Abtak Media Google News

અનિલને જેલ જતાં બચાવતા ભાઇ મુકેશ અંબાણી શું આરકોમને ઉગારી શકશે?

ભારતની નામાંકિત આરકોમ કંપની કે જે અનિલ અંબાણી દ્વારા સંચાલિત કરવામાં આવે છે તે કંપનીએ સૌપ્રથમ બેંકરપ્સી જાહેર કરતી કંપની બની છે. ૫૦,૦૦૦ કરોડનું દેણુ થતાં તેણે ચુકવવામાં અસક્ષમ રહેલી આરકોમે નાદારી જાહેર કરી દીધી છે ત્યારે રિલાયન્સ કોમ્યુનિકેશનનાં બોર્ડ દ્વારા અનેકવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી જેથી તેઓ દેણામાંથી દુર થઈ શકે પરંતુ તે કરવામાં કંપની અસફળ નિવડી હતી.

રીલાયન્સ કોમ્યુનિકેશનની વાત કરવામાં આવે તો આરકોમ તેનાં બે ઓપરેશન બે વર્ષ પહેલાં જ બંધ કરી દીધા હતા. નાદારીને દુર કરવા માટે આરકોમનું સ્પ્રેકટ્રમ રિલાયન્સ જીઓને પણ વહેંચી દેવામાં આવ્યું હતું પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓ નાદારીનાં દ્વારે આવી પહોંચી છે. સરકારમાં અને બેંકોમાં અનેક વખત રજુઆત કરતાં તેને સમય પણ મળ્યો હતો પરંતુ કોઈ યોગ્ય પગલું ન ભરાતાં અંતે આરકોમે પોતાની કંપનીને નાદાર જાહેર કરી છે.

સાથો સાથ કંપની દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમનાં લેણદાર પાસે તેમાં પણ તેણે સફળતા મળી ન હતી. એપ્રિલ માસમાં આરકોમનાં માલિક અનિલ અંબાણીને જેલ થવાની પણ સંભાવના ઉદભવિત થઈ હતી પરંતુ છેલ્લી ક્ષણે મુકેશ અંબાણીએ તેમને રૂપિયાની મદદ કરી અનિલને જેલ જતાં બચાવ્યો હતો. આરકોમ અને વિદેશની એરીકસન કંપની વચ્ચે જે કરારો અને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમાં આરકોમ ઉણું ઉતરતા એરીકસન કંપનીએ નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. એરીકસન દ્વારા સપ્ટેમ્બર-૨૦૧૭માં ૧૫૦૦ કરોડ ન ચુકવવાનો દાવો પણ કર્યો હતો. આ પહેલા રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ચાઈના ડેવલોપમેન્ટ બેંક પાસેથી ૭૦૦૦ કરોડનું ઋણ લેવામાં આવ્યું હતું.

આરકોમની આ એવી વાતો છે જેનાં કારણે કંપનીએ નાદારીનાં દ્વાર સુધી પહોંચવું પડયું હતું. આ ક્ષણે કંપનીનાં માલિક અનિલ અંબાણીએ તેમનાં ભાઈ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પણ આભાર માન્યો હતો કે તેને જયારે જેલમાં જવાની નોબત આવી તે સમયે તેનાં ભાઈએ આર્થિક મદદ કરતાં તેમને જેલ જવાનું ટળ્યું હતું પરંતુ બાકી રહેતાં ૫૦ હજાર કરોડનાં દેણાની ભરપાઈ કરવામાં અસફળ અને અસક્ષમ સાબિત થયેલી આરકોમે અંતે નાદારી જાહેર કરી છે. આરકોમ દેશની પ્રથમ કંપની બની કે જેને સામેથી પોતાની કંપનીની નાદારી જાહેર કરી ત્યારે આ નાદારીથી અનિલ અંબાણીની શાખ પર શું અસર પડશે તે આવનારો સમય જ જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.