Abtak Media Google News

કોર્ટ બહાર સમાધાનના વિકલ્પ મામલે અનેક સકારાત્મક અભિગમ મળ્યા હોવાનો શ્રી શ્રી રવિશંકરનો મત

આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે રામ મંદિરનો ઉકેલ કોર્ટની બહાર લઈ આવવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું છે કે, રામ જન્મભૂમિ વિવાદનો ઉકેલ કોર્ટ બહાર લાવવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું તમામ લોકો સાથે ચર્ચા કરી રહ્યો છું, બંન્ને સમાજ સાથે મળીને કોર્ટની બહાર સમાધાન કરે તે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ મામલે તેમને સકારાત્મક સાથ મળી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.

ગત મહિને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે શ્રી શ્રી રવિશંકરે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓ રામ મંદિર વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ લાવવાની પહેલ કરી રહ્યાં છે. અગાઉ પણ શ્રી શ્રી રવિશંકર રામ જન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા મધ્યસ્થ બની શકે તેવો મત કેટલાક લોકોએ વ્યકત કર્યો હતો.

શ્રી શ્રી રવિશંકરના પ્રયત્નોના પરિણામે રામ જન્મભૂમિ વિવાદનો ઉકેલ હાથવેંતમાં જણાય રહ્યો છે. હાલ કેસ વડી અદાલતમાં છે. જેમાં તમામ પક્ષો દલીલો કરી રહ્યાં છે. જો કે, શ્રી શ્રી રવિશંકર આ મામલે કોર્ટની બહાર પણ સમાધાન થઈ શકે તેવો મત પ્રગટ કરી રહ્યાં છે. રામ મંદિરનો વિવાદ પૂર્ણ થાય તેવું ઘણા લોકો ઈચ્છી રહ્યાં છે. ભલે તે કોર્ટની અંદર પુરો થાય કે કોર્ટની બહાર સમાધાન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.