રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. તેમની છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમની તબિયત ગંભીર થતા તેમને ચેન્નઈ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલાઈ હતી. ત્યારબાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે, અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. અભય ભારદ્વાજ સેવા કરવામાં સૌથી આગળ હતા.

અભય ભારદ્વાજની જીવન ઝરમર

અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો મહત્વનો રોલ હતો. રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.

આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો જન્મ

અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954નાં રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતાં હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી.