બ્રેકમાં આવેલા તમામ કરારી કર્મચારીઓને ઉત્તરાયણ પૂર્વે મહેનતાણું ચૂકવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંજુર 267 જગ્યા પર નોનટીચિંગ કર્મચારીઓને પરત લેવામાં આવશે જ: તમામ પ્રકિયા ચાલુ, થોડા દિવસોમાં નિર્ણય લેવાશે: કુલપતિ પેથાણી

 

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી 400થી વધુ કર્મચારીઓને પરત લેવાનો નિર્ણય છેલ્લા કેટલાક દિવસોથી ગૂંચવણમાં પડ્યો છે જો કે ગઈકાલે શિક્ષણમંત્રી જ્યારે રાજકોટ પધાર્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ જીતુ વાઘણીને મળવા પહોંચેલા અને અનેક પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી હતી. અંતે હવે લગભગ 1 માસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરારી કર્મીઓનો પ્રશ્ન હલ થશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંજુર 267 જગ્યા પર નોનટીચિંગ કર્મચારીઓને પરત લેવામાં આવશે જ તેવું કુલપતિ પેથાણીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત તા. 10 ડીસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 400થી વધુ કર્મચારીઓને બ્રેક આપી દેવામાં આવ્યો હતો. તેમ છતાં મોટાભાગના કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે યુનિવર્સિટીમાં કામ કરવા આવતા હતા. બ્રેક આપ્યાને 1 માસનો સમય વીતી ગયો છે. આ બાબતે આજે કુલપતિ પેથાણીએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 23 ડીસેમ્બર 10 જાન્યુઆરી સુધી જે કર્મીઓ કામ માટે આવ્યા છે અને જેની હાજરી બોલે છે તેઓને ઉતરાયણ પહેલા જ મહેનતાણું ચૂકવી દેવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સિવાય હવે થોડા જ દિવસોમાં કરારી કર્મચારીઓની કઈ રીતે ભરતી કરવી તેમજ કોને લેવા તેનો નિર્ણય પણ કરી દેવામાં આવશે. છઠ્ઠા અને સાતમા પગારપંચ મુજબ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 267 જગ્યા ખાલી છે તેમાં ચોક્કસથી ભરતી કરવામાં આવશે. ઓવર સેટઅપ કર્મીઓને છૂટા પણ કરાશે.