મોરબીમાં રેમડેસીવીર ઈન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ વિફર્યા: કલેક્ટર બંગલા સામે ઘરણા

0
18

હોમ આઇસોલેટ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન ન આપવાનો તંત્રનો નિર્ણય 

વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર બંધ કરાતા રોષે ભરાયેલા લોકો કલેક્ટર બંગલે દોડી ગયા : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 

મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા રોષે ભરાયેલા દર્દીઓના સગા કલેક્ટર બંગલે દોડી ગયા હતા. જ્યાં તેઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જ્યાં સુધી ઇન્જેક્શન નહિ મળે ત્યાં સુધી ન હટવાનું જણાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં છે. જેને પગલે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ મોટા પ્રમાણમાં છે. સામે સરકાર દ્વારા જરૂરિયાતથી ઓછી સંખ્યામાં રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ અંગે કલેક્ટર તંત્રમાંથી મળતી વિગત અનુસાર આજે બુધવારથી મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન મળશે નહીં. માત્ર હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઇન્જેક્શન મળી રહેશે. હોસ્પિટલોને આ ઇન્જેક્શન કઈ રીતે મળશે તે અંગે અલગથી જાણ કરવામાં આવશે. વધુમાં આજથી હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ બંધ કરવામાં આવતું હોય વી.સી. હાઇસ્કૂલ ખાતે જે સેન્ટર છે તે પણ બંધ રહેશે.

જેને પગલે આજ વહેલી સવારથી વી.સી. હાઇસ્કૂલ ખાતે લાઈનમાં રહેલાં દર્દીઓના સગાઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ તમામ લોકો કલેક્ટર બંગલે દોડી ગયા હતા. જ્યાં હોબાળો મચાવીને તેઓએ ઘરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી રેમડેસીવીર ઇન્જેક્શન ન મળે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહિ તેવું લોકોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે કલેક્ટર બંગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

 

હોસ્પિટલમાં દાખલ થવા માટે જગ્યા નથી, ઘરે આઈસોલેટ થનાર માટે દવા નથી!! કરવું શું દર્દીઓની હૈયાવરાળ

મોરબીની સ્થિતિ ખૂબ વિકટ બની રહી છે. અહીં દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ ન હોય જેથી ગંભીર દર્દીઓ પણ હોમ આઇસોલેટ થવાનું જોખમ લ્યે છે. પણ જે દર્દીઓ હોમ આઇસોલેટ થાય છે તેને દવાઓ મળતી નથી. એક તરફ તંત્ર દર્દીઓને હોમ આઇસોલેટ થવા મજબૂર કરે છે. બીજી તરફ હોમ આઇસોલેટ દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન મળતું નથી. તો આ પરિસ્થિતિમાં કરવું શું? તેવી હૈયાવરાળ દર્દીઓના સગાઓ ઠાલવે છે.

ટેક્ષ ચુકવવામાં અગ્રેસર મોરબીને માત્ર 500 જેટલા જ રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવા યોગ્ય?

સિરામિક નગરી મોરબી ટેક્ષ ચૂકવવામાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર હોય છતાં અહીં મેડીકલ સુવિધાના નામે મીંડું રહ્યું છે. અહીં વસ્તીની દ્રષ્ટિએ કોરોનાના કેસોનું પ્રમાણ ભયંકર સપાટીએ છે. તેમ છતાં સરકાર દ્વારા અંદાજે 500 જેટલા જ રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવામાં આવતા હોય મોરબી સાથે અન્યાય થતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. મોરબીએ સમગ્ર રાજ્યને અને દેશને આપતિના સમયમાં ઘણું આપ્યું છે. હાલ મોરબી ઉપર આપતી આવી હોય કોઈની મદદ ન મળતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here