Abtak Media Google News

ગ્રાહકોની વર્તણૂક, ફેશનમાં બદલાવ સાથે હરિફાઈ વધુ તીવ્ર બની: રીટેઈલ બિઝનેસમાં રિલાયન્સ સામે એમેઝોનની ટક્કર: બીજા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સનો નફો 43 ટકા વધી 13 હજાર કરોડને પાર

રિટેલ માર્કેટમાં રિલાયન્સનો દબદબો જારી છે. કંપનીએ બીજા વાર્ષિક ત્રિમાસિક ગાળામાં અધધ…. 74 ટકાનો નફો રળ્યો છે. રિલાયન્સ રિટેલનો નફો 74 ટકા વધી 1695 કરોડે પહોંચ્યો છે. વધતી જતી હરીફાઈ વચ્ચે પણ રિલાયન્સની પ્રગતિ ગતિશીલ છે. જો કે, ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રે વધતા જતા એમેઝોનના પ્રભાવ વચ્ચે રિલાયન્સને હરીફાઈમાં ટકવું મુશ્કેલ જરૂર બનાવશે. રિલાયન્સ રિટેલની કુલ આવક સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 10.5% વધીને 45,426 કરોડ રૂપિયા થઈ છે. તે જ સમયે, કામગીરીમાંથી આવક 9.2% વધીને 39,926 કરોડ રૂપિયા થઈ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બરને સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાના તેના પરિણામો શુક્રવારે સાંજે જાહેર કર્યા. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 15,479 કરોડનો રેકોર્ડ કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં આ 46%ની વૃદ્ધિ છે. નાણાકીય વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં નફો રૂ. 10,602 કરોડ હતો. આવકની વાત કરીએ તો, બીજા ક્વાર્ટરની રિલાયન્સની એકીકૃત કુલ આવક રૂ. 191,532 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમયગાળામાં તે 128,385 કરોડ રૂપિયા હતી.

આ 49.2% ની વૃદ્ધિ છે. બીજી તરફ, કંપનીએ રૂ. 30,283 કરોડનો રેકોર્ડ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ઓપરેટિંગ નફો નોંધાવ્યો છે, જે એક વર્ષ અગાઉ કરતાં 30% વધુ છે. જીઓ પ્લેટફોર્મની વાત કરીએ તો ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક વધીને 23,222 કરોડ રૂપિયા થઈ છે. તે જ સમયે, કામગીરીમાંથી આવક 18,496 કરોડથી વધીને 19,777 કરોડ થઈ છે.

રિલાયન્સના ઓઈલ ટુ કેમિકલ બિઝનેસની વાત કરીએ તો, ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં આ સેગમેન્ટની આવક 58.1% વધીને 120,475 કરોડ થઈ છે, જે રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ્સની વૈશ્વિક માંગને કારણે છે. નાણાકીય વર્ષ 21Q2માં તે 76,184 કરોડ રૂપિયા હતી. બીજી તરફ વર્ટિકલ ઓપરેટિંગ નફો 43.9% વધીને રૂ. 12,720 કરોડ થયો છે.

એક વર્ષ અગાઉ FY21Q2 માં તે રૂ. 8841 કરોડ હતો. તેલ અને ગેસ ક્ષેત્રની રિલાયન્સની આવક આ ત્રિમાસિક ગાળા દરમિયાન  363.1% વધીને રૂ. 1,644 કરોડ થઈ છે, જેનું ઉત્પાદન 23% વધ્યું છે. FY21 Q2 માં તે રૂ. 355 કરોડ હતો. સેગમેન્ટે ક્વાર્ટરમાં રૂ. 1,071 કરોડનો ઓપરેટિંગ નફો નોંધાવ્યો છે. વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. 194 કરોડનું ઓપરેટિંગ નુકસાન નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.