Abtak Media Google News

રણજીત વિલાસ પેલેસ ખાતે નિષ્ણાંત ડોકટરો દ્વારા સઘન સારવાર ચાલી રહી છે ચાહકોમાં ચિંતાનો માહોલ

ભૂતપૂર્વ ભારતીય ઉમરાવ અને કુશળ રાજનેતા ઉપરાંત ‘દાદા’ એક ઉચ્ચ કોટીના ક્રિકેટર પણ રહી ચૂકયા છે

રાજય સરકારના નાણા મંત્રી, આરોગ્ય મંત્રી અને યુવા સેવાઓના પ્રધાન સહિતના વિવિધ હોદ્દાઓ પર સેવા આપી ચૂકયા છે

રાજકોટના ઠાકોર સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી પ્રધ્યુમનસિંહજી જાડેજા (દાદા) છેલ્લા ઘણા સમયથી બિમાર છે. આજે સવારે તેઓની તબીયત અત્યંત નાજૂક થઈ જતાં તેઓના નિવાસ સ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે જ નિષ્ણાંત ડોકટરો દ્વારા સધન સારવાર આપવામાં આવી રહી છે. દાદાની તબીયત નાજૂક હોવાના સમાચારો મળતા ચાહકોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. રણજીત વિલાસ પેલેસ ખાતે સમર્થકોના ટોળે-ટોળા ઉમટી પડયા હતા.

રાજકોટના ૧૫માં ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૩૫ના રોજ રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ પ્રધ્યુમનસિંહ જાડેજા હતું. તેઓએ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ રાજકુમાર કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૪૯માં અલવરના મહારાજ ત્તેજસિંહ પ્રભાકરજીની બીજી પુત્રી માનકુમારીદેવી સાહેબા સાથે તેઓના લગ્ન થયા હતા. દાદાને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. મનોહરસિંહજી દાદા ભૂતપૂર્વ ભારતીય ઉમરાઉ અને એક કુશળ રાજનેતા ઉપરાંત એક ઉચ્ચ કોટીના ક્રિકેટર પણ છે. તેઓ સૌરાષ્ટ્રની ટીમ વતી રણજી ટ્રોફી પણ રમી ચૂકયા છે. ૧૯૫૭-૫૮માં તેઓએ કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવી હતી.

ગુજરાત વિધાનસભામાં ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૨, ૧૯૮૦ અને ૧૯૯૦ એમ પાંચ વખત ધારાસભ્ય અને ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી કેબીનેટ મંત્રીપદે તેમજ ૧૯૯૪-૯૫માં પુન: કેબિનેટ મંત્રીપદે રહી ચુકેલા મનોહરસિંહ જાડેજા તેમના વિનય, વિવેક, વિનમ્રતા અને વિધ્વતા માટે જાણીતા છે. રાજકોટના રાજવી લાખાજીરાજના પૌત્ર અને લોકસેવક મનોહરસિંહજી જાડેજાએ રાજકુમાર કોલેજ, રાજકોટ એલ્ફીસ્ટન કોલેજ, મુંબઈ અને ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરીને બી.એ., એમ.એ., એલ.એલ.બી., તેમજ બ્રિટીશ ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટની ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેમની બહુમુખી પ્રતિભાને કારણે બહુ ઓછા લોકો જાણે છે કે મનોહરસિંહજી જાડેજાએ રમત-ગમત ક્ષેત્રે ઘણાં ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. તેમજ તેઓ ખુબ સારા ક્રિકેટર બેડમિન્ટન પ્લેયર અને બિલયર્ડ પ્લેયર રહી ચુકયા છે.

સંગીતકલા અને સાહિત્યમાં રૂચિ ધરાવતા રાજવી મનોહરસિંહજી જાડેજાએ રવિપિયુ, તખ્ખલુસ સાથે કલ્પનાની વાટે અનુરાગ અને અનુગ્રહ એવા ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગયા વર્ષો, રહયાં વર્ષો, શિર્ષક હેઠળ પોતાના સંસ્મરણો પણ લખ્યા છે. મુર્ધન્ય કવિ સર્જક સર્વગસ્થ સુરેશ દલાલે આ સંસ્મરણોને હમદમકારણ અને રાજકારણની સ્મૃતિકથા કહીને પુસ્તકને સસ્મરણોની કુંજગલી તરીકે ઓળખાયું છે. સુરેશ દલાલ નોંધે છે કે મનોહરસિંહજી જાડેજાના લખાણોમાં રાજપદ છે. પણ હું પદ નથી. જીવન વૈભવશાલી છે. પણ એનો છાક નથી એમનું ગધ્ય સીધુ સાદુ પણ સોસરવું છે એમાં શૈલીના કોઈ લપેળા નથી.

રાજકોટના રાજય પરંપરાના કોઈ શાસક અને સાક્ષી રહેલા મનોહરસિંહજી જાડેજા એમના સંસ્મરણોમાં લખે છે કે રાજકોટના રાજય ઈતિહાસ તરફ નજર નાખતા ઈ.સ.૧૬૧૦ થી ૧૯૫૦ કુલ ૩૪૦ વર્ષના ગાળામાં ૧૫ રાજવીઓ પૈકી શ્રી બાવાજીરાજ (૧૮૬૨ થી ૧૯૯૦) અને તેમના કુંવર શ્રી લાખીજીરાજ (૧૮૯૦ થી ૧૯૩૦) આ સમયગાળો રાજકોટ રાજયનો સુવર્ણકાળ રહ્યો છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના પિતાજી ક.બા.(કરમચંદ) ગાંધી રાજયના દિવાન હતા તે કારણે ગાંધીજીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. રાજ પરિવારે ઈ.સ.૧૯૨૦માં રાષ્ટ્રીય શાળા માટે ૬૮૦૦૦ ચો.મી.જેટલી જમીન નજીવી કિંમતે આપી હતી. રાજકોટમાં લાખાજીરાજ બાપુએ પહેલી વખત ગાંધીજીને રાજકોટ આવવા નિમંત્રણ આપ્યું તે વખતે અંગ્રેજોએ આડકતરા દબાણો સહિત અનેક પ્રકારની ધમકીઓ આપી હતી. પરંતુ ગાધી ચાલી જાય તો ભલે એવા વટ અને ગૌરવ સાથે રાજવી પરિવાર અંગ્રેજો સામે નમ્યા નહીં.

એ જ કારણોસર લાખાજીરાજ બાપુના અવસાન સમયે ગાંધીજીએ શોક સંદેશો પાઠવ્યો હતો. જે આજે પણ રાજવી પરિવારે અમુલ્ય સંભારણારૂપ સાચવી રાખ્યો છે.

મનોહરસિંહજી જાડેજાએ પોતાના સંસ્મરણોમાં રાજકુમાર કોલેજમાં પોતાના પ્રવેશનો પ્રસંગ પણ ટાંકયો છે. એ વખતે રાજકુમારના કોલેજના વિદ્યાર્થીઓએ પાળેલી હડતાલને કોલેજના પ્રમુખ જામસાહેબ બાપુએ કેટલી ગરીમાપૂર્ણ રીતે સંપન્ન કરાવી હતી. એ પ્રસંગથી આજની હડતાલો સાથે તે હડતાલની સરખામણી કરી મનોહરસિંહજી જાડેજા ૧૯૪૭ના ૧૫મી ઓગષ્ટે ભારતની આઝાદીનો નુતન સૂર્યોદય પ્રકાશમાન થયો તે પ્રસંગ અદ્ભૂત રીતે વર્ણવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.