રાજકોટઃ લાકડીના ટેકે 108 વર્ષના વૃદ્ધે કર્યું મતદાન, લોકોને કરી આવી અપીલ,જુઓ તસવીરો

રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. કુલ 586 ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગઢકા ગામે 108 વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતાં. ડાયાભાઈ પટેલ નામના વૃદ્ધ લાકડીના ટેકે પોતાનો કિંમતી મત આપવા પહોંચ્યા હતાં અને મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.

રાજકોટ જિલ્લાના ખાડાપીપરના 99 વર્ષના વૃદ્ધ મોહનભાઈ મનજીભાઈ પીપરીયાએ મતદાન કરીને લોકોને અપીલ કરી હતી કે, આવો આપણે સૌ મતદાન કરી લોકશાહીને જીવંત રાખીએ…

રાજ્ય રાજકોટના રાજ સમઢિયાળા ગામે કુંવર બેન લીમસિયા ઉંમર વર્ષ 109 મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી અને મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.

ગીરગઢડા તાલુકાના ધોકડવામા 109 વર્ષના બાબુ દાદા મતદાન કરવા પહોંચ્યા હતાં અને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

રાજકોટના જીયાણા ગામે ૧૦૫ વર્ષના ધનીબેને મતદાન કર્યું હતું.

જામનગર જિલ્લાના ધ્રોલના લતીપર ગામે 102 વર્ષના વૃદ્ધ માજી મતદાન કરવા પહોંચ્યા હતાં.લોકોને મતદાન કરવા વૃદ્ધાએ આહવાન કર્યું હતું.

આજે ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તરફથી એક લાખ જેટલાં જવાનો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.