Abtak Media Google News

108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં 48 લાખ 33 હજારથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત 17 લાખ

55 હજારથી વધુ ઈમર્જન્સી તેમજ 13 લાખ 13 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવ્યા

રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ 2007 થી થયો હતો. 108 સેવાએ ગુજરાતમાં 15 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા નવેમ્બર-2022 સુધીમાં રાજ્યભરમાંથી લગભગ 1 કરોડ 42 લાખ 14હજારથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે આ સેવા આશીર્વાદ રૂપ બની છે.

આ ઉપરાંત ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં 48 લાખ 33 હજારથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત 17 લાખ 55 હજારથી વધુ ઈમર્જન્સી તેમજ 13 લાખ 13 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. વધુમાં 108 એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા 79,631 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ 45,247 મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે. તેમ 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

રાજ્યમાં કુલ 800 એમ્બ્યુલન્સ કાર્યરત

ટેકનોલોજીનાં માધ્યમથી 108 ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 108 ગુજરાત નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરાઈ છે. 108 ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે. માત્ર 53 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી 108ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવી 108 બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.