રાજકોટ જીલ્લા કલા શિક્ષક સંઘ અને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તિરંગા કલાકૃત્તિના પ્રદર્શનનો શુભારંભ

  • જાણીતા ચિત્રકાર રજની ત્રિવેદી નિર્મિત 75 કૃત્તિઓનું નયનરમ્ય પ્રદર્શન: બાળથી મોટેરા અને ચિત્ર શિક્ષકોએ પણ કલાકૃત્તિ રજૂ કરી: 16મી સુધી પ્રદર્શન ચાલુ રહેશે
  • ‘અબતક’ ચેનલ દ્વારા પ્રદર્શનનું લાઇવ કવરેજ લાખો લોકોએ નિહાળ્યું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજથી 75 તિરંગા કલાકૃત્તિનું ભવ્ય પ્રદર્શન શરૂ કરાયું છે. જાણિતા ચિત્રકાર રજની ત્રિવેદીએ વિવિધ વસ્તુઓના માધ્યમ વડે ભગવા, સફેદ અને લીલા તિરંગા કલરથી ભવ્ય કલાકૃતિ નિર્માણ કરી છે. જે ખરેખર માણવા જેવી છે.

આ પ્રદર્શન 16મી સુધી રાજકોટવાસીઓને જોવા મળશે. આ પ્રદર્શનમાં રાજકોટની શાળાનાં વિદ્યાર્થી અને ચિત્ર શિક્ષકોએ પણ પોતાની કલાકૃત્તિ રજૂ કરી છે. પ્રદર્શનમાં વિજેતા ત્રણ કૃત્તિને ઇનામ આપવામાં આવશે. આ પ્રદર્શનમાં કાગળ, કાપડ, ફળ-ફૂલ, વૃક્ષ પાન જેવી વિવિધ વસ્તુમાંથી તિરંગા કલાકૃત્તિ રજૂ કરાય છે.

આ પ્રદર્શન ચિત્રકારોનો તિરંગા પ્રેમ છે: રજની ત્રિવેદી પ્રમુખ કલા શિક્ષક સંઘ

આ પ્રદર્શનમાં રજૂ થયેલી વિવિધ કૃત્તિઓ ચિત્રકારોનો દેશપ્રેમ સાથે તિરંગા પ્રત્યેની રાષ્ટ્ર ભાવના દર્શાવે છે. કલાકારો ‘કલા’ માધ્યમ વડે પોતાની દેશ ભાવના પ્રગટ કરે છે.

રાષ્ટ્રભાવના કલાકૃત્તિ અને વિજ્ઞાનનો અદ્ભૂત ત્રિવેણી સંગમ છે આ પ્રદર્શન :ડો.આર.જે.ભાયાણી

વિજ્ઞાન કેન્દ્ર ખાતે રજૂ થયેલ આ સુંદર પ્રદર્શન રાષ્ટ્રભાવના કલાકૃત્તિ સાથે વિજ્ઞાનનો અદ્ભૂત ત્રિવેણી સંગમ છે. કલા વિજ્ઞાનના માધ્યમ વડે આ પ્રદર્શનમાં અદ્ભૂત કૃત્તિ રજૂ કરાય છે. જેને જોવા જાહેર અનુરોધ છે.