Abtak Media Google News

આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર અને પી.એ. ટુ કમિશનર રવિન્દ્રસિંહ ચુડાસમાને નિવૃત્તિ વિદાયમાન અપાયું

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર (ઇન્ચાર્જ) અને પી.એ. ટુ કમિશનર તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારી રવિન્દ્રસિંહ એન. ચુડાસમા ૩૮ વર્ષની સુદીર્ઘ કારકિર્દીને અંતે આજે વય મર્યાદા સબબ નિવૃત્ત થતા તેમને મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવસભર વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે શાખાધિકારીઓ, અન્ય અધિકારીઓ તથા રવિભાઈના પરિવારજનો ઉપસ્થિત રહયા હતાં. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પુષ્પગુચ્છ અને શાલ વડે રવીભાઈનું સન્માન કર્યું હતું તેમજ કમિશનર અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તથા આસી. મેનેજર એન. કે. રામાનુજ દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું. તો કમિશનર બ્રાંચના સ્ટાફ દ્વારા પણ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા હતાં. આ અવસરે મ્યુનિ. કમિશનરએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહેલું કે, રવિન્દ્રસિંહ ચુડાસમાએ ૩૮ વર્ષની નોકરીમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકામાં અને અંગત જીવનમાં પણ ઘણા પરિવર્તનો અનુભવ્યા હશે. હવે તેમના જીવનની બીજી ઇનિંગ શરૂ થઇ રહી છે ત્યારે તેમના સુખમય અને સુદીર્ઘ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું, આ નોકરીના સમયગાળા દરમ્યાન તેમના પરિવારનો પણ ખુબ અગત્યનો ફાળો રહ્યો છે એ યાદ કરવું જ રહયું.

મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવેલ કે મહાપાલિકામાં  કોમ્પ્યુટરાઈઝેશનની શ‚આત થઇ રહી હતી ત્યારે રવિભાઈએ તેમાં ઓપન માઈન્ડેડ ડ્યુટી કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ એક નિષ્ઠાવાન અને સંસ્થાને સમર્પિત કર્મચારીની નિશાની છે. હું રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર તરીકે આવ્યો ત્યાર પછીથી અત્યાર સુધીમાં રવિભાઈ સાથે સૌથી વધુ સમય મેં પસાર કર્યો છે. મને દુ:ખ થાય છે કે તેમની સાથે હવે વધુ સમય નહી મળે. “અનુભવનો કોઇ વિકલ્પ નથી હોતો. કોઇ નિવૃત થાય ત્યારે જે-તે સંસ્થાને તેમના અનુભવની ખોટ પડે છે. નિવૃત્તિ પછી ઇન્સ્ટીટયુશનલ મેમરી ધીમેધીમે ભૂંસાવા લાગતી હોય છે. રવિભાઈ પોલાઇટ અધિકારી તરીકેની છાપ રહી અને હંમેશા તેમનું બેલેન્સ્ડ સબમીશન જળવાઈ રહયું હતું. ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકામાં આપણને જરૂર પડશે ત્યારે તેમના અનુભવનો લાભ આપણને મળતો રહેશે. આ એક પરિવાર છે અને રવિભાઈ તેમના સદસ્ય છે. માત્ર નહી પરંતુ ઇન્ટેલેકચ્યુઅલ ઇન્ટેગ્રીટી વધુ મહત્વની બને છે અને મને એ કહેતા ખુશી થાય છે કે રવિભાઈએ એ બખૂબી નિભાવી છે તે બદલ તેમનો આભાર માનું છું.

રવિભાઈ એક નિર્વિવાદિત વ્યક્તિ રહયા. પી.એ. તરીકે તેમનું પોલાઇટ વર્તન તેમની એક વિશેષ ઓળખ બની રહી અને કમિશનર બ્રાંચના આવા કુશળ અધિકારી થકી રાજકોટ મહાનગરપાલિકાની ઓળખ બનતી હોય છે. કમિશનર બ્રાન્ચમાં વિઝીટર સાથે પી.એ.ના વાણી વ્યવહાર તેમાં મહત્વપૂર્ણ બને છે. તેમણે પોતાની કારકિર્દી દરમ્યાન અનેક લોકો સાથે સંબંધ બાંધ્યા અને નિભાવ્યા એ તેમની મોટી મૂડી છે, તેમ પણ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ તેમના અનુભવો શેર કરતા એમ કહ્યું હતું કે, હું સને ૧૯૯૭માં રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી પર હાજર થયો ત્યારે પ્રથમવાર રવિભાઈની સાથે પ્રથમ મુલાકાત થઇ હતી, અને રવિભાઈ ત્યારે જેવા હતાં એવા જ આજે પણ છે. એક વ્યક્તિ તરીકે અને એક પ્રોફેશનલ તરીકે તેઓ એક ઉમદા વ્યક્તિ બની રહયા છે. તેમણે કમિશનર બ્રાન્ચની ખુબ જ અઘરી ફરજ કુશળતાપૂર્વક નિભાવી છે.

આ તકે ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહે તેમના વિચારો વ્યક્ત કરતા એમ કહ્યું હતું કે, શિસ્ત બે પ્રકારની હોય છે. એક આપણી ઉપર લાદવામાં આવે અને બીજી આપણે જાતે સ્વીકારીએ તે. રવિભાઈ એક વેલ મેનર્ડ અને સેલ્ફ ડિસિપ્લિન્ડ ઓફિસર બની રહયા. તેમણે કમિશનર બ્રાન્ચની કપરી જોબ દરમ્યાન સૌ કોઈને ખુબ સારી રીતે હેન્ડલ કર્યા હતાં.

રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર સને હાલ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઈ.એ. ચેતન ગણાત્રાએ પણ પોતાના અનુભવો વર્ણવતા એમ કહ્યું હતું કે, રવિભાઈ કમિટેડ, ડેડીકેટેડ, મિતભાષી અને ઓલ્વેઈઝ અવેલેબલ અધિકારી બની રહયા અને ક્યારેય તેમને ગુસ્સે થતા નથી જોયા. આ તમામ ગુણો એક અધિકારીને વિશેષ બનાવે છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં એડીશનલ સિટી એન્જિનિયર એમ.આર.કામલિયાએ સ્વાગત પ્રચન કર્યું હતું અને રવિભાઈએ મનપાના કોમ્પ્યુટરાઈઝેશનમાં આપેલા ઉમદા યોગદાન અને કમિશનર બ્રાન્ચની પડકારજનક ફરજમાં તેમણે મેળવેલી સફળતા વિશે વાતો કરી હતી. આ નિવૃત્તિ સન્માન સમારંભનું સંચાલન આસી. કમિશનર એચ.આર.પટેલે કર્યું હતું અને રવિભાઈ સાથેની કામગીરીના અનુભવો શેર કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.