. સેલના પ્રમુખ કિશોરભાઇ અને રાજકોટ એસ.સી. એસ.ટી. સેલના પ્રમુખ નરેશ સાગઠીયા  શહેર કોંગ્રેસના અગ્રણી વિજયસિંહ જાડેજા સહીત અનેક અગ્રણીઓ અને કાર્યકરોની ઉ5સ્થિતિમાં ફોર્મ ભર્યુ હતું.

વિધાનસભા-70 ના કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા ઉઘોગપતિ હિતેશભાઇ વોરાએ ઉમેદવારી રજુ કરતી વેળાએ મિતુલ દોંગા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, ઉપપ્રમુખ મુકુંદ ટાંક, જયપાલસિંહ રાઠોડ, મહામંત્રી મયુરસિંહ પરમાર, ભાવેશ વાઘેલા, કેતનભાઇ ઝરીયા, રણજીત મુંઘવા, દિપેન ભગદેવ, બીજલ ચાવડીયા, પ્રહલાદસિંહ ઝાલા અને રાહીત રાજપુત સહીતના અગ્રણીઓ ઉ5સ્થિત રહ્યા હતા.

Dsc 9805

  • કેપ્ટન વગરની ટીમ સાથે બથવાર અને વોરાએ ફોર્મ ભર્યા
  • અશોક ડાંગર, પ્રદિપ ત્રિવેદી, હેમાંગ વસાવડા અને મહેશ રાજપુતની  સુચક ગેરહાજરી

રાજકોટ ગ્રામ્ય-71 અને રાજકોટ શહેર 70 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને હિતેશ વોરાએ રેલી સ્વરુપે જુની કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ રજુ કરવા આવ્યા ત્યારે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઇ ડાંગર, શહેર કોગ્રેસના અગ્રણી હેમાંગ વસાવડા, મહેશ રાજપુત અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયાની ગેરહાજરીથી કાર્યકરોમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયું હતુ. હિતેશ વોરાને ટિકીટ મળી ત્યારેથી નારાજગી સામે વળગે તેવી છે. જયારે ઇન્દ્રનીલ રાજયગુરુ ની ઘર વાપશી અને સામાકાંઠાની બેઠક પરથી ચુંટણી લડવાની રેસમાં હોવાથી અશોકભાઇ ડાંગર અને મહેશ રાજપુત નારાજ હોવાનું કાર્યકરોમાં ચર્ચા રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.