- વેપારીઓએ અડધો દિવસ દુકાનો બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્રને અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલી અર્પી: શાળાઓમાં પણ રજા રખાય
અમદાવાદમાં ગત ગુરૂવારે બનેલી પ્લેન દુર્ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુ:ખદ નિધન થયું છે. આ કરૂણ ઘટનાથી રાજકોટવાસીઓ શોકમગ્ન બની ગયા છે. ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયેલા રાજકોટવાસીઓએ આજે પોતાના લોકલાડીલા નેતા – હૃદ્ય સમ્રાટ વિજયભાઇને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે અડધો દિવસ બંધ પાળ્યો હતો. શહેરની તમામ બજારો આજે સવારથી બપોર સુધી બંધ રહી હતી. શહેરની 600થી વધુ ખાનગી શાળાઓમાં પણ શૈક્ષણીક કાર્ય બંધ રાખવામાં આવ્યા હતા. વિજયભાઇની અંતિમવિધી રાજકોટ ખાતે જ કરવામાં આવશે. ડીએનએ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તેઓના આત્માની શાંતિ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર–ઠેર શ્રધ્ધાંજલી સભા યોજાઇ રહી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુ:ખદ અવસાન થયેલ છે. રાજકોટના પનોતા પુત્ર અને સૌના હૃદ્યસ્થ એવા નેતા સ્વ.વિજયભાઇના અવસાનથી સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટને ખૂબ જ મોટી ખોટ પડી છે જે ક્યારેય પણ પુરી શકાશે નહીં. સદ્ગતના આત્માને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા તમામ વેપારી–ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનો દ્વારા આજે તમામ વેપાર–ઉદ્યોગકારોને બપોર સુધી સ્વૈચ્છીક રીતે બંધ રાખવામાં આવ્યા હતા.
સ્વ.વિજયભાઇ રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન તેઓને સૌની યોજના થકી શહેરનું જળ સંકટ હળવું કર્યું. એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અટલ સરોવર જેવા અનેકવિધ વિકાસ કામોની ભેટ આપીને રાજકોટના વિકાસને વેગવંતો બનાવ્યો હતો.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગતોની આત્માઓને પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. લોકો ઇજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. તેઓ જલ્દીથી સ્વસ્થ થાય તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.
આજે રાજકોટમાં પરાબજાર, દાણાપીઠ, મોચી બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, બંગડી બજાર, ગુંદાવાડી, મવડી માર્કેટ, જંક્શન પ્લોટ બજાર, દેવપરા વિસ્તાર, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ સહિત શહેરની તમામ મુખ્ય બજારો તથા અલગ–અલગ એરિયાઓમાં આવેલી નાની–મોટી દુકાનો બંધ રહી હતી. કારખાનાઓ, ફેક્ટરી પણ બંધ રહી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે શહેરમાં 600થી વધુ ખાનગી શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખ્યું હતું. વેપારીઓ દ્વારા પ્લેન દુર્ઘટનાના તમામ મૃત્તકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. વિજયભાઇના અકાળે નિધનથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.