આરબીઆઈએ બેંક લોકર એગ્રીમેન્ટ રીન્યુ કરવાની સમય મર્યાદા વધારી

બેંકોએ 30 જૂન સુધીમાં 50% ગ્રાહકોના કરાર કરી લેવા પડશે

ગ્રાહકો અને બેંકો બંને માટે લોકર કરાર પર રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હવે તેની મુદત લંબાવી છે. બેંકોમાં બેંક લોકર નિયમો માટે નવો કરાર મેળવવામાં ગ્રાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જે બાદ આરબીઆઈએ તેની મુદત વધારવાનો નિર્ણય લીધો છે. હવે બેંકો પાસે ગ્રાહકો સાથે નવો લોકર કરાર કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય હશે. જો કે રિઝર્વ બેંકએ આ માટે પગલાં નક્કી કર્યા છે.  બેંકોએ 30 જૂન સુધીમાં તેમના કુલ ગ્રાહકોના ઓછામાં ઓછા 50% સાથે નવો કરાર કરવો પડશે. જ્યારે 30 સપ્ટેમ્બર સુધીમાં 75% સાથે કરાર કરવો જરૂરી રહેશે.  31 ડિસેમ્બર, 2023 સુધીમાં આ કરાર તમામ ગ્રાહકો સાથે કરવાનો રહેશે.

ઘણા વિસ્તારોમાં સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ ન હોવાને કારણે, ગ્રાહકો કરાર રીન્યુ કરી શક્યા ન હતા અથવા નવા કરારો કરી શક્યા ન હતા. ઘણા કિસ્સાઓમાં બેંકો પોતે તેમના ગ્રાહકોને આ માહિતી આપી શકતી ન હતી. ઘણા કિસ્સામાં બેંકોએ નવા કરારના અભાવે લોકર ફ્રીઝ કરવાની વાત પણ કરી હતી પરંતુ હવે બધાને રાહત મળશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને ગ્રાહકો સાથે નવા કરારના કામને ઝડપી બનાવવા અને ગ્રાહકોને મદદ કરવા જણાવ્યું છે. ઓગસ્ટ 2021માં, રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડ્યો અને લોકર (બેંક લોકર્સ નિયમો) સંબંધિત નવા નિયમો બનાવ્યા હતા. જેમાં ગ્રાહકો અને બેંકોના હિતની અનેક બાબતો ઉમેરવામાં આવી હતી. જેમ કે મોડલ એગ્રીમેન્ટ, લોકરની ગુણવત્તા અને ધોરણ, લોકરનું ભાડું, લોકરની ફાળવણીમાં પારદર્શિતા, ગ્રાહકોની સચોટ ઓળખ સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે.