Abtak Media Google News

આફતને અવસર સમજી નાણાં રળવા નીકળી પડેલા તકવાદીઓ પર પોલીસની લાલ આંખ

અમદાવાદમાં કાળાબજાર કરતા 10 લોકો પોલીસ સકંજામાં

આપત્તિના સમયમાં કાળા બજારી કરીને નાણાં રળવા માટે તકવાદીની જેમ નીકળી પડ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના ઇલાજ માટે વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી રાજ્યના અનેક શહેરોમાં થયાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં એક સાથે બે રેમડેસીવીરના કાળા બજારની ઘટના સામે આવી છે જ્યારે વડોદરા ખાતે ડુપ્લીકેટ રેમડેસીવીરના ઉત્પાદન અને વેચાણની ઘટના પ્રકાશમાં આવતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલી ટોળકીની તપાસમાં ધનિયાવી પાસેના રાઘવપુરા ફાર્મ હાઉસમાં ન્યૂમોનિયાના એન્ટીબાયોટિક ઇન્જેક્શન પર જાણીતી ફાર્મા કંપનીઓના રેમડેસિવિર ઇન્જેક્શનના બોગસ સ્ટિકર લગાવી નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી વિવેક માહેશ્વરીને પકડી લીધો હતો. વિવેકે તેના અમદાવાદમાં થલતેજમાં રહેતા ભાગીદાર નિતેશ જોષીની સાથે મળી આ નકલી રેમડેસિવિર ઇન્જેકશનની ફેકટરી શરૂ કરી બંને ભેજાબાજોએ છેલ્લા 10 દિવસમાં અમદાવાદ અને વડોદરા તથા આણંદમાં 1160 નકલી ઇઇન્જેકશનો વેચી માર્યા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે, ગઇકાલે જે રેમડેસિવિર ઇન્જેક્શન પકડ્યા હતા. તેની ચકાસણી કરાવતા તે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન હોવાનું ખુલ્યું હતું. વિવેક મહેશ્વર અને નિતેશ જોષી રાઘવપુરા ગામના ફાર્મહાઉસમાં નકલી રેમડેસિવિર બનાવીને પેકેજિંગ કરતા હતા.

વડોદરામાં નકલી ઇન્જેક્શનનું ઉત્પાદન કરીને લાચારોને ધાબડી દેનારાઓની ધરપકડ કરાઈ

Ahmedabad

આ બંનેએ મળીને કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખુબ મોટો ગુનો આચર્યો છે. માત્ર રૂા.150 ની દવા પર નકલી સ્ટીકર લગાવી રેમડેસિવિર ઇન્જેકશનના બહાને તેઓ 4 હજારમાં વેચતા અને ત્યારબાદ વચેટીયા તેમનું કમિશન ચઢાવી એક ઇન્જેકશન 16 હજારથી 20 હજારમાં વેચી દેતા હતા. પોલીસે આણંદના જતીન પટેલને વિવેક મારફતે નકલી ઇન્જેક્શન વેચનારી આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતી મહિલા નઇમ બાનુને પણ ઝડપી હતી પોલીસે ફાર્મ હાઉસમાંથી 2200 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કબજે કર્યાં હતાં. નકલી રેમડેસિવિરના કૌભાંડમાં અમદાવાદના નિતેશ જોષીને વોન્ટેડ જાહેર કરાયો હતો. ત્યારે બીજી બાજુ પોલીસે અમદાવાદ ખાતે ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને  ઝડપી પાડ્યાં છે. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચતા ત્રણ લોકોની એસઓજીએ ધરપકડ કરી છે.

કંપનીનો કર્મચારી જ ઈન્જેક્શનની ચોરી કરીને લાવતો અને મિત્રો સાથે મળીને કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ આરોપીઓની પુછપરછ શરુ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના બાપુનગર વિસ્તારમાં ખોડિયાર નગર નજીક પટેલ પ્રિન્ટર નામની દુકાનમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું કાળા બજાર ચાલી રહ્યું હતું. આ બાબતે અમદાવાદ એસઓજીને બાતમી મળતાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન 24 રેમડેસિવિરના ઈન્જેક્શન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

હાર્દિક વસાણી, મિલન સવસવીયા અને દેવલ કસવાલાને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.એસઓજીએ ઝડપેલા ઈન્જેક્શનની કાચની બુચવાળી શીશીઓ હતી. જેમાં સફેદ કલરનો કેક ફોર્મ પાવડર ભરેલો હતો. મેન્યુફેક્ચર કે એક્સપાયરી તારીખ કે કંપનીનું નામ લખ્યું નહોતું. પકડાયેલા ત્રણ આરોપીમાંથી મીલન સવસવિયા ઝાયડસ બાયોટેક કંપનીમાં નોકરી કરે છે. તે કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર છે અને પ્લાન્ટમાં બનતા રેમડેસિવિર ઇન્જેક્શનનો થોડો થોડો જથ્થો ચોરી કરીને લાવતો હતો અને પોતાના મિત્ર હાર્દિક સવાણી કે જે પ્રિન્ટીંગનો વ્યવસાય કરે છે તેની દુકાનમાં રાખતો હતો. ત્યાર બાદ જરૂરીયાતમંદ દર્દીઓના પરિવારોને ઊંચા ભાવે કાળા બજારમા વેચતા હતા. તેમની સાથે દેવલ કસવાળા પણ ગ્રાહકોનો સંપર્ક કરાવતો હતો. છેલ્લા અઢી વર્ષથી મિલન સવસવિયા ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટમાં નોકરી કરતો હતો અને રેમડેસીવર ઇન્જેક્શનનું ફાઈનલ પ્રોડક્શન તેના જ પ્લાન્ટમાં થતું હતું. બસ આજ વાતનો ફાયદો ઉઠાવીને મિલન સવસવિયા છેલ્લા 15 દિવસથી ઇન્જેક્શનનો જથ્થો પ્લાન્ટમાંથી બહાર લાવતો હતો અને વેચાણ કરતો હતો. અત્યાર સુધીમા તેમણે 80 જેટલા રેમડેસિવિર ઈન્જેકશનનુ વેચાણ કર્યુ છે. હાલમા એસઓજીએ આરોપીની પુછપરછ શરૂ કરી છે કે આ કાળા બજારમા અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે નહિ તેને લઈને તપાસ શરૂ કરી છે.

1160 જેટલા ઇન્જેક્શનો લાચારોને ધાબડી દેવાયાનો ઘટસ્ફોટ

પોલીસે જણાવ્યું હતું કે વિવેક અને નિતેશે નકલી ઇન્જેકશનો બનાવ્યા બાદ નિતેશે 700 ઇન્જેકશન અમદાવાદમાં વેચ્યા હતા જયારે વિવેકે 370 ઇન્જેકશન આણંદના જતીનને વેચ્યા હતા અને ત્યાંથી વડોદરામાં વેચાયા હતા. રૂા.150 નું એન્ટીબાયોટીક ઇન્જેકશન તે નકલી સ્ટીકર લગાવી 4 હજારમાં વેચતા હતા અને ત્યારબાદ અન્ય વચેટીયા પોતાનું કમિશન ચઢાવી ઇન્જેકશન 16 હજારથી 20 હજારમાં વેચતા હતા. ટોળકીએ આણંદ વડોદરા અને અમદાવાદમાં 1160 ઇન્જેકશન વેચ્યા હતા. જયારે 2200 ઇન્જેકશન પોલીસે કબજે કર્યા હતા. સમગ્ર કારસ્તાનમાં આણંદના નઇમબેન વોરાની પુત્રવધુએ ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો અને તેણે ભાલેજ રોડ પર ઇસ્માઇલ નગરમાં શાહી મેડીકલ સ્ટોર શરુ કર્યો હતો. જો કે પુત્રવધુ સગર્ભા થતાં નઇમ બેન વોરા મેડીકલ સ્ટોર પર બેસતા હતા. જયાં ડી કે એજન્સી ચલાવતો વિવેક મહેશ્વરી દવા સપ્લાય માટે આવતો હોવાથી નઇમબેન વોરા અને વિવેક વચ્ચે ઓળખાણ થઇ હતી. દરમિયાન આણંદના જયમન એજન્સીના જતીન પટેલને ઇન્જેકશનની જરુર હોવાથી તેણે ઓળખીતા નઇમબેન વોરાને પુછતાં તેણે વિવેક મહેશ્વરીનો સંપર્ક કરાવ્યો હતો નઇમબેન વોરા એક ઇન્જેકશન પર રૂા.200નું કમિશન લેતા હતા.પોલીસે જણાવ્યું હતું કે નિતેશ જોષી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એડમિસ્ટ્રેટર વિભાગમાં નોકરી કરતો હતો. તેણે અમદાવાદમાં નર્સીંગનો કોર્સ કરેલો છે અને હોસ્પિટલમાં બ્રધર તરીકે નોકરી પણ તેણે કરેલી છે. સુત્રોએ જણાવ્યું હતું કે નિતેશ જોષીને પણ અમદાવાદ પોલીસે ઝડપી લીધો છે. મુળ રાજસ્થાનનો વિવેક ઘનશ્યામભાઇ મહેશ્વરીએ ધોરણ 12 પછી ફાર્મસીનો અભ્યાસ કર્યો છે .આણંદમાં 18 વર્ષ રહ્યા બાદ 4 વર્ષથી વડોદરામાં રહે છે. 10 વર્ષથી આણંદમાં ડી.કે. મેડીકલ એજન્સી નામનો મેડીકલ સ્ટોર ચલાવતો હતો. 10 દિવસ પહેલા અમદાવાદના નિતેશ જોશીને મળ્યા બાદ નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવાનું નક્કી કર્યું હતું. બંને રાઘવપુરામાં ફાર્મ હાઉસ ભાડે રાખી ન્યૂમોનિયાના એન્ટીબાયોટીક ખરીદી તેના પર સ્ટીકર લગાવી વેચતા હતા.

રાઘવપુરા ગામના ફાર્મહાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિરનું કરાયું હતું ઉત્પાદન

વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘે ઉમેર્યું હતું કે, વિવેક મહેશ્વર અને નિતેશ જોષીએ મળીને પ્લાન બનાવ્યો હતો કે, આપણે નકલી રેમડેસિવિર બનાવીને વેચીને પ્રોફિટ કરીએ. તે લોકોએ રાઘવપુરા ગામમાં એક ફાર્મહાઉસ રાખ્યું હતું. ત્યાંથી પેકેજિંગ ચાલુ કર્યું હતું. પેકેજિંગ અને સ્ટીકર પ્રોવાઇડ કરવાનું કામ નિતેશ કરતો હતો અને વિવેક સ્ટીકર લગાવીને ડુપ્લિકેટ રેમડેસિવિરનું પેકેજિંગ કરતો હતો.

માત્ર 150 રૂપિયાની દવા 20 હજાર સુધીમાં વેચાતી હતી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ન્યૂમોનિયાની દવા પર રેમડેસિવિરનું સ્ટીકર લગાવી દેતા હતા. તેના સ્ટીકર અમે કબજે કર્યાં છે. માત્ર 150 રૂપિયાની દવા 4 હજારમાં વિવેક વેચતો હતો અને બાદમાં ગઇકાલે પકડાયેલા 5 આરોપીઓ 16થી 20 હજાર સુધીમાં વેચતા હતા. આશરે 1300 જેટલા ઇન્જેક્શન અમે આજે કબજે કર્યાં છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગંભીર બાબત છે અને જે લોકોએ ઇન્જેક્શન લીધા હતા તેઓ માનતા હતા કે, અમને અસર કરશે પણ ડુપ્લિકેટ ઇન્જેક્શન હોવાથી કોઇ અસર કરતા નથી અને તેની નિષ્કાળજીથી લોકોના મોત પણ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.