કોરોના સહાય માટે આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ પુરાવા તરીકે રાખી ફોર્મ ભરી શકાશે

પુરાવા ન હોય તો કોર્પોરેશન દ્વારા કાઢી આપવામાં આવતું ફોર્મ-4/ ફોર્મ-4એ મેળવવાનું રહેશે

 

અબતક-રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.50,000/-ની સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ માટે મૃતકના મૃત્યુનું કારણ દર્શાવતું પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. કોવિડ-19ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે ફોર્મ-4/ફોર્મ-4એ કાઢી આપવામાં આવે છે.

પરંતુ સરકારના પરિપત્ર મુજબ હવેથી કોવીડ-19ના એવા કેસો કે જેનું નિદાન પોઝીટીવ આરટીપીસીઆર મોલેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ દ્વારા કરવામાં આવે અથવા હોસ્પિટલમાં/ઇન પેશન્ટ ફેસીલીટીમાં દાખલ કરવામાં આવે ત્યારે સારવાર કરનાર ડોક્ટર દ્વારા કોવીડ-19નું નિદાન કરવામાં આવે તેવા કિસ્સાઓને કોરોના પોઝીટીવ કેસ ગણવામાં આવશે અને તેઓના કિસ્સામાં પોઝીટીવ આરટીપીસીઆર/મોલેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ અથવા ડોકટર દ્વારા લખી આપવામાં આવેલ કોવીડ-19નું નિદાન કરવામાં આવે છે, વિગેરે પુરાવા સાથે રાખી સહાય માટે સીધી પોતાના વિસ્તારની મામલતદાર કચેરીએ અરજી કરી શકશે. જાહેર જનતાજોગ સરકારએ કરેલી સ્પષ્ટતાઓ અંગે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ માહિતી આપી હતી.

જો કોવીડ-19 પરીક્ષણની તારીખ થી અથવા કોવીડ-19 પોઝીટીવ કેસ નક્કી થયાની તારીખ થી 30 દિવસના સમયગાળામાં હોસ્પિટલની અંદર કે બહાર દર્દીનું અવસાન થાય તો તેને પણ કોવીડ-19ને કારણે મૃત્યુ થયું ગણાશે.

કોવીડ-19ના દર્દી હોસ્પિટલ/ઇન પેશન્ટ ફેસીલીટીમાં સારવાર લેતા હોય તે દરમ્યાન અને 30 દિવસ પછી પણ કોરોનાની સારવાર ચાલુ રહે અને ત્યારબાદ મૃત્યુ પામે તો પણ તેને કોવિડ-19ને કારણે મૃત્યુ થયેલ ગણાશે.

કોવીડ-19 દર્દી પોઝીટીવ સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવા પાત્ર રહે છે. ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુ વગેરેને કારણે થતા અવસાનને કોવીડ-19 મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહી પછી ભલેને કોવીડ-19 સહ-ઘટનાની સ્થિતિ હોય.

ઉપર્યુક્ત કિસ્સાઓમાં મૃતકના કુટુંબીજનો/વારસદારોએ કોવીડ-19 મૃત્યુ વિષયક ખાતરી સમિતિ પાસે કોવીડ-19 મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા અરજી કરવાની રહેતી નથી. આવા કિસ્સાઓમાં મૃતકના કુટુંબીજનો/વારસદારો નાણાકીય સહાય મેળવવા માટે સીધે સીધી જરૂરી કાર્યવાહી કરી શકશે.