Abtak Media Google News

5 હજાર ભારી સુકા મરચાનાની આવક: ઉંચા ભાવો મળતા ખેડૂતો ખુશખુશાલ

જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં મગફળીની વ્યાપક આવક પછી હવે ધાણા, ચણા બાદ સુકા લાલ મરચાની આવકથી યાર્ડ છલોછલ છલકાયું હતું. મહત્વની વાત એ છે કે ખુલ્લા બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોય જેને લીધે ખેડૂતો માલ વેચવા જામનગર તરફ વળ્યા છે. યાર્ડમાં વિક્રમજનક 5000 ભારી સુકા મરચાની આવક નોંધાઇ હતી. તેની સામે સુકા મરચાના ભાવ રૂા.1105થી રૂા.2900 પહોંચતા ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા યાર્ડ ખાતે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ ખેડૂતોને સારો મળ્યો હતો અને યાર્ડમાં મગફળીની આવક પણ ખૂબ નોંધાઇ હતી ત્યારબાદ હવે ધાણા, ચણા અને સુકા મરચાની આવક વિક્રમ જનક થઇ રહી છે. છેલ્લા આઠ દિવસથી ચણાની આવક વધી રહી છે. સાથે સાથે ધાણાના ભાવ પણ સારા મળતા હોય જેને લીધે ખેડૂતો ધાણા વેચેવા માટે જામનગર આવી રહ્યા છે.

હાપા યાર્ડમાં સુકા મરચાની આવક વિક્રમજનક નોંધાઇ છે. જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં મરચાનું ઉત્પાદન વધુ થયું હોય જેને લીધે સુકા મરચાની આવક હાપા યાર્ડ ખાતે આજે 5000 ભારીની નોંધાઇ છે. ખેડૂતો સુકા મરચા સાથે 125 જેટલા વાહનો લઇને મરચા વેચવા આવ્યા હતા. જેથી હાપા યાર્ડથી હાઇ-વે રોડ ઉપર સુકા મરચા ભરેલા વાહનોની કતારો લાગી હતી. આમ જોઇએ તો વ્યાપક સુકા મરચાની આવક વચ્ચે પણ સુકા મરચાનો ભાવ એક મણનો રૂા.1105થી રૂા.2900 સુધીનો રહ્યો હતો.

બજાર સમિતિના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસથી સુકા મરચાની આવક વ્યાપક આવી રહી છે. સાથે સાથે સુકા મરચાના ભાવ પણ સારા એવા પ્રમાણમાં ખેડૂતોને મળી રહ્યા છે. તેમજ ધાણાની આવક પણ વ્યાપક થાય છે. છેલ્લા બે થી ત્રણ દિવસમાં ધાણાનો ભાવ રૂા.900 થી 1100ની વચ્ચે રહે છે. તેમજ ધાણીનો ભાવ રૂા.1100 થી 2200 સુધી પહોંચ્યો છે.

છેલ્લા બે-ત્રણ દિવસમાં ચણાની આવક પણ સારા એવા પ્રમાણમાં થઇ રહી છે ત્યારે ચણાનો ભાવ પણ રૂા.850 થી 950 વચ્ચે રહે છે. છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન 31 હજાર પણ ચણાના વેચાણ અર્થે 250 ખેડૂતો આવ્યા હતા. તેમજ બીજા દિવસે 245 ખેડૂતો 72 હજાર મણ ચણા વેચાણ અર્થે આવ્યા હતા. આમ જામનગર માર્કેટીંગ યાર્ડમાં ધાણા-ચણા બાદ હવે સુકા મરચાના વેચાણ અર્થે ખેડૂતોનો પ્રવાહ વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.