Abtak Media Google News

એકાઉન્ટ કલાર્ક, એસએસઆઈ, આસી. મેનેજર, ટેક્સ ઓફિસર, વોર્ડ ઓફિસર અને ડે.ચિફ એકાઉન્ટન્ટની જગ્યાઓ માટે 10મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે

ભરતીની પ્રક્રિયામાં પારદર્શકતા રખાશે: ખોટી લાલચ કે ભલામણમાં ભરમાવું નહીં: મેયરની અપીલ

રાજકોટ મહાનગર પાલિકામાં જાણે ભરતીની મૌસમ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. 122 જુનિયર કલાર્કની ભરતી માટે ગત રવિવારે પરીક્ષા લેવાયા બાદ હવે અલગ અલગ કેડરની 27 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. બીજી તરફ એકાઉન્ટ કલાર્કની 15 જગ્યા માટે અરજીની મુદત 4 દિવસ માટે વધારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરતી પ્રક્રિયા પારદર્શક થાય તે માટે સરકારી એજન્સી મારફત પરીક્ષા લેવામાં આવી રહી હોય, યુવાનોએ ખોટી ભલામણ કે લાલચમાં આવવું નહીં તેવી અપીલ મેયર દ્વારા કરવામાં આવી છે.

આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા જણાવ્યું હતું કે, શહેરનો વિસ્તાર તથા વસ્તીમાં વધારો થઇ રહેલ છે. થોડા સમય પહેલા મોટામવા, મુંજકા, માધાપર, મનહરપુર શહેરની હદમાં ભેળવવામાં આવેલ છે. મહાનગરપાલિકા સ્વાયત સંસ્થા છે. સીધી જ લોકો સાથે સંકળાયેલી કચેરી છે જેથી લોકોની વહેલાસર પ્રથામિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા રખાતી હોય છે.

શહેરના વિકાસને પહોંચી વળવા તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી તેમજ અધિકારી, કર્મચારીઓના કામના ભારણને ઘટાડવા મહાનગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. ભરતી પ્રક્રિયા પણ પારદર્શક થાય અને સક્ષમ ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ભરતી પ્રક્રિયામાં સરકારની એજન્સી દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવે છે. જેથી લાયક યુવાનોને નોકરી મેળવવાની તક મળશે.

જુનિયર ક્લાર્કની 122 જગ્યાની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. પરીક્ષા ખુબજ સારી રીતે પૂર્ણ થયેલ છે. મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, કોર્પોરેશન દ્વારા લેવાતી પરીક્ષા સરકારી એજન્સી મારફત લેવાતી હોય જેથી બેરોજગાર યુવાનોએ કોઈ લાલચ ભલામણમાં ભરમાવું નહિ. ખરેખર લાયકાત ધરાવતા યુવાનને નોકરી મળવાપાત્ર થશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

વિશેષમાં, ખાલી પડેલ જેવી કે એકાઉન્ટ ક્લાર્ક-15, એસ.એસ.આઈ-20, આસી.મેનેજર-2, ટેક્સ ઓફિસર-1, ડેપ્યુટી ચીફ એકાઉન્ટ-2 અને વોર્ડ ઓફિસરની-2 જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલ છે. તેમજ જુનિયર ક્લાર્કની 122 મળી કુલ 164 કાયમી જગ્યા ભરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે.

આ ઉપરાંત સરકારના નિયમાનુસાર એપ્રેન્ટિસ માટે પણ 600 જેટલી જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલી રહેલ છે. સોલિડ વેસ્ટ વિભાગમાં સિટી બસ સેવા સર્વિસ માટે એજન્સીઓ મારફત ડ્રાઈવરો, કંડકટરો પણ ભરવાની કાર્યવાહી થઇ રહી છે.

આમ શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓના કામો ઉપરાંત સુખાકારીના જુદા જુદા પ્રોજેક્ટો કામોની સાથે સાથે યુવાનોને પણ રોજગારી મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવા કટીબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.