Abtak Media Google News

૩૫ વર્ષથી વધુ વયના કાર્યકરોને યુવા ભાજપ સંગઠન મોરચામાં ન સમાવવા અંગે પ્રદેશ હાઇકમાન્ડના અણધાર્યા આદેશ બાદ પૃથ્વીસિંહ વાળા અને હિરેન રાવલના રાજીનામાં લઈ લેવાયાં: ટૂંકમાં નવી નિમણૂક કરાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કેટલાક નિયમો ધડવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મોટા માથાઓની ટિકિટ કપાઈ જવા પામી હતી.દરમિયાન તાજેતરમાં પ્રદેશ ભાજપ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ૩૫ વર્ષથી વધુ વય ધરાવતા કોઇપણ કાર્યકરનો યુવા મોરચાના સંગઠન સમાવેશ કરવો નહીં. આ નિર્ણય બાદ આજે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે રાજીનામા આપી દીધા હતા.

સમગ્ર ગુજરાત માટે એક સમાન નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ યુવા મોરચાની ટીમની રચના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે. નવા નિયમના કારણે જિલ્લાઓમાં યુવા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામાં આપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. તો બીજી તરફ ખુદ પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ની ઉંમર પણ ૩૫ વર્ષથી વધુની હોય તેમની રાજીનામું લેવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ અંગે વધુ ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ૩૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતા એકપણ કાર્યકરનો યુવા મોરચામાં સમાવેશ કરવો નહીં પ્રદેશના આ નિર્ણયને ધ્યાનમાં રાખી આજે રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.આ બંને નવનિયુક્ત હોદ્દેદારોની ઉંમર ૩૬ વર્ષની હતી જ્યારે અન્ય એક મહામંત્રી કિશનભાઇ  રાવલની ઉંમર ૩૫ વર્ષથી નાની હોવાના કારણે તેમને હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે.

યુવા મોરચાના પ્રમુખપદેથી રાજીનામું આપી દેનાર પૃથ્વીરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પ્રદેશ દ્વારા યુવા મોરચાના સંગઠન માળખા માટે નિયત કરાયેલી વય મર્યાદાને ધ્યાનમાં રાખી ને મારા હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં અનેક જિલ્લાઓ શહેર અને મહાનગરોમાં તાજેતરમાં જ યુવા મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. નિયુક્તિ બાદ પ્રદેશ ભાજપ દ્વારા યુવા મોરચા માટે ૩૫ વર્ષની વય મર્યાદા ફિક્સ કરી દેવામાં આવી હોવાના કારણે આગામી દિવસોમાં અનેક જિલ્લા શહેરો કે મહાનગરોમાં યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટની ઉંમર પણ ૩૫ વર્ષથી વધુ છે. આવામાં તેઓનું રાજીનામું લેવામાં આવશે કે કેમ?શહેર ભાજપમાં ખાલી પડેલી યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની જગ્યા પર નવી નિમણૂક માટે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.હજી પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂકને એક મહિનો પણ નથી થયો ત્યાં બંનેના રાજીનામા લઇ લેવામાં આવતા કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો બીજી તરફ જે લોકો દાવેદારો હતા છતાં એક યા બીજા કારણોસર પદથી વંચિત રહ્યા હતા તેઓ હાલ મનમાં મલકાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.