રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં  લાલ મરચાંની આવક શરૂ

પ્રતિ મણના બે હજારથી રૂ. ચાર હજાર સુધીના ભાવ: રાજકોટ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાંથી લાલ મરચાની આવક

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવા લાલ મરચાની આજથી આવક શરૂ થવા પામી છે. છેલ્લા એક બે દિવસથી લાલ મરચાની ૨૦૦થી ૨૫૦ બોરીની આવક થઈ રહી છે. પ્રતિમણ ૨૦ કિલોના રૂ.૨૦૦૦ થી ૪૦૦૦ સુધીના ભાવો ઉપજી રહ્યા છે.

સૌરાષ્ટ્રના ગોંડલ સહિતના માર્કેટીંગ યાર્ડોમાં છેલ્લા થોડા દિવસોથી લાલ મરચાની આવક આવી રહી છે. ત્યારે આજથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ નવા મરચાની આવક શરૂ થઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લાલ મરચાની આવક શરૂ થઈ છે. મરચાની સાથે હવે આગામી થોડા દિવસોમાં ધાણા, જીરૂ સહિતની અન્ય જણસીની પણ આવક શરૂ થવા પામશે. ‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન દલાલ મંડળના પ્રમુખના જણાવ્યા મુજબ હાલ ૨૦૦થી ૨૫૦ લાલ મરચાની બોરીની આવક આવી રહી છે. હાલ રાજકોટ ડિસ્ટ્રીકટમાંથી મરચાની આવક શરૂ થઈ છે. ત્યારે પ્રતિમળ (૨૦ કિલો)ના રૂ.૨૦૦૦થી ૪૦૦૦ સુધીના ભાવો ઉપજી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકમાં ધીમે ધીમે વધારો થશે.