Abtak Media Google News

કલાકારોના અદ્ભૂત સુરોની જુગલબંધીએ લોકોને કર્યા મંત્રમુગ્ધ: આજે પ્રખ્યાત સિતારવાદક ઉસ્તાદ નીશાત ખાનનો લ્હાવો માણી શકાશે

સપ્ત સંગીતિના સુર, તાલ અને લયના અસ્ખલિત પ્રવાહના ત્રીજા દિવસે હેમુ ગઢવી હોલ ખાતે રવિ ચારી ક્રોસિંગ ફ્યુઝન બેન્ડના પ્રતિભાશાળી કલાકારોએ હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યો અને પશ્ચિમી વાદ્યોનો સુભગ સંયોગ રચીને ફરી એક વાર રાજકોટવાસીઓના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમના પ્રથમ ભાગમાં ઉભરતી યુવા પ્રતિભાઓમાં રવિ ચારીના શિષ્ય રૂપક નાયેગાંવકરનું સરોદવાદન સાથે જામનગરના યુવા કલાકાર માધવ પુરોહિતની તબલા સંગતે શ્રોતાઓની વાહવાહી મેળવી હતી. કાર્યક્રમની શરૂઆત આ દિવસનાં પેટ્રન પેલિકન રોટો ફ્લેક્સ પ્રા. લિ. પરિવારના નીરૂબેન શ્રીમાંક2 અને વિજયભાઈ શ્રીમાંક2 તથા શુભેચ્છક ડો. હર્ષાબેન ડેકિવાડીયા અને ડોક્ટર દેવેન્દ્ર ડેકિવાડીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રથમ ચરણમાં ઉભરતી યુવા પ્રતિભાઓને મંચ પૂરું પાડવાની નેમના ભાગરૂપે રવિ ચારી સાથે પધારેલા તેમના શિષ્ય રૂપક નાયેગાંવકરે સરોદવાદન સાથે જામનગરના તબલાવાદક માધવ પુરોહિતે સુંદર સંગત આપી હતી. તેમણે રાગ જોગ કૌંસમાં આલાપ અને ગત સાથે વિલંબીત રૂપક તાલમાં કરેલી રજુઆતને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.Screenshot 2 10

બીજા ચરણની શરૂઆતમાં રવિજીએ ઓડિયન્સમાં શ્રોતાઓની વચ્ચેથી તાલ લલકારતા પ્રવેશ કરી સૌને રોમાંચીત કરી દીધા હતા. રવિ ચારી ફ્યુઝન ગ્રુપે તેમની પ્રથમ પેશકશમાં રાગ ચારુકેશી આઠ બીટમાં રજુ કરી હતી. ત્યારબાદ 5.5 નામની ધૂન રજૂ કરી હતી. તેમાં પણ સાડા પાંચ માત્રાના જટિલ તાલ સાથે સાથ મિલાવતા ભારતીય અને પશ્ચિમી વાદ્યોનો અદ્ભૂત સંગમ માણવા મળ્યો હતો. રવિ ચારી ક્રોસીંગના ફયુઝન બેન્ડના અન્ય કલાકારોમાં ડ્રમ પર જીનો બેંક્સ, બેઇઝ ગીટાર પર શેલ્ડોન ડીસીલ્વા, સત્યજીત તલવલકરનું તબલાવાદ અને કી-બોર્ડ પર સંગીત હલ્દીપુર, આ પાંચ રત્નો એ તેમની કલાની શ્રેષ્ઠ પ્રસ્તુતીથી શ્રોતાઓને જાદુઈ દુનિયાનો અહેસાસ કરાવ્યો હતો. જીનો બેંકએ તેમના ડ્રમથી ઓડિયન્સમાં બેઠેલા તમામને તેના બીટસ ઉપર તાલીઓ પાડવા માટે મજબૂર કરી દીધા હતા. તેમના બીટસ સાથે શ્રોતાઓએ પણ તાલીઓની જુગલબંધી ખૂબ સુંદર રીતે નિભાવી હતી. ઓડિયન્સમાં બેઠેલા તમામની બેઠક તેમના ડ્રમથી જાણે ધ્રુજતી હતી.

ફ્યુઝન બેન્ડના પ્રત્યેક કલાકારે પોતાના વાદ્યની સોલો પ્રસ્તુતી રજુ કરી તેમની સંગીતની સમજ અને વાદ્ય પરની નીપુણતા પ્રસ્તુત કરી પ્રેક્ષકોને અચંબીત કર્યા હતા. ત્યારબાદ રવિ ચારીજી દ્વારા સ્વરબધ્ધ કરવામાં આવેલી ‘સદગુરુ’ રચના રજૂ કરવામાં આવી હતી. જ્યારે રવિચારીજી દ્વારા શ્રોતાઓને પૂછવામાં આવ્યું કે તમને કઈ ભાષામાં સાંભળવું છે ? ત્યારે શ્રોતાઓએ બહુમતીથી ગુજરાતી ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ગુજરાતની જનતાનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અને ગર્વ તેમની ફરમાઈશમાં પ્રગટ થતો હતો. રાજકોટવાસીઓની ઈચ્છાને માન આપીને સંગીત હલ્દીપૂરે તેમના મધુર કંઠમાં ‘તારી આંખનો અફીણી’ રજૂ કરી સૌને ભાવુક કરી દીધા હતા.

ત્યારબાદ બોલીવુડ હિન્દી ફિલ્મનું ‘તુજકો મૈ અને શામે મલંગ સી ગીતોની કડી લલકારીને ઓડિયન્સને તેમની સાથે સાથ આપવા આમંત્રિત કર્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતી થાય તે માટે શ્રોતાઓ રાજી ન હતા ત્યારે દિપકભાઈ રીંડાણીએ હળવી રમુજ સાથે કરેલા આગ્રહને માન આપીને તમામ કલાકારોએ ફરીથી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. સંગીત હલ્દીપુરે તેમના મધુર કંઠે રંજીસે સહી, દિલ દુખાને કે લીયે અને મેં સવેરા કહાં લાતી ચાંદ ડૂબા હી નહીં’ ગઝલની ઝલક પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ કલાકારોએ અનોખી અને અદભુત સુરોની જુગલબંધી કરીને પૂર્ણાહુતિ કરી હતી અને શ્રોતાઓને પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપી તેમને બિરદાવ્યા હતા.Screenshot 1 8 1

કાર્યક્રમના અંતે સર્વે કલાકારોનું સ્વાગત સપ્ત સંગીતિના કર્મનિષ્ઠ કમિટીના સભ્યોના હસ્તે શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. રવિ ચારીના હસ્તે જામનગરના યુવા કલાકાર માધવ પુરોહિતને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તા.05 જાન્યુઆરી, ગુરુવારના રોજ સમારોહના ચોથા દિવસે ઉસ્તાદ નીશાત ખાનનું સિતારવાદન માણવા મળશે. જ્યારે સભાના પ્રથમ ચરણમાં રાજકોટના યુવા ઉભરતા કલાકારોમાં નાદસ્વરમ ગ્રુપના કલાકારો ગાર્ગી વોરા, ઇશીતા ઉમરાણીયા, દ્રષ્ટી અંધારિયા, પ્રિયંકા શુક્લ, ધ્વનિ વછરાજાની, આદિત્ય શુકલ, ઋષિકેશ પંડયા અને શ્યામલ જાદવ ગાયન રજૂ કરશે.

Img 20230105 142450ઉસ્તાદ નીશાત ખાન (સિતાર)

ઉસ્તાદ નીશાત ખાનનો જન્મ કલકત્તા ખાતે વિશ્વવિખ્યાત સિતાર અને સુરબહાર વાદકોના પરિવારમાં થયો હતો. તેઓ સિતારની ઇટાવાહ ઘરનાની પરંપરાના વરિષ્ઠ કલાકાર છે. તેમણે તેમના દાદી બેગમ ઈનાયતખાં સાહેબ પાસે બેસી ફકત 03 વર્ષની ઉંમરથી સિતાર શીખવાનું અને રિયાઝ કરવાનું શરુ કર્યું હતું. તેઓ ઉસ્તાદ ઇમરત ખાનના પુત્ર છે અને ઉસ્તાદ વિલાયત ખાનના ભત્રીજા છે. તેમને પિતાજી અને ચાચાજી પાસેથી સિતારની પ્રતિષ્ઠિત ધરોહર ‘ઈમદાદખાની ઈટાવાહ’ ઘરનાની તાલીમ પ્રાપ્ત થઈ છે. તેમણે 07 વર્ષની ઉંમરમાં પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો હતો. તેમના સિતારવાદનમાં ગાયકી અંગ અને રાગની શુધ્ધતા જોવા મળે છે. તેમણે કંપોઝર તરીકે ભારતીય શાસ્ત્રીય સંગીતની શુધ્ધતા જાળવીને વર્લ્ડ મ્યુઝીકસના ખ્યાતનામ કલાકારો જેવા કે જ્હોન મેકગ્લોસન, ફિલિપ ગ્લાસ વગેરે સાથે કામ કર્યું છે. તેમણે ભારત અને વિદેશની પ્રતિષ્ઠિત જગ્યાઓએ સિતારવાદન કર્યું છે. જેમાં કાર્નેગી હોલ, લિંકન સેન્ટર ન્યૂયોર્ક, રોયલ આલ્બર્ટ હોલ લંડન, ટાટા થિયેટર એનસીપીએ, ભારત દેશનું રાષ્ટ્રપતિ ભવન વગેરે ઉલ્લેખનીય છે. તેમણે 17 વર્ષની ઉંમરથી ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં ઇટાલી, ફ્રાન્સ, યુકે, યુ.એસ.એ.માં સફર કરી છે. આ ઉપરાંત તેમણે દેશોની અનેક યુનિવર્સિટીઝમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે સેવા આપીને શસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. તેમણે બીબીસી માટે વિદેશમાં અનેક કાર્યક્રમો અને રેકોર્ડિંગ કરેલા છે. તેમજ “યે સાલી જીંદગી” “અબ્દુલ્લાહ” “લિટલ બુધ્ધા” જેવી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. આ ઉપરાંત અનેક રેકોર્ડીંગ કંપનીઓ સાથે જોડાઇ ગ્રેઇટ હેરિટેજ, ગ્રેઇટ ટ્રેડિશન, મીટીંગ ઓફ એન્જલસ, હાર્ટ ઓફ ફાયર, સેન્ટિમેન્ટલ સિતાર, સ્ટ્રિંગ ક્રાફટ, નીશાત ખાન એન્ડ ઝાકીર હુસૈન, સિક્રેટ વર્લ્ડ વગેરે જેવા અનેક આલ્બમસમાં સિતારવાદન પ્રસ્તુત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.