Abtak Media Google News

નબળા દેખાવના કારણે ૭૮ ધારાસભ્યોને ટિકિટ ના આપવા ભાજપને સંઘની સલાહ મધ્યપ્રદેશ ચૂંટણી સમરાંગણ

મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીને હવે માત્ર દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે મધ્યપ્રદેશ ભાજપના અડધો અડધ ધારાસભ્યોને રીપીટ ન કરવાની સંઘે ભલામણ કરતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સંઘ દ્વારા ભાજપને ૭૮ સીટીંગ ધારાસભ્યોને પડતા મુકવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજસિંઘને બુધની બેઠકની જગ્યાએ ભોપાલની ગોવિંદપુર બેઠક ખાતેથી ચુંટણી લડવા જણાવવામાં આવ્યું છે. સંઘ દ્વારા કરાયેલા સુચનથી ભારતીય જનતા પક્ષના નારાજ નેતાઓની સંખ્યા વધી શકે છે. તાજેતરમાં જ ભાજપના પ્રમુખ અમિત શાહે પાણી પહેલા પાળ બાંધી નારાજ આગેવાનોને સંભાળી લેવા પ્રયત્નો કરવાના સંકેતો આપ્યા હતા. સંઘ દ્વારા કરાયેલા સુચન બાદ અમિત શાહે ઈનફાઈટ ટાળવાના પ્રયાસો કર્યા છે.

મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપ પાસે હાલ ૧૬૫ બેઠકો છે જયારે કોંગ્રેસ ૫૮ બેઠકો ધરાવે છે. આગામી ચુંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારો શોધવા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંઘ તોમર, ભાજપના પ્રમુખ રાકેશસિંઘ, વિનય સહસ્ત્રબુઘ્ધ સહિતના આગેવાનોની ટુકડી કાર્યરત છે. પક્ષ હવે જીતી શકે તેવા માપદંડોમાં આવતા ઉમેદવારોને જ ટીકીટ આપશે તેવું સુત્રોનું કહેવું છે. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વીજયસિંઘે કહ્યું હતું કે, હું ચુંટણી પ્રચાર માટે જઈશ તો કોંગ્રેસના મત કપાશે. દિગ્વીજય સિંઘના આ નિવેદનથી મધ્યપ્રદેશ કોંગ્રેસની અંદરોઅંદરનો ખટરાગ પણ સપાટીએ આવ્યો છે ત્યારે મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી ભાજપ-કોંગ્રેસ માટે સમરાંગણ બની જશે તે વાત નિશ્ર્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.