Abtak Media Google News

સાહિત્ય, શિક્ષણ, સમાજ સેવા અને પત્રકારત્વ ક્ષેત્રે પાંચ દાયકાનું ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ડો.ચંદ્રકાન્ત મહેતાને 20 વિવિધ એવોર્ડ- સન્માન પણ પ્રાપ્ત થયા છે

જાણીતા કેળવણીકાર, ગુજરાતી-હિન્દી ભાષાના પ્રસિદ્ધ ને લોકપ્રિય લેખક, કવિ, નિબંધકાર, વાર્તાકાર, સાહિત્યકાર, પત્રકાર તથા સામાજિક ચિંતક-વિચારકને સુધારક ડો. ચન્દ્રકાન્ત મહેતાને 2021ના વર્ષનું ભારત સરકારનું પ્રતિષ્ઠિતને ગૌરવપૂર્ણ પદ્મશ્રી સન્માન તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ્ હસ્તે એનાયત કરાયું છે.મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામના વતનીને હાલ અમદાવાદ સ્થિત ડો. ચન્દ્રકાન્ત મહેતાનો જન્મ તા. 6-8-1939ના રોજ સરખેજ, અમદાવાદ મુકામે માતા મણિબહેનની કૂખે પિતા હરિશંકર મહેતાના પરિવારમાં થયો હતો.

તેમણે એમ.એ., પીએચ.ડી., એલએલબી અને ડિપ્લોમા પત્રકારત્વનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. તેમનાં લગ્ન બી.એ. સુધીનો અભ્યાસ કરેલ મંજુલાબહેન સાથે થયાં હતાં. તેમને એક પુત્ર પિનાકીન છે.ડો. મહેતાએ નવગુજરાત આર્ટ્સ કોલેજમાં અધ્યાપકને કાર્યવાહક આચાર્ય તરીકે 24 વર્ષ ને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વના વડા તરીકે 7 વર્ષ સેવાઓ આપી હતી. ત્યારબાદ ગુજરાત યુનિ.ના કાર્યવાહક કુલપતિને પ્રો. વાઈસ ચાન્સેલર તરીકે પણ કાર્યરત રહ્યા હતા.

‘શશિન’ના ઉપનામથી જાણીતા ડો. મહેતાની એક જ દે ચિનગારી, કેમ છે દોસ્ત ને ગુફતેગોની ગુજરાત સમાચાર દૈનિકની કોલમો યુવાને શિક્ષિત વર્ગમાં અત્યંત લોકપ્રિય અને પ્રેરણાદાયી છે. ચાર દાયકા કરતાં વધુ સમયથી તેઓ નિયમિત આ કોલમો લખી રહ્યા છે. તેમણે હિન્દીના અધ્યાપક તરીકે 51 વર્ષને પત્રકારત્વમાં 39 વર્ષ અધ્યાપન કર્યુ. તેમના માર્ગદર્શન હેઠળ હિંદીમાં 6 ને પત્રકારત્વમાં 9 વિદ્યાર્થીઓએ પીએચડીની ઉપાધિ મેળવી.

આકાશવાણીના માધ્યમથી 100 જેટલા પાઠથી લોકોને હિંદીનું શિક્ષણ આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો. 1500થી વધુ વિદ્યાર્થીઓને તેમણે નવગુજરાત મલ્ટિકોર્સ, સહજાનંદ એકેડમી, ગુજરાત સમાચાર એકેડમી, ગુજરાત યુનિ. ને હિરામણિ સંસ્થાના માધ્યમથી પત્રકારત્વનું શિક્ષણ આપ્યું. પત્રકારત્વ વિશે લખેલ તેમનાં છ પુસ્તકો પત્રકારત્વના અભ્યાસક્રમ માટે સંદર્ભગ્રંથ તરીકે આજેય ઉપયોગીને માર્ગદર્શક છે.

સમાજસેવાના  વિવિધક્ષેત્રે કાર્યરત સમાજ શિક્ષણ સમિતિ, રેડક્રોસ, હેલ્થ ફાઉન્ડેશન, જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ, કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર, કોમી એકતા સમિતિ, મુંબઈ યુવક બિરાદરી જેવી સ્વૈચ્છિકને સેવાભાવી સંસ્થાઓ સાથે પણ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સંકળાયેલા રહ્યા છે.આમ સાહિત્ય, શિક્ષણ, સમાજસેવાને પત્રકારત્વના ક્ષેત્રે તેમનું પાંચ દાયકામાં નોંધપાત્રને ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં યોગદાન માટે ડો. મહેતાને 20 જેટલા વિવિધ એવોર્ડ-સન્માન પ્રાપ્ત થયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.