Abtak Media Google News

રામ અને કૃષ્ણ ભારત વર્ષનાં અતીતનાં બે મહાન મહાનતમ વિભૂતિ છે, કૃષ્ણ જાણે કે મલયાનિલ લહર સમાન છે, તો રામ આપણને સહુને ચોગમ સ્પર્શતું પ્રાણદાયી વાયુમંડળ છે. રામચરિત કથાએ અગણિત સદીઓથી પ્રજાજીવનને શાંતિ, સ્વસ્થતા સામર્થ્ય પ્રદાન કર્યા છે. શાશ્ર્વતકાળ માટે રામકથા પ્રજાના હૃદયમાં અંકિત થઈ ચૂકી છે.

અયોધ્યા મંદિરની સાર્થકતા દેશના કરોડો ગરીબોની ગરીબી મિટાવવા સુધી પહોચી શકે એમ કોણ નહિ ઈચ્છે? રામે લંકાની ધરતી પર લંકેશ-રાવણ સહિત રાક્ષસકુળનો નાશ આસુરી પરિબળોને નેસ્તનાબુદ કર્યા હતા. અયોધ્યા-મંદિર દ્વારા ભારતનાં નરનારીઓને રામરાજય વખતનું સુખ અને શાંતિ સાપડવા જ ઘટે !

અયોધ્યાનો અર્થ જ એવો થાય કે, જયાં યુધ્ધ નહિ તે અયોધ્યા ! વડાપ્રધાન શ્રી મોદીએ વિધિવત મંદિર નિર્માણનાં શુભારંભની વિધિ કરાવી અને વર્તમાન ‘રામ લલ્લા’ની પ્રતિમાના પ્રથમ દર્શનનો લ્હાવો લીધો એ અભૂતપૂર્વ ઘટના બની ગઈ. પરંતુ, આ ભવ્યાતિભવ્ય મંદિરનું સર્જન સરવાળે આપણી ધર્મપ્રધાન પ્રજાને શું શું પ્રદાન કરશે એ જાણવામાં જ દેશની ગરીબ પ્રજાને રસ પડશે !

આપણો દેશ ગરીબ રહ્યો છે એ કોઈથી અજાણ્યું નથી. આપણે બધા લગભગ એમ જ માનતા રહ્યા છે અને એમ જ દુનિયા આખીને કહેતા રહ્યા છે! અહી એમ કહેવા જરૂરી બની રહે છે કે, આપણી પ્રજાએ ધર્મ-સંપ્રદાયના નામે અઢળક ખર્ચ કર્યો છે, પરંતુ સંશોધનોની પાછળ કશું જ ધ્યાન આપ્યું નથી.

અમેરિકા સૌથી ધનવાન દેશ છે. એમ સહુ કહે છે એનું કારણ એ છે કે એ વિદ્યાવાન દેશ છે. નવાં નવાં માનવહિતનાં સંશોધનો પાછળ જ એણે એની સંપતિ ખર્ચી છે. આપણો દેશ કમનશીબે વિદ્યાવાન બન્યો નથી. ‘નોલેજ’નો ભંડાર અમેરિકાએ ખડકર્યો છે. ભારત ધર્મની પ્રવૃત્તિઓમાં જ રચ્યો પચ્યો રહ્યો છે.

ભારતનાં લોકોએ જ્ઞાન-વિજ્ઞાન અને ઉચ્ચતર શિક્ષણ પ્રત્યે ઉપેક્ષા દાખવીને ઘણું બધું નુકશાન વેઠયું છે.

આપણા દેશની અને પ્રજાની આવી હાલત છે. રામમંદિરનાં નિર્માણથી આપણે શું પામવાના છીએ, એવો સવાલ જાગે છે.

રામ અને કૃષ્ણનાં ચરિત્રચિત્રોમાંથી આપણે હજુ પારાવાર શીખવાનું છે. વિશેષ બળ પામવાનું છે. આપણે પણ ધનવાન અને વિદ્યાવાન બનવાનું છે. આપણા દેશની પ્રજા એકસંપ બનીને જ વિશ્ર્વના આગેવાન રાષ્ટ્રોની સાથે ટકકર લેવાની છે ઐકય વિના આપણો દેશ પંગુ અને પાંગળો જ રહેવાનો છે. ગાદીલક્ષી ચૂંટણીઓ જીતવાથી આ દેશ સુવર્ણયુગનું સામર્થ્ય નહિ પામે. ચૂંટણીઓને વિશ્ર્વાસપાત્ર અને પવિત્ર બનાવ્યા વિના આપણો ધર્મ આપણને સહાય નહિ કરી શકે.

રામમંદિર આખા દેશની પ્રજાને એકતાંતણે બાંધી આપે એવી પ્રાર્થના અને પુરૂષાર્થ બંને આપણી પ્રજાએ જ કરવાના છે.

રાજપુરૂષો અને રાજકર્તાઓની આવતીકાલ કેવી બનશે, તેનો આધાર તેમની પ્રજાવત્સલતા અને સત્કાર્યો ઉપર રહેવાનો છે.

મતદારોને અને મતવિસ્તારોને આરાધ્યદેવ માનીશ લોકોની સેવા કરતા રહેનારાઓને હવે પછીની ચૂંટણીમાં પ્રચાર કરવા લોકોની પાસ નહિ જવું પડે.. જે લોકો એમના ધમંડમાં રહેશે તેમણે મતદારો પાસે જવું જ પડશે અને પોતાનાં કર્યા ભોગવવા પડશે.

ચૂંટણીની પવિત્રતા બાબતમાં હવે પછીનાં દિવસોમાં જબરી તડાફડીઓ વેઠવી પડશે, એવી આગાહી થઈ શકે છે. માત્ર રામમંદિરના નિર્માણથી ચૂંટણીલક્ષી લાભ મળી જશે એમ રખે કોઈ માને ! આપણા દેશની વર્તમાન હાલત પણ પ્રશંસાપાત્ર જણાતી નથી.

કોરોના વેરી બની રહ્યો છે. અહી એમ કહેવું પડે છે કે, ‘સીતમ જો હદ વટાવે નહિ તો આંદોલન નથી થાતાં, ને વિના કારણ જમાનામાં પરિવર્તન નથી થાતા !’ દુષ્કૃત્યોનો અને પાપોનો ઘડો ફૂટયા વિના રહેતો નથી. માણસોની હલકટાઈ છાપરે ચડયા વિના રહેતી નથી ?

આપણા શાસકોએ વિવિધ પરિણામો માટે સાવધાન રહેવું જ પડશે એ નિર્વિવાદ છે… ભાજપના સીનિયર નેતાઓ ‘મીરાબાઈ’ની જેમ એવું કહેતા થઈ જાય કે, ‘ઝેર તો પીધાં જાણી જાણી, નતી રે પીધાં ‘અજાણી!’… તો નવાઈ નહીં !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.