Abtak Media Google News

ઘરેલું હિંસાના કેસ  દરમિયાન દર રવિવારે બાળકીને પિતાને મળવા દેવા કોર્ટનો હુકમ

માતાની કસ્ટડીમાં રહેલી અઢી વર્ષની દિકરીને ઘેરલું હિંસાનો કેસ ચાલતા દરમિયાન પિતાને દર રવિવારે મળવા દેવા રાજકોટની કોર્ટનો હુકમ કર્યો છે.કોર્ટે પોતાના ચૂકાદામાં એવું પણ ઠરાવ્યું હતું કે,બાળકના સર્વાંગી ઉછેર માટે માતા-પિતા બન્નેની લાગણી તેમજ હૂંફની જરૂરીયાત છે.

કેસની વિગત મુજબ, રાજકોટના રહેતા મયુરી સાગરકુમાર ભાલોડીયાએ તેમના પતિ સાગરકુમાર નટરવારલાલ ભાલોડીયા તથા સાસુ-સસરા વિગેરે વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કોર્ટમાં ફરિયાદ કરી હતી.અરજદાર તથા સામાવાળા બન્નેના લગ્ન જીવનથી એક પુત્રી ઘીમહીનો જન્મ થયેલ. જે હાલ માત્ર અઢી વર્ષની છે. અરજદાર તથા સામાવાળા અલગ થયેલ ત્યારથી પુત્રી અરજદાર પાસે છે. સામાવાળા એટલે કે બાળકીના પિતા તેમની પુત્રીને મળવા માંગતા હોય પરંતુ, અરજદાર એટલે કે પુત્રીની માતા બાળકીને તેમના પિતાને મળવા દેતા ન હોય, જેથી પિતાએ કોર્ટમાં અરજી કરી બાળકીને મળવા દેવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

બાળકના ઉછેર માટે માતા-પિતા બન્નેની લાગણી, હુંફ અને પ્રેમની જરૂરીયાત હોવાની તથા બાળકને માતા-પિતા બન્નેનો પ્રેમ મેળવવાનો પોતાનો અધિકાર હોવાની અરજદારના એડવોકેટની દલીલો ગ્રાહય રાખી કોર્ટે દ્વારા બાળકના સર્વાંગી ઉછેર માટે માતા-પિતા બન્નેની જરૂરીયાત હોવાનું માની પિતાને દર અઠવાડીયાના રવિવારે મળવા દેવા માટે અને માતાએ તેમાં અડચણ અંતરાય નહી કરવા તથા પુર્ણપણે સાથ સહકાર આપવા માટેનો મહત્વનો ચુકાદો ફરમાવવામાં આવેલ છે. અરજદાર વતી રાજકોટના યુવા ઘારાશાસ્ત્રી ડેનીષ એ. સીણોજીયા રોકાયેલ હતાં તથા તેના મદદનીશ તરીકે એડવોકેટ એમ. એફ, કાથાવાલા તથા એ. એન. રાઠોડ હાજર રહેલ હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.