Abtak Media Google News

 

ખંઢેરી સ્થિત એસસીએ સ્ટેડિયમ ખાતે ગુજરાત અને મધ્યપ્રદેશ બીજા મેચમાં કેરેલા અને મેઘાલય વચ્ચે જામશે જંગ

ચેતેશ્ર્વર પુજારા અને અજિંક્ય રહાણે આમને-સામને

અબતક-રાજકોટ

બીસીસીઆઇની સૌથી મોટી ડોમેસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી-2021-22નો આવતીકાલથી આરંભ થઇ રહ્યો છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઇ સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમના સભ્યો ચેતેશ્ર્વર પુજારા અને અજિંક્ય રહાણે કાલે આમને સામને થશે. છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ આ બંને સ્ટાર બેટ્સમેનો પોતાનું ફોર્મ પરત મેળવવા માટે રણજી ટ્રોફી રમશે.

સૌરાષ્ટ્રની ટીમનો એલીટ ગ્રુપ-ડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રુપમાં સૌરાષ્ટ્ર ઉપરાંત મુંબઇ, ગોવા અને ઓડિસ્સાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રુપની તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આગામી 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઇલીટ ગ્રુપ-ડીમાં પ્રથમ મેચમાં સૌરાષ્ટ્રની ટીમ મુંબઇ સામે ટકરાશે. જ્યારે અન્ય એક મેચમાં ઓડિસ્સાની ટક્કર ગોવા સામે થશે. 24 થી 27 મી ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઓડિસ્સા વચ્ચે અને બીજા મેચમાં મુંબઇ અને ગોવા વચ્ચે જંગ જામશે.

જ્યારે 3 થી 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે અને અન્ય એક મેચમાં મુંબઇ અને ઓડિસ્સા વચ્ચે ટક્કર છે.સૌરાષ્ટ્રની ટીમમાં સુકાની જયદેવ ઉનડકટ ઉપરાંત ચેતેશ્ર્વર પુજારા, શેલ્ડન જેક્શન (વિ.કી.) અર્પીત વસાવડા, ચિરાગ જાની, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, વિશ્ર્વરાજસિંહ જાડેજા, હાર્વિક દેસાઇ, કેવિન જીવરાજાની, કુશંગ પટેલ, જય ચૌહાણ, સમર્થ વ્યાસ, પાર્થ કુમાર ભૂત, યુવરાજસિંહ જાડેજા, દેવાંગ કરમટા, સ્નેલ પટેલ, કિશન પરમાર, આદિત્ય જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.મુંબઇની ટીમમાં સુકાની પૃથ્વી શો, અજિંક્ય રહાણે, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને અર્જુન તેંડુલકર જેવા સ્ટાર બેટ્સમેનો છે. બંને ટીમો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળશે.એલીટ ગ્રુપ-એ ની યજમાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કરી રહ્યું છે.

આ ગ્રુપમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કેરેલા, મેઘાલયનો સમાવેશ કરવામાં આવ્યો છે. 17 થી 20 ફેબ્રુઆરી ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ-એ પર ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે, જ્યારે બીજા મેચમાં ગ્રાઉન્ડ-બી પર કેરેલા અને મેઘાલય વચ્ચે જંગ જામશે. 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત અને કેરેલા વચ્ચે અને બીજા મેચમાં મધ્યપ્રદેશ અને મેઘાલય વચ્ચે, જ્યારે 3 થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને મેઘાલય વચ્ચે જ્યારે બીજા મેચમાં મધ્યપ્રદેશ અને કેરેલા વચ્ચે જંગ જામશે. ટીમ ઇન્ડિયા તથા આઇપીએલના સ્ટાર ખેલાડી પિયુષ ચાવલા, સચિન બેબી, શ્રીશાંત, બસીમ થામ્પી, રાજકોટના મહેમાન બન્યા છે. મેચનો આરંભ સવારે 9:30 કલાકે થશે. પ્રથમ સેશન 12 વાગ્યે પૂર્ણ થશે. 40 મીનીટના લંચબ્રેક બાદ 12:40 કલાકથી 2:40 કલાક સુધી બીજી સેશન રમાશે. 20 મીનીટના ટી-બ્રેક બાદ દિવસનું ત્રીજી અને અંતિમ સેશન બપોરે 3 થી 4:30 કલાક દરમિયાન રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.