- ગિરનાર સર કરવા દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ લગાવી
- જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ મૂકી હતી.
સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 32.34 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉતરાખંડના દિગંબર સીંઘે 53.28 મિનિટમા, જયારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે 33.40 મિનિટના સમય સાથે વારાણસીની રંજના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 56.41 મીનીટ ના સમય સાથે ઉતરપ્રદેશ ના બબલુભાઈ સીસોદિયાએ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.
જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે ઉતરાખંડના મીનાક્ષી નેગીએ 33.55 મીનીટમા ,ત્રીજા ક્રમે ઉતરાખંડના નીધી નેગી 34.19 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના નીષાદ લલીતકુમાર 54.44 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ મનસુખભાઈ એ 55.07 મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના ગરચર દીપાલી 35.10 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના કામરીયા જયશ્રી 35.45 મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે હરિયાણાના હરીકેષ 58.43 મીનીટ સાથે ત્રીજા ક્રમે બિહારના શશી રાજ 1 કલાક 31 સેક્ધડના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
કલેક્ટરએ ગુજરાત સહિત દેશભરના સ્પર્ધકોને અખિલ ભારતીય ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પણ આપ્યા હતાં.
સનાતનન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ ડેપ્યુટી કમીશનર ડી.જે. જાડેજાએ 17મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યો હતો તેમજ તેમણે ગિરનાર સ્પર્ધા અંગે માહિતી આપી હતી.
સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, સિવિલ સર્જન ડો.પાલા, આર્યુવેદીક હોસ્પિટલના ચેતનાબેન કોડીનારીયા, ગિરનાર રોપ વેના મેનેજર બેદી, પીઆઈ આર.કે.પરમાર સહિતના અધિકારીઓના હસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી. વાળાએ કર્યું હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. આ ઈનામ વિતરણ સમારોહના કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કર્યું હતુ.
અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ-4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ.1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ.19 લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા.
ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા મેડિકલ ટીમ સતત ખડે પગે રહી
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે 17મી અખિલ ભારતીય આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડે પગે રહી હતી. મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી.ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને ક્રેમ્પ્સ, સોજો આવી જવો, નસ ચડી જવી, કે પડી જવાથી છોલાઈ જવું જેવી સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા અને જરૂરી ડ્રેસીંગ પણ કરવામાં આવ્યું હતું. આમ, સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.
ઉત્તર પ્રદેશની ત્રણ સગી બહેનોએ ભાગ લીધો : બેએ બાજી મારી
અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના વારાણસીની ત્રણ સગી બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી બે બહેનોએ બાજી મારી હતી. પ્રથમ ક્રમે રંજના યાદવ અને ચોથા ક્રમે બંધના યાદવ રહી હતી. પ્રથમ ક્રમે રહેલી રંજના યાદવ કહે છે કે, અખિલ ભારતીય ગિરનાર આરોહણ આવરોહણ સ્પર્ધામાં ચોથી વખત ભાગ લીધો છે, આ પૂર્વેની 3 સ્પર્ધામાં પણ ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું હતું. પ્રથમ વખત વર્ષ 2022માં ત્રીજો, 2023માં પ્રથમ અને 2024 માં બીજા ક્રમે વિજેતા રહી હતી. ધોરણ-11માં અભ્યાસ કરતી રંજના યાદવ વોકીંગ ચેમ્પિયનશિપ માં નેશનલ ખેલાડી રહી છે. તેઓ જણાવે છે કે, રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે એથ્લેટિક્સની તૈયારીઓ કરી રહી છું, જેમાં ખાસ 3000 મીટર વોક રેસમાં આગળ વધવા માટે વિશેષ તૈયારીઓ કરી રહી છું. વધુમાં તેમણે કહ્યું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ માટે કાશી વિશ્વનાથ મંદિર અને ઘાટની સીડી પર પૂર્વ તૈયારીઓ કરી હતી. રંજના, બંધના અને સાધના યાદવે ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે ગુજરાત અને જૂનાગઢના આતિથ્યને પણ વખાણિયું હતું.
પ્રથમ વખત ભાગ લેનાર ઉત્તરાખંડના દિગંબર સિંઘે રેકોર્ડ તોડ્યો
17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દિગંબર સિંઘે રેકોર્ડ તોડ્યો છે. દિગંબર સિંઘે વીજળીક ઝડપે 53 મિનિટ 28 સેક્ધડમાં ગિરનાર પર્વતના અંબાજી સુધીના 5500 પગથીયા ચડીને ઉતરી ગયા હતાં અને સિનિયર ભાઈઓની સ્પર્ધામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
દિગંબર સિંઘ કહે છે કે, ગીરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લીધો અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, આ સાથે જે સૌથી ઓછા સમયમાં આ સ્પર્ધા પૂર્ણ કરવાનો વિક્રમ પણ સ્થાપિત થયો છે. તેનો પણ તેણે આનંદ વ્યક્ત કર્યો હતો. દિગંબર સિંઘ કહે છે કે, હાલ રમત ગમતમાં એથ્લેટિક્સમાં આગળ વધવા માટે કોચ રૂપેશ યાદવના માર્ગદર્શનમાં જરૂરી ટ્રેનિંગ લઈ રહ્યો છું, તેમણે જ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢના લાલા પરમારનો 55 મિનિટ 30 સેક્ધડમાં આ સ્પર્ધા પૂર્ણ કરવાનો રેકોર્ડ હતો. દિગંબર સિંઘ કહે છે કે, ગુજરાતના લોકો ખૂબ મિલનસાર સ્વભાવના હોય છે, અહીં દરેક બાબતે જરૂરી સહકાર મળ્યો છે અને વહીવટી તંત્રની વ્યવસ્થાઓ પણ બિરદાવી હતી.