રેકોર્ડબ્રેક ૬૮ હાઇકોર્ટના ન્યાયધીશો માટે નામ સુચવતી સુપ્રીમ

કોલેજિયમની બેઠકમાં ૧૧૨ નામો પર વિચાર કર્યા બાદ બારમાંથી ૪૪ અને જ્યુડિશિયલ સેવામાંથી ૨૪ નામોની કરાઈ પસંદગી

 

અબતક, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટની કોલેજીયમ કમિટીએ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળ અભૂતપૂર્વ નિર્ણય લેતા ૧૨ હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક માટે ૬૮ નામોની ભલામણ કરી છે. જેમાં અલ્હાબાદ, રાજસ્થાન અને કોલકાતા હાઇકોર્ટનો સમાવેશ થાય છે. આ હાઇકોર્ટો જજોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.  ૨૫ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બેઠકોમાં કોલેજિયમે હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ૧૧૨ નામો પર વિચાર કર્યો હતો. ભલામણ કરાયેલા ૬૮ નામોમાંથી ૪૪ બારમાંથી અને ૨૪ ન્યાયિક સેવાના છે.

મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત ત્રણ સભ્યોની કોલેજિયમમાં જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકરનો પણ સમાવેશ થાય છે.  માર્લી વાકુંગ મિઝોરમની પ્રથમ મહિલા ન્યાયિક અધિકારી છે જેમના નામની કોલેજિયમ દ્વારા ગૌહાટી હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.  તેણી ઉપરાંત, અન્ય નવ મહિલાઓના નામ વિવિધ હાઇકોર્ટમાં ભલામણ કરવામાં આવ્યા છે.

કોલેજિયમે અલ્હાબાદ હાઈકોર્ટ માટે ૧૬ નામોની ભલામણ કરી છે.  જેમાં ત્રણ ન્યાયિક અધિકારીઓ અને ૧૩ વકીલોનો સમાવેશ થાય છે.  અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા ૧૬૦ છે, જ્યારે અત્યારે માત્ર ૯૩ જજ ત્યાં કામ કરી રહ્યા છે.