અડધી રાતે પણ રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહેશે : ડો.રાહુલ ગુપ્તાની ખાતરી

હાલ જિલ્લામાં 3200 બેડ ઉપલબ્ધ, હજુ 700 બેડ વધારાશે કોરોના સામેના જંગમાં તંત્ર સંપુર્ણ સજ્જ હોવાનો દાવો

અડધી રાતે પણ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મળી રહેશે તેવું રાજકોટ જિલ્લાના કોરોમમાં નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ ખાતરીપૂર્વક જણાવ્યું છે. વધુમાં હાલ જિલ્લામાં 3200 બેડની વ્યવસ્થા છે. અને હજી 700 બેડ વધારવામાં આવનાર છે. તેવુ જણાવીને કોરોના સામેના જંગમાં તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તંત્ર ઊંધામાથે થયું છે. આ ઉપરાંત બેડ વધારવાના પણ તંત્ર દ્વારા પૂરતા અપ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોરોનાના નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ આ અંગે જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં હાલ 3200 બેડની વ્યવસ્થા ગોઠવાયેલી છે. હજી પણ વધુ 700 બેડની વ્યવસ્થા ગોઠવવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુમાં ડો. રાહુલ ગુપ્તાએ ઉમેર્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં હાલ 100 વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. જરૂર પડ્યે તેને વધારવામાં આવશે. રેમડેસીવીરના 5000 ઇન્જેક્શનનો જથ્થો મળ્યો છે. હાલ આ જથ્થો પૂરતો છે. અડધી રાતે પણ દર્દીને જરૂર પડ્યે રેમડેસીવીરનો જથ્થો મળી રહેશે તેવું તેમને ખાતરીપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોનાની આ પરિસ્થિતિમાં તંત્ર સંપૂર્ણ સજ્જ છે. જરૂર પડ્યે બેડની તેમજ નર્સિંગ સ્ટાફની સંખ્યામાં વધારો થતો રહેશે.

ધાર્મિક સ્થાનો ફરી બંધ થશે ?  સાંજે બેઠકમાં નિર્ણય

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આજે સાંજના અરસામાં ધાર્મિક સંસ્થાઓના વડાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધાર્મિક સ્થાનકોએ ભાવિકોની ભીડ એકત્ર ન થાય અને ત્યાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણયો લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મતલબ કે ધાર્મિક સ્થાનકો ખુલ્લા રાખવા કે નહીં તે અંગેનો નિર્ણય પણ લેવાઈ શકે છે.