- રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું નિધન
- લાંબા સમયથી બીમાર હતા
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને બિહાર વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. તેમણે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 68 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગંભીર રીતે બીમાર હતા. રામ મંદિર ચળવળમાં યોગદાન બદલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કામેશ્વર ચૌપાલનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ‘પ્રથમ કર સેવક’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
રામ મંદિર ચળવળમાં કામેશ્વર ચૌપાલનું યોગદાન ઐતિહાસિક હતું. ૯ નવેમ્બર ૧૯૮૯ના રોજ, તેમણે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પહેલો શિલાન્યાસ કર્યો. આ ઘટના ભારતીય ઇતિહાસના પાનાઓમાં હંમેશા યાદ રહેશે, કારણ કે આ દિવસ પછી જ રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો હતો. બાદમાં 9 નવેમ્બર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટે રામ મંદિરના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો.
કામેશ્વર ચૌપાલનો જન્મ 24 એપ્રિલ 1956 ના રોજ થયો હતો. તેમણે મધુબનીની જેએન કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું અને બાદમાં દરભંગાની મિથિલા યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું, અને તેઓ હંમેશા રામ મંદિર ચળવળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.
કામેશ્વર ચૌપાલે 1991માં ભાજપની ટિકિટ પર રોસેરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, 1995 માં, તેમણે બિહારના બેગુસરાય જિલ્લાની બાખરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી, પરંતુ અહીં પણ તેઓ જીતી શક્યા નહીં. 2002માં તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા, જ્યાં તેમણે 2014 સુધી સેવા આપી.
ભાજપે તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં સુપૌલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. 2020 માં, બિહારના ડેપ્યુટી સીએમ પદ માટે પણ તેમનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું.