રાણાવાવ: જમીનના સેઢા બાબતે કૌટુંબિક કાકાએ ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું

Police line do not cross

સમજાવા ગયેલા ભત્રીજાને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો

રાણાવાવ તાલુકાના પાદરડી ગામે કૌટુંબિક કાકાના હાથે જ ભત્રીજાની હત્યા થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં જમીનના સેઢા બાબતે ચાલતી માથાકૂટમાં સમજાવા ગયેલા ભત્રીજાને તેના જ કૌટુંબિક કાકાએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકાના પાદરડી ગામે ચાવડા શેરીમાં રહેતા કેશવભાઈ રામાભાઈ ચાવડા નામના 53 વર્ષીય આધેડની તેનાજ કૌટુંબિક કાકા જેશા પરબત ચાવડાએ મોતને ઘાટ ઉતારી દીધા છે. આધેડના ભાઈ સરમણભાઈ રામાભાઈ ચાવડા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમની તથા કૌટુંબિક કાકા જેશા પરબતની ખેતીની જમીન પાદરડી ગામની સીમમાં બાજુ બાજુમાં આવેલી હોય અને આ જમીન વચ્ચે સેઢા બાબતે બન્ને વચ્ચે ઘણા વર્ષોથી મનદુ:ખ ચાલતું હતું.

આ મનદુ:ખ રાખી સવારેના અરસામાં જેશાએ સરમણભાઈને ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી સરમણભાઈએ તેના મોટાભાઈ કેશવભાઈને આ બનાવ અંગે વાત કરી હતી.

જેથી કેશવભાઈ પોતાના કૌટુંબિક કાકા જેશાને સમજાવવા વેધલી નદીના વાડા પાસે ગયા હતા અને જેશાએ પોતાના ભત્રીજા કેશવભાઈને તિક્ષ્ણ હથિયાર વડે માથા, કપાળ તથા કાનના ભાગે જીવલેણ ઘા મારી ગંભીર ઈંજાઓ પહોંચાડી હત્યા નિપજાવી હતી.

આ ઘટના અંગે જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી અને હત્યાના આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી છે.