રાજકોટ સહિતનાં 13 જિલ્લામાં રેડ એલર્ટ  બે દિવસ અતિભારે વરસાદની આગાહી 

હજુ બે દિવસ  સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે: 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તંત્ર સજ્જ

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બરાબર રીતે જામ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે કે મેઘરાજા હજુ ખમૈયા નહીં કરે. કારણકે રાજકોટ સહિતના જિલ્લામાં આજથી બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા તા.12અને 13 માટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા  ઉદેપુર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે આ જિલ્લાઓમાં આ બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જગ્યાએ પણ ભારે  વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. જયારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભરનાં અનેક જિલ્લાઓને હજુ 2 દિવસ મેઘરાજા  ધમરોળવાના છે. હવામાન વિભાગની આ આગાહીનાં કારણે તંત્ર વધુ  સજ્જ બન્યું છે.

ભારે વરસાદની આગાહી અનુસંધાને રાજકોટ જિલ્લો હાલ રેડ એલર્ટ ઝોનમાં આવી ચુક્યો છે. રેડ એલર્ટ ઝોનમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.  હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો હોઈ ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાવચેતી રાખવા માટે જાણવાયું છે. ખાસ કરીને  ડેમોમાં નવા નીરની આવક સાથે ઓવરફલોની સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા હોઈ ડેમ વિસ્તારમાં નીચાણવાસમાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાન્તર કરવા તેમજ કોઝવે પરથી પરિવહન ન કરવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવમાં આવી છે.