Abtak Media Google News

‘ટેકો’ ખેડૂતો માટે કે ભ્રષ્ટાચારીઓ માટે ?

હડમતીયાના ખેડૂતે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીના રૂ.૧૦૮૦ મેળવ્યા

રાજય સરકાર ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી હોય છે. ચાલુ વર્ષે સરકારે મગફળીના ટેકાના ભાવ રૂ.૧૦૫૫ જાહેર કર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સરકારે મગફળીના રજીસ્ટ્રેશન બાદ ટેકાના ભાવે ખરીદી કરવાનું શરૂ કર્યું છે. પરંતુ સરકારના નીતિ નિયમો મુજબ ઘણા ખેડુતોની સારી મગફળી પણ રિજેકટ થતા ખેડુતોમાં રોષ જોવા મળે છે.

રિજેકટ મગફળી ખેડુતો ઓપન માર્કેટમાં વહેચી મળતા ભાવોથી સંતોષ માની લ્યે છે. ત્યારે આજે આવા જ એક ખેડુતની મગફળી સરકારના અધિકારીઓ દ્વારા રિજેકટ કરાયાબાદ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વહેચાઈ છે. જેના ‘ટેકાના ભાવ’ કરતા પણ વધુ સારા ભાવ મળતા ખેડુત ખુશ ખુશાલ છે.

સુત્રોમાંથી જાણવા મળ્યામુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ ૮ થી ૧૦ એવા ખેડુતોની મગફળી વહેચવા અર્થે આવે છે કે જેની મગફળી ટેકાના ભાવે રિજેકટ થઈ હોય. નબળી કવોલીટીની મગફળી સરકાર દ્વારા રિજેકટ કરવામાં આવતી હોય છે.ત્યારે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં હડમતીયા ગામના ખેડુત વિજયસિંહ બચુભા એ ટેકાના ભાવે રિજેકટ થયેલી મગફળી ઓપન માર્કેટમાં વહેચી છે. જેને ટેકાના ભાવ કરતા વધુ રૂપીયા મળ્યા છે. વિજયસિંહને રાજકોટ યાર્ડમાં મગફળીના રૂ.૧૦૮૦ ઉપજયા છે. હડમતીયા ગામના આ ખેડુત દર વર્ષે પોતાની મગફળી ટેકાના ભાવે વહેચે છે. ત્યારે આ વર્ષે પણ વિજયસિંહે ટેકાના ભાવે મગફળી વહેચવા રજીસ્ટ્રેશન કરાવેલું અને ગઈકાલે તેમનો વારો આવતા તેઓ કેન્દ્ર પર પહોચ્યા હતા. પરંતુ તેમની મગફળી રિજેકટ થઈ હતી ત્યારબાદ આજરોજ તેઓએ પોતાની મગફળી ઓપન માર્કેટમાં વહેચી જેના સારામાં સારા રૂ.૧૦૮૦ જેવા ભાવ મળતા તેઓ ખુશખુશાલ છે.

દાણાવાળી સારી મગફળી હોવા છતા ભેજનું કારણ બતાવી મગફળી રીજેકટ કરાઈ: વિજયસિંહ

ટેકાના ભાવે રિજેકટ થયેલી મગફળી રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેચવા આવેલા હડમતીયાના ખેડુત વિજયસિંહે ‘અબતક’ સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે અમે છેલ્લા ઘણા સમયથી ટેકાના ભાવમાં મગફળી આપીએ છીએ ત્યારે આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી વહેચવા રજીસ્ટ્રેશન કરાવેલું અને વહેચવા ગયા ત્યારે મગફળી રિજેકટ કરાઈ ત્યારબાદ આજે ઓપન માર્કેટમાં મગફળી લઈ જતા અમને સારામાં સારા રૂ.૧૦૮૦ ભાવ મળ્યા છે. ટેકાના ભાવે અધિકારીઓ દાણાવાળી સારામાં સારી મગફળી હોવા છતાં ભેજનું કારણ આગળ ધરી રિકેજટ કરી દે છે. અમે ૧૦ વિઘામાં મગફળી વાવી હતી વધુમાં કહ્યું હતુકે મગફળીની સાથે સીસીઆઈ દ્વારા ખરીદાતા કપાસમા પણ ખેડુતોને અનેક મુશ્કેલીઓ રહે છે. મોટી સંખ્યામાં ખેડુતોનો માલ રિજેકટ કરવામાં આવે છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે દરેકની મગફળી ભેજવાળી રહી છે. ત્યારે ભેજનું કારણ આગળ ધરી મગફળી રિજેકટ કરાતા ખેડુતોમાં નારાજગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.