કોક હટાવો પાણી લાવો: સેલીબ્રિટીની દરેક હરકત આજે રૂપિયામાં પરાવર્તીત !

વિશ્વમાં આજે અલગ અલગ ક્ષેત્રના સેલીબ્રીટીઓ એ વાતે ભારે સજાગ બની ગયા છે કે, તેમની દરેક પ્રવૃતિ અને નાની એવી હરકત કરોડો પ્રેક્ષકો પર પ્રભાવી અસરકારક અને જાહેરખબરની દુનિયામાં ખુબજ મુલ્ય ધરાવતી બની ગઈ છે. સેલીબ્રીટીની દરેક હરકત આજે રૂપિયામાં પરાવર્તીત થઈ જાય છે. સેલીબ્રીટીઓ દૈનિક જીવન કે વ્યવસાયીક રૂપે મફતમાં કંઈ જ કરતા નથી. એક વખત પોપ્યુલારીટી અને પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સેલીબ્રીટીની જીવનની રીત-ભાત, શોખ, પ્રવૃતિ અને દરેક ચેષ્ટા કરોડો લોકો માટે અનુકરણીય બની રહી છે. અબજોની સંપતિ અને પોપ્યુલારીટી ધરાવતા તમામ સેલીબ્રીટીઓ હવે એ વાતે સજાગ બની ગયા છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, નીક જોન્સ જેવા લોકો પોતાના અંગત જીવનની લગ્ન જેવી પરંપરાની દરેક ઘડીની તસ્વીરોની ખરી કિંમત આંકીને અબજો રૂપિયા કમાઈ ચૂક્યા છે. સેલીબ્રીટીઓની અંગત તસ્વીરો પણ અબજો ડોલરની કમાણી કરી નાખે છે.

સેલીબ્રીટીનું જીવન અને પ્રવૃતિ પ્રોડકટની બ્રાન્ડ અને પોતાના હાવભાવથી કોને કેટલો ફાયદો થાય તે અંગે ખુબજ સ્માર્ટ બની ગયા છે. ગઈકાલે રોનાલ્ડોએ કોકા કોલા હટાવીને પાણી પીધુ, વિશ્ર્વ પ્રસિધ્ધ ફૂટબોલર હિરોને એ વાતની ખબર જ હતી કે, કોકા કોલા હટાવીને પોતે પાણી પીસે તો તેની વ્યવસાયીક ધોરણે શું અસર થશે. ? રોનાલ્ડોએ કોકાકોલા હટાવીને પાણી પીધુ એનો મેસેજ એ ગયો કે, કોકાકોલા કરતા પાણી પીવુ સારૂ. રોનાલ્ડોની આ એક હરકતથી કોકાકોલાનું માર્કેટ નેટવર્થમાં 30,000 કરોડની ખોટ ગઈ. આજે મનોરંજન અને ડિજીટાઈઝેશનના યુગમાં જ્યારે દ્રશ્યશ્રાવ્ય પ્રેક્ષકોની સંખ્યા હજારો-લાખોમાં નહીં પરંતુ કરોડો, અબજોમાં પહોંચી ચૂકી છે ત્યારે સેલીબ્રીટીની બ્રાન્ડ નેમનું મુલ્ય પણ આંકી શકાય તેટલું સીમીત રહ્યું નથી.

દરેક પ્રોડકટ પર સેલીબ્રીટીના લગાવ વ્યક્તિગત જીવન અને અભિગમના ટ્રેડમાર્કથી મોટા વ્યવસાયીક લાભ લેવાના આ સમયમાં હવે લોકપ્રિય બની ગયેલા સેલીબ્રીટી પણ ખુબજ હોંશિયાર થઈને શું બોલવું ? શું ન બોલવું ?, કેવા હાવ, ભાવ ક્યારે વ્યકત કરવા ? જાહેરમાં પોતાની એક હરકત કે, પગલું મોટુ આર્થિક ઉથલ-પાથલ અને માર્કેટ ગ્રોથને જમીનથી લઈને આસમાન સુધી પહોંચાડવાનું નિમીત બની રહે તે વાત હવે લોકપ્રિય સેલીબ્રીટીઓ સારી રીતે સમજી ગયા છે. પોતાના મનનો સ્પોર્ટસમેન, હિરો કે લિઝેન્ડ વ્યક્તિની જે પસંદ હોય તે અપનાવવા માટે આજે દુનિયાના કરોડો ચાહકો આતુર હોય છે.

ચાહકોની આ આતુરતા અને વિશ્ર્વાસને કેવી રીતે રૂપિયામાં કનવર્ટ કરવું તે સેલીબ્રીટીસ સારી રીતે જાણે છે. કોક હટાવીને પાણી પીવાની હરકત કરનાર રોનાલ્ડોને તેની આ હરકતના પરિણામોની ખબર જ હશે કે, કોક હટાવીને પાણી પીવાથી કોને શું મેસેજ જશે ? રોનાલ્ડોની આ હરકત કોકને 30,000 કરોડ રૂપિયામાં અડી ગઈ. જાહેરાતની દુનિયા ભલે સંપૂર્ણપણે મની ઓરિએન્ટલ અને પ્રેક્ટિકલ ગણાતી હોય પરંતુ સેલીબ્રીટી સાથે તેના ચાહકોની સંવેદનાને સેલીબ્રીટીઓ કેવી રીતે પૈસામાં રૂપાંતર કરે છે તે આપણને રોનાલ્ડોની હરકતથી જોવા મળ્યું. કોક કરતા પાણી પીવુ સારૂ છે તેવો આ મેસેજ કોકને ભારે પડી ગયો પરંતુ સાથે સાથે સેલીબ્રીટીનું કેવું વજન છે અને તે કેવા સજાગ છે તેનો એક મેસેજ દુનિયાને મળી ગયો.