સંબંધો પરાણે નહીં પણ સમજદારીપૂર્વક બંધાય

અસરકારક આંતર માનવીય સંબંધોનો આધાર વ્યકિતઓ વચ્ચેના પરસ્પર માન, નિષ્ઠા અને પ્રમાણિકતા પર રહેલો છે, ગુણવત્તાસભર સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે

શાળમાં ભણતા બાળકો વર્ગખંડના ભણતા છાત્રો સાથે એકબીજાના સંબંધો, વાતો, વ્યવહાર થકી બાળક ઘણું જ શીખે છે. ઘણીવાર બાળક પોતાની મુશ્કેલી ટીચર પહેલા, બાળક પોતે તેના મિત્રને જણાવે છે.

સાથે ભણતા બાળકો ભાઇચારાની ભાવના સાથે જોડાયને સર્ંવાગી વિકાસ તરફ આગળ વધે છે. બધા જ બાળકો રિષેસના સમયમાં વાત-ચિત, રમતગમત સાથે નાસ્તો કરતાં કરતાં ઘણુ પાયાનું શિક્ષણ મેળવે છે. સંબંધ તો આકાશ છે. પ્રાથમિક શિક્ષણના હાઇસ્કુલ કે કોલેજ ઉચ્ચ શિક્ષણના મિત્રોમાં તફાવત છે. સૌથી શ્રેષ્ઠ પળ પ્રાથમીક શાળાના મિત્ર વર્તુળમાં છે.

નાના નાના બાળકોના સંબંધોમાં ગુણવતા જોવા મળે છે. તેઓ એકબીજા સાથેના સંબંધોની ઉષ્માને જરૂરીયાત સમજે છે.

એકબીજા વિઘાર્થીને માન આપે અને મેળવેએ જરૂરી છે. આ તબકકે શિક્ષકની ભૂમિકા ખુબ જ અગત્યની છે જેમાં તે બાળકોમાં આંતર માનવીય સંબંધો વિકસાવી શકે છે. ઘણીવાર વર્ગમાં એકલુ ઉદાસ રહેતું બાળક મિત્રો થકી આનંદિત વાતાવરણમાં સંબંધો થકી જ જોડાય છે. શાળામાં બે માહોલ જોવા મળે છે. એક ટોળામાં બધા જ આનંદિત સાથે મસ્તી સાથે રમતા હોય ને બીજી બાજુ બે-ત્રણ એવા બાળકો હોય જે સાવ એકલા અટુલા બેઠા હોય,

પ્રાથમિક શિક્ષણ લેતી વખતે જો બાળક એકબીજા સાથે સંબંધના કેળવી શકે તો, અને બાલ્ય કાળ કે તરૂણાવસ્થામાં એક બીજા સાથે સમવયસ્ક સંબંધો વિકસાવી ન શકે તો તેના માનસિક અને બૌઘ્ધિક વિકાસ ઉપર અસર પડે છે. આવુ બાળક જિદ્દી બની જાય છે. તેને કોઇ ભાઇબંધ ગમતો નથી તેથી તે બંડખોર બની જાય છે. અસરકારક રીતે આંતર માનવીય સંબંધો સ્થાપવા બાળકોમાં જીવન કૌશલ્યોનો વિકાસ શિક્ષક જ કરી શકે છે. આ માટે શનિવારની બાલસભા, તહેવારની ઉજવણી, પ્રવાસ વિગેરે કાર્યક્રમો યોજી શકાય છે. સહઅભ્યાસિક પ્રવૃતિથી બાળકોમાં ભાઇચારાની ભાવના ખીલે છે. તેનો વિકાસ થાય છે. તંદુરસ્ત સમાજ નિર્માણ કરવામાં શિક્ષક શાળાની ભૂમિકા અતિ મહત્વની છે.

અસરકારક આંતરમાનવીય સંબંધોનો આધાર વ્યકિતઓ વચ્ચેના પરસ્પર માન, નિષ્ઠા અને પ્રમાણિકતા પર રહેલો છે. જયારે સંબંધો પરાણે નહીં પણ સમજદારીપૂર્વક બંધાય ત્યારે તેની ગુણવતા ઊંચી રહી છે, આવું ત્યારે જ શકય બને છે, જયારે વ્યકિતઓ એકબીજા સાથેના સંબંધોની તેમાં રહેલી ઉષ્માની જરૂરિયાતને સમજે, સંશોધનકારો પણ કહે છે, કે જીવનનો સાચો આનંદ ધન, વૈભવ, સત્તા કે કીર્તિ મેળવીને નહીં, પણ ધનિષ્ઠ અને આત્મિય સંબંધો દ્વારા જ આવી શકે છે.

જયારે વિઘાર્થીઓ આંતર માનવીય સંબંધોનું મૂલ્ય સમજે છે, ત્યારે તેઓ આ કૌશલ્ય સારી રીતે વિકસાવી શકે છે. આમ પણ વિઘાર્થીઓ- બાળકોને તેમના રોજીંદા જીવનમાં પરસ્પર વ્યવહાર કરવાની સૌથી વધુ જરુર રહેતી હોય છે પછી તે શિક્ષકો  સાથે હોય, વાલીઓ સાથે હોય, મિત્રો સાથે હોય અથવા બીજી વ્યકિતઓ સાથે હોય. જે વિઘાર્થીઓ પરસ્પર માન જાળવીને એકબીજાની જરૂરિયાતોને સમજીને સંબંધો બાંધે તથા સાચવે છે. તેઓ બીજાઓ પાસેથી પુષ્કળ સહકાર અને પ્રતિષ્ઠા પામે છે. તેઓ જીવનમાં કદી પણ એકલતા અનુભવતા નથી. આથી વિરૂઘ્ધ જે બાળકો સંબંધોની અગત્યતા સમજી શકતા ન હોવાથી ગમે તેમ વર્તન કરતા થઇ જાય છે.

તેમને સામાજીક બહિષ્કારનો સામનો કરવો પડે છે.

જે તેમને નકારાત્મક બનાવે છે. દા.ત. જે બાળકો હંમેશા બીજાની સામે બોલતું હોય, કે હંમેશા બીજાનું ઘ્યાન રાખ્યા વગર માત્ર પોતાનું ઘ્યાન રાખીને વર્તન કરતું હોય, તેને લોકો પસંદ કરતા નથી અને ધીમે ધીમે તે બાળક સાવ એકલું પડી જતાં બંડખોર બનતું જાય છે. વધુ જિદ્દી બનતું જાય છે. આ માટે જરુરી બને છે કે તેને નાનપણથી જ પરસ્પર સચવાતા સાચા સંબંધોની અગત્યના સમજાય, તેનો વ્યવહાર સુધરે અને તે સુખી જીવન જીવી શકે.,

આ માટે બાળકોને સહકારની ભાવના, સમાધાનકારી વલણ, પરાનુભૂતિ, કાળજીપૂર્વકનું વર્તન તથા સ્વ-સંચાલન જેવા કૌશલ્યો શીખવવા જરુરી બને છે. તેમને સમાજના સભય તરીકે કેમ વર્તવું તેની સમજ કેળવવામાં તેમજ સાચી મિત્રતા અને સાચી સહકાર ભાવનાને ઓળખી, તેને કેળવવામાં સહાયતા કરવી જરુરી છે. આ માટે તેમની સાથે હળવાશથી ચર્ચા કરવી, તેમના વિચારો સંબંધોને લગતી મુંઝવણોને સ્વતંત્ર રીતે વ્યકત કરવાની તક આપવી, તેમને દબાણપૂર્વકના સંબંધોમાંથી મુકત રાખવા, સંબંધોમાંથી ઉભરતી નિરાશાને પહોંચી વળવામાં મદદ કરવી.

ખાસ કરીને બાલવસ્થા તેમજ તરુણાવસ્થામાં બાળકો જો વ્યવસ્થિત આંતરમાનવીય સંબંધો ન વિકસાવી શકે, તો તેમના માનસિક અને બૌઘ્ધિ વિકાસ ઉપર પ્રતિકુળ અસર થાય છે.

તેથી જ, જીવનકૌશલ્ય શિક્ષણનો એક અગત્યનો પાયો અસરકારક આંતરમાનવીય સંબંધો સ્થાપવાના કૌશલ્યને વિકસીત કરવું તે છે. આ કૌશલ્ય દ્વારા એક તંદુરસ્ત સમાજનું નિમાર્ણ શકાય છે.