- હોસ્પિટલમાં ઉંદર ફરી રહ્યાના વિડીયો વાયરલ થતાં તંત્રની કામગીરી પર ઉઠતા સવાલ
સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલમાં ગંભીર બેદરકારીનાં ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ઉંદરનાં ત્રાસ વચ્ચે દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ઉંદર ફરતા જોવા મળ્યા છે. સાથે જ દર્દીઓને પગમાં અનેક વખત ઉંદર કરડ્યા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સૌરાષ્ટ્રભરમાંથી સારવાર લેવા માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળશે એવું વિચારીને પરિજનો દર્દીને અહીં દાખલ કરતા હોય છે. પરંતુ, રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે કેટલીક સુરક્ષિત છે તેને લઈ સવાલ થઈ રહ્યા છે. કારણ કે, સોશિયલ મીડિયા પર રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી ઉંદરનાં ત્રાસ વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા છે. રાજકોટ સિવિલમાં ઉંદર ફરતા હોય તેવા વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં ઉંદર દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ફરતા નજરે પડે છે. હોસ્પિટલમાં ઉંદર આટા મારતા હોય તેવા દ્રશ્યો વીડિયોમાં દેખાય છે.
સિવિલ હોસ્પિટલમાં અનેક વખત દર્દીનાં પગમાં ઉંદર કરડ્યા હોવાની પણ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સિવિલમાં દર્દીઓ કેટલાક સુરક્ષિત છે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે. આ અંગે સિવિલનાં અધિક્ષક મોનાલી માકડિયાએ બેદરકારીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, 16 ડિસેમ્બર, 2024 એ કોન્ટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામ કરવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે વડી કચેરી પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આ અંગે કાર્યવાહીની ખાતરી પણ તેમણે આપી છે.
વર્ક ઓર્ડર આપ્યો છતાં એજન્સીએ કામ કર્યું નહિ : ડો. મોનાલી માકડીયા
અબતક સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, ઉંદરનાં કારણે બે-ત્રણ દર્દીઓને નુકસાન થયું છે, જેની ફરિયાદો મને મળી છે. ત્યારે પેસ્ટ કંટ્રોલ કરવા માટે અને મચ્છર તેમજ ઉંદરોનો ત્રાસ દૂર કરવા માટે ગત તા. 16 ડિસેમ્બર-2024નાં રોજ સેન્ટ્રલ વેર હાઉસિંગ એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો છે પરંતુ અનેક વાયદા કરવા છતાં તેમના દ્વારા કામ કરવામાં આવતું નથી. જેને પગલે વડી કચેરીને આ અંગે જાણ કરવામાં આવી છે. અન્ય વૈકલ્પિક એજન્સીની માહિતીઓ પણ મોકલવામાં આવી છે. એકાદ-બે દિવસમાં જ આ અંગે વડી કચેરીનું માર્ગદર્શન મળ્યા બાદ તરત તે મુજબ પગલાં લેવામાં આવશે.