રામલલ્લાને હવે ‘જલા’નો થાળ

દે ને કો ટુકડા ભલા લેને કો ‘રામ’ નામ

ગાદીપતિ રઘુરામબાપાના થાળનો ભાવ અયોઘ્યા રામમંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકારતા વિરપુર બન્યું જલામય

વિરપુરમાં ‘જલા’એ રામનામની સાથે સાથે જઠરાગ્નિ ઠારવાની જયોતને પણ અખંડ જલાવી છે. અઘ્યોઘ્યામાં સેંકડો વષો પછી જયારે રામમંદિર નિર્માણ થઇ રહ્યું છે ત્યારે જેને ભારતવર્ષમાં જઠરાગ્નિ ઠારતી અખંડ ટુકડા’ની જયોતને જલાવી રાખી છે. એવા વિરપુરના જલારામ બાપાનો થાળ હવે રામલલ્લાને પીરસાશે. વિરપુરમાં રર૧ વર્ષથી પુરાણી ‘દે ને કો ટુકડા ભલા લેને કો હરિનામ’ની જયોત આજે પણ અવિરત ચાલુ છે. શબરીના બોરની જેમ ‘રામ’હવે વિરપુરના જલોનો પ્રસાદ પણ સપ્રેમ આરોગસે આ જીવન રામલલ્લાને બે ટાઇમના ભોજનમાં હવે ‘જલા’ના પ્રેમનો પ્રસાદ પીરસાશે ત્યારે નાનકડુ વિરપુર જલામય બન્યું છે.

ઈંટ અમારા ગામની અવધપુરીના ધામમાં  આ સૂત્ર ૧૯૯૧માં રામ મંદિર નિર્માણના આંદોલન સમયે ગામેગામ પ્રચલિત થયું હતું. પરંતુ ત્યાર બાદ કોર્ટ કેઇસમાં ત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો અને હવે જ્યારે મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર નિર્માણમાં દેશભરમાંથી કાર સેવકો શ્રમદાન કરશે, તેમજ દેશના મોટા મંદિરો દ્વારા જુદીજુદી સેવાઓ કરવામાં આવશે. તેમાં અતિ મહત્વનું કહી શકાય તેવું એટલે કે મંદિરમાં રામલલ્લાને બે ટાઈમ જે થાળ ધરવામાં આવશે તે વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવાની માંગ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા રામ મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ મૂકી જે ટ્રસ્ટીઓએ સ્વીકારી લેતા હવેથી આજીવન રામલલ્લાને થાળ વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે તેવી બાપાના પરિવારજન ભરતભાઇ ચાંદરાણીએ જણાવ્યું હતું.

અયોધ્યામાં રામલલ્લાને વીરપુર તરફથી આજીવન થાળની જાણ વીરપુરમાં થતાં જલાબાપાના ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામલોકો અને વેપારીઓ દ્વારા ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી.

ભાવે આરોગો ભોજનીયા

અયોઘ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલલ્લાને આજીવન દરરોજ બે ટાઇમ જે ભોજન થાળ ધરાવવામાં આવશે તે વિરપુર જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે. અબતક સાથેની વિશેષ વાતચીતમાં ગાદીપતિ રઘુરામબાપાએ જણાવ્યું હતું કે અયોઘ્યા રામમંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ મૂકેલા મારા ભાવને સ્વીકારવામાં આવ્યો છે સમગ્ર આયોજન વિશે વાત કરતા રઘુરામબાપાએ જણાવ્યું હતું કે અયોઘ્યામાં વિરપુર જલારામ મંદિર ટ્રસ્ટની ધર્મશાળા નિર્માણ પામશે અને ત્યાંથી જ દરરોજ રામલલ્લાને મનભાવન સ્વાદિષ્ટ ભોજનીયા પીરસાશે.