Abtak Media Google News

હાલારમાં બે દિવસના વરસાદથી નદી ચેકડેમો છલકાયા

શહેરમાં બે દિવસના સામાન્ય વરસાદમાં અનેક સ્થળે સ્ટ્રીટ લાઈટો બંધ: ખંભાળિયામાં વરસાદનું જોર ઘટતા રાહત થઈ

હાલારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. જામનગર જિલ્લામાં પણ છેલ્લા ૪૮ કલાકમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુરમાં પાંચ ઈંચ (૧ર૭ મી.મી.), ધ્રોળમાં સાડાપાંચ ઈંચ (૧૩૬ મી.મી.), કાલાવડમાં સાડાપાંચ ઈંચ (૧૩૯ મી.મી.), જામજોધપુરમાં છ ઈંચ (૧પપ મી.મી.), જોડિયામાં પોણાત્રણ ઈંચ (૬૯ મી.મી.) અને જામનગરમાં સવા બે ઈંચ (પ૮ મી.મી.) વરસાદ થયો હતો.

જામનગરને પીવાનું પાણી પૂરૂ પાડતા રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે, તો તેવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં પણ નવા નીર આવ્યા છે. આ સિવાયના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે.

જામનગર શહેરમાં બે દિવસમાં ફક્ત બે ઈંચ વરસાદ થયો ત્યાંજ ગઈરાત્રે અનેક વિસ્તારની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જવા પામી હતી. ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિતની સમસ્યા સર્જાઈ હતી.

શહેરના દરેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને થોડા સમય માટે જાહેર રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતાં. હાલારમાં આજે પણ મેઘરાજાના ગઈકાલના રૌદ્ર સ્વરૂપ પછી ખંભાળિયામાં આજે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહત અનુભવી હતી, જો કે આજે સવારે જામનગર જિલ્લામાં એકથી સાડાત્રણ ઈંચ જેટલો સારો વરસાદ થયો હતો. જામનગર શહેરમાં આજે બપોરે પણ વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી એટલે કે છ કલાકમાં કાલાવડમાં સાડાત્રણ ઈંચ (૮પ મી.મી.), જામજોધપુરમાં દોઢ ઈંચ (૩૯ મી.મી.), જામનગરમાં લગભગ બે ઈંચ (૪૬ મી.મી.), જોડિયામાં સવા ઈંચ ((૪૧ મી.મી.) વરસાદ વરસ્યો હતો.. સારો વરસાદ પડતા નગરની સડકો પર જાણે સરિતાઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો ખડા થયા છે, તો સર્કલોમાં પાણી ભરાતા જાણે સરોવર રચાયા હોય, તેમ જણાતું હતું. વાહનો ડૂબી પાણીમાંથી પસાર થઈ રહેલા જણાયા હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકો મેઘાવી માહોલની મોજ માણી રહેલા જોવા મળી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક સ્થળોએ મુશ્કેલી ઊભી થઈ છે. નગરના માર્ગો પર વહેતા પાણી અને વરસતા વરસાદના કારણે અનોખા દૃશ્યો જોવા મળી રહ્યાં છે. નગરજનો સારો વરસાદ તથા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. નગરમાં મનમૂકીને મેઘરાજા વરસતા સાર્વત્રિક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.