Abtak Media Google News

Bhupat Bodarઆરોગ્યકર્મીએ કોરોના સામે યોદ્ધાની માફક લડાઈ લડી કોરોનાને મહાત આપી છે: ભુપત બોદર

રાજ્ય સરકારના સુસાશનના પાંચ વર્ષ અંતર્ગત યોજાઈ રહેલા કાર્યક્રમોની શૃંખલા અન્વયે રાજ્યવ્યાપી આરોગ્ય સુખાકારી કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે યોજાયો હતો. જે અન્વયે રાજકોટ ખાતે પી.ડી.યુ મેડિકલ કોલેજમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલ 12 પી.એસ.એ. ઓકસીજન પ્લાન્ટ, રૂા. 220 લાખના ખર્ચે તૈયાર થયેલ 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 3 પેટા આરોગ્ય કેન્દ્રનું ઇ-લોકાર્પણ તથા રૂા. 223 લાખના ખર્ચે તૈયાર થનાર 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 1 પેટા આરોગ્ય કેન્દ્રનું ઇ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે આજના દિવસે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેરમાં નૈતિક જવાબદારી સ્વિકારી  દિવસ- રાત  જોયા વગર સતત 24 કલાક કુટુંબથી અળગા રહીને  ફરજ બજાવી હતી તે તમામ આરોગ્ય વિભાગના સ્ટાફનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, નાનામાં નાના ગામડાંથી લઈને શહેરમાંના તમામ વિસ્તારોમાં  ઘેર-ઘર સંપર્ક કરી આરોગ્ય વિભાગની અનેક ટીમોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે.

જેમાં કોરોના કેર સેન્ટર, સમરસ હોસ્ટલ તથા કેન્સર હોસ્પીટલ જેવા તમામ સ્થળે આરોગ્ય સેવાઓ સાથે સાથે  કોરોના ટેસ્ટ, ધન્વંતરી રથ, સંજીવની રથ વડે ગ્રામ્ય વિસ્તારમાં સારવાર અને લોકોનું રસીકરણ કરીને કોરોના સામે સુરક્ષિત કરવામાં ઉત્સાહભેર કામ કરી નોંધપાત્ર સકારાત્મક લક્ષ્યાંક સાકાર કર્યો હતો. માત્ર એટલું જ નહીં જિલ્લા પંચાયતના સભ્યોએ ભેગા મળીને ચાર કરોડથી વધુ અનુદાન કોરોનાના દર્દીઓ માટે ફાળવી પોતાની સહભાગીતા દર્શાવી હતી.

આ પ્રસંગે કલેકટર અરુણ મહેશ બાબુએ તમામ કોરોના વોરીયર્સ કે જેમાં નાનામાં નાના પણ અદના કર્મયોગી એવા સ્વીપર થી લઇ નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, તબીબો, નોડલ ઓફિસર, સહિત તમામ કર્મીઓનો તેમણે આ તકે ખાસ આભાર માન્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોના કાળમાં પહેલી લહેર વખતે જે રીતે મેડિકલ તેમજ એડમિનિસ્ટ્રેશન કક્ષાએ સુનિયોજીત અને ખૂબ જ કુશળતાપૂર્વક સામનો કરેલો તેનો ઉલ્લેખ કરી  તેવી જ રીતે બીજી લહેરમાં પણ લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઓક્સિજન પ્લાન્ટ સહિતની વિવિધ જરૂરિયાતોને વ્યવસ્થાઓ મુખ્યમંત્રીના માર્ગદર્શનના ઉભી કરવામાં આવી તેને બીરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.