Abtak Media Google News

આનંદ આશ્રમના ગ્રંથાલયમાં 20 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો

સંશોધકો માટે આનંદ આશ્રમ આશિર્વાદરૂપ: ડિજિટલ માધ્યમ વીજળી આધારીત છે જ્યારે પુસ્તકો અવિરત વહેતી સરવાણી: ડો.રાજ્યગુરૂ

‘અબતક’ ચેનલનો વિશેષ કાર્યક્રમ ‘આનંદ આશ્રમના ઓટલેથી’માં ગોંડલ તાલુકાના ખોબા જેવડા ઘોઘાવદર ગામે આવેલ આનંદ આશ્રમ જેના સંસારી સંત કે જેણે ‘દાસી જીવણ’ જીવણ સાહેબ ઉપર ડોકરેક્ટની પદવી મેળવી છે. કે જેના દ્વારા ઘોઘાવદરમાં સેવાકીય કાર્યનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે તે ડો.નિરંજન રાજ્યગુરૂ. સાથેનો સંવાદ તાજેતરમાં ‘અબતક’ ચેનલ પર ટેલીકાસ્ટ થયો હતો. જેમાં આનંદ આશ્રમમાં ગૌશાળા, ગ્રંથાલય ઉપરાંત વિવિધ ક્ષેત્રે સંશોધનાત્મક અંગેના 20 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો તેમજ સેવાકીય પ્રવૃતિઓની ઝલક વર્ણવામાં આવી છે. જેની સંક્ષિપ્ત માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

પ્રશ્ન : ડો.નિરંજન રાજ્યગુરૂની પ્રાથમિકથી કોલેજ સુધીની જીવન યાત્રા કેવી રહી?

જવાબ : પિતા વલ્લભભાઇએ ઘોઘાવદરમાં જ વિદ્યાર્થી બાદ શિક્ષક, આચાર્ય, સહકારી મંડળીના મંત્રી, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ પોસ્ટ માસ્તરની સેવાઓ બજાવી અમારી ત્રણ પેઢીને શિક્ષણ આપ્યું સાથેસાથે તેણે ત્રણ હજારથી વધુ પુસ્તકોનું પુસ્તકાલય ઘરમાં જ રાખ્યુ હતું.

ઘોઘાવદરમાં રહી પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો બાદ માધ્યમિક શિક્ષણ ગોંડલ ખાતે મેળવ્યું બાદ સૌરાષ્ટ્ર યુનિ.માં અનુસ્નાતકમાં વૈકલ્પિક વિષય લોકસાહિત્ય રાખ્યો હતો બાદમાં ‘દાસી જીવણ’ પર પી.એચ.ડી. કર્યું અને આ અભ્યાસક્રમ (સંશોધન) પૂર્ણ ન થાય ત્યાં સુધી પગરખા ન પહેરવા તેવો સંકલ્પ પણ કર્યો હતો અને આ કાર્ય દરમિયાન લોકગીત, લોકભક્તિ, લોકસાહિત્ય શું છે? તેની તાલીમ પણ મળી હતી.

પ્રશ્ન : ડિગ્રી હોવા છતાં નોકરીને મહત્વ કેમ ન આપ્યુ?

જવાબ : જો કે 1984માં કેશોદની કોલેજમાં એક વર્ષ માટે અધ્યાપક તરીકે જોડાયો તેમજ જૂનાગઢના સદ્વિચારની સેવા પ્રવૃતિમાં જોડાયો અને ગામડે ગામડે ફરી નૈતિક ઉત્થાન સંસ્કારનું કાર્ય કર્યુ બાદ મને હોમીભાભા ફેલોસીફ મળી અને મોટર સાયકલ પર 72 હજાર કિલોમીટરનું ખેડાણ કરી ગ્રામ્ય વિસ્તારમાં ભજનીકોના ભજનોનું 600 કલાકનું રેકોર્ડીંગ કર્યું અને તે યુ ટ્યુબ પર મૂકેલું આજપણ ડો.નિરંજન રાજ્યગુરૂ સર્ચ કરો એટલે એ ભજનો પુસ્તકો વગેરે મળી રહે.

પ્રશ્ન : ગામડામાં ગવાતા ભજનો કેવા હોય?

જવાબ : લોકવિદ્યાનું સંશોધન દરમિયાન ભજનની કંઠસ્થ પરંપરા એટલે કે ભજનીક પોતાના ઝુંપડામાં અથવા ઘરમાં પ્રભુને રીજવવા ભજન ગાય છે. ચમારવાસમાં જઇ ભજન ગાતા ભજનીકોના રંગમાં રંગાઇ અને તે ભજનોનું પણ રેકોર્ડીંગ કર્યું છે. જેમાં સાંધ્યગીત જેને ‘સંધ્યા’ કહેવાય છે. ઉપરાંત સાંધ્ય આરતી વગેરે જેવા 30 પ્રકારના ભજનો ગવાય છે. વિશ્વની યુનિ.માંથી આવતા પ્રતિનિધિઓ, સંશોધકો પણ ઘોઘાવદર આવવાનો આગ્રહ રાખે છે.

પ્રશ્ન : આનંદ આશ્રમના ગ્રંથાલયમાં કેટલા પુસ્તકો અને વિભાગો છે?

જવાબ : ત્રણ હજાર જેટલા પુસ્તકો પિતાજીએ વસાવેલા હતા આજ આ ગ્રંથાલયમાં 20 હજારથી વધુ પુસ્તકો છે. જેમાં લોકસાહિત્ય, સંત સાહિત્ય, ચારણી સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્વ સાહિત્ય, શિલ્પ સાહિત્ય ઉપરાંત ધર્મ, તત્વજ્ઞાન વિવિધ સંપ્રદાયોના પુસ્તકોનો સમાવેશ છે. વધુ પાંચક હજાર પુસ્તકો અમદાવાદના કનુભાઇ જાની દ્વારા પ્રાપ્ત થયા છે. સંશોધકો માટે આનંદ આશ્રમનું ગ્રંથાલય આશિર્વાદરૂપ છે. કારણ કે સંશોધકોને એક જ અનુરોધ છે કે આપ આવો અહિં રોકાવ, ખાઓ-પીઓ અને મોજ કરી તમારે જે જોઇએ તે પુસ્તકોમાંથો ફોટા પાડી અને માહિતી અને માર્ગદર્શન મેળવો જે ઉપયોગી થશે.

પ્રશ્ન : ઘોઘાવદર- આનંદ આશ્રમની પ્રવૃતિઓ શું?

જવાબ : ઘોઘાવદરનું મૂળ પ્રાચિન નામ ‘ગોગપદ્ર’ એટલે કે ક્ષેત્રપાળ દાદાનું સ્થળ, નાગદેવતાનું સ્થાનક હાલ પણ અહિં આશ્રમમાં નાગનું આગમન થાય છે. 650 વર્ષ જૂની આ જગ્યા કે જ્યાં 61 વર્ષ પૂર્વે હનુમાનજીની મૂર્તિ (પથ્થર) મળેલ અને ત્યાં ખાખી સાધુ પ્રેમદાસજીએ હનુમાનજીની મૂર્તિ બનાવડાવી અને સ્થાપના કરવામાં આવી એ મંદિર તથા નાગદેવતાનું પણ મંદિર છે. 1990માં નોકરી છોડી, ભાભા ફેલોસીપ મળી બાદ ત્રણ વર્ષ ફિલ્ડ વર્ક કર્યું હતું. 1976થી હું બી-હાઇ ગ્રેડનો આકાશવાણી માન્ય કલાકાર છું. ગૌશાળામાં 62 ગાયોનો પરિવાર છે. ગાયના છાણમાંથી ઓર્ગેનીક અગરબતી બનાવવામાં આવે છે તેમાં ગામની 25 જેટલી બહેનોને રોજગારી મળે છે તેમજ માત્ર 25 રૂપિયે લીટર ગાયનું દૂધ ગામ લોકોને આપવામાં આવે છે તેમજ છાશ મફ્ત આપવામાં આવે છે.

પ્રશ્ન : તમને મળેલા એવોર્ડો, લખેલા પુસ્તકો વિશે?

જવાબ : પ્રથમ પુસ્તક ‘ખૂલ્યા આકાશી તાળા’ સહિત 25 પુસ્તકો પ્રકાશીત થયા તેમજ અનેક અખબારો, મેગેઝીનો વગેરેમાં લેખો લખ્યા અને લખુ છું. પ્રકાશીત થયેલા 25 જેટલા પુસ્તકો પૈકી અમુક તો યુનિ.ના અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરાયો છે.

એવોર્ડ અંગે ડો.નિરંજન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે મળેલા એવોર્ડમાં કવિકાગ એવોર્ડ, ગૌરવ પુરસ્કાર, સંગીત-નાટક અકાદમી દિલ્હી વગેરે જેવા અસંખ્ય એવોર્ડો મળવા ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા સન્માન મળ્યું. હાલ જુદી-જુદી યુનિ.ના બે વ્યક્તિ ડો.નિરંજન રાજ્યગુરૂ પર સંશોધન કરી રહ્યા છે. ઉપરાંત ભારતીય ધર્મસંસ્થાને અખાડા દ્વારા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરનું સન્માન પણ આપવામાં આવ્યું.

પ્રશ્ન : સંશોધનમાં આ ક્ષેત્રમાં કામ કરવા વાળા કેટલા અને તમારા પછી શું?

જવાબ : થોડી ગ્લાની છે અને હર્ષ પણ છે. ગુજરાતમાં મધ્યકાલીન, ચારણી સાહિત્ય, બારોટ સાહિત્ય વગેરે સાહિત્યમાં સંશોધન કરનારા ખૂબ ઓછા છે.

આ તો સતની જ્યોત છે જે ક્યારેય વિલીન થતી નથી, પુસ્તકો શાશ્વત છે, ડીઝીટલ સાધનો વીજળી પર આધારીત છે જ્યારે પુસ્તકો વહેતુ ઝરણું છે, જે પાંચ હજાર વર્ષ પછી પણ કામ કરે છે.

પ્રશ્ન : નવા સંશોધકોને સંદેશ

જવાબ : અંતમાં ડો.નિરંજન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ પર ડીઝીટલ માધ્યમ દ્વારા અનેક જાતનું આક્રમણ છે જે મહિલાઓના રસોડાથી લઇ પુરૂષોના ખીસ્સા સુધી પહોંચ્યુ છે. આપણા તહેવારો, રીવાજો, અલંકારો, આભૂષણો, ભાષા વગેરે બદલાવા લાગી છે ત્યારે વિશ્વની હરિફાઇમાં આગળ આવવું જરૂરી છે પરંતુ આપણી મૂળભૂત પરંપરાને પણ જાળવવી એટલી જ જરૂરી છે. આજની દિકરીઓને પ્લેન ચલાવતા આવડે તે આનંદની વાત સાથે આજની જરૂરીયાત પણ છે પરંતુ રોટલા ઘડતા પણ આવડવું એટલું જ જરૂરી છે.

ભારતીય સંસ્કૃતિ પર ડિજિટલ માધ્યમ દ્વારા અનેક જાતનું આક્રમણ

‘અબતક’ ચેનલ દ્વારા આનંદ આશ્રમના ઓટલેથી ડો.નિરંજન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ પર ડીઝીટલ માધ્યમ દ્વારા અનેક જાતનું આક્રમણ થઇ રહ્યું છે. જે મહિલાઓના રસોડાથી લઇ અને પુરૂષોના ખીસ્સા સુધી પહોંચ્યુ છે. જેથી આપણા તહેવારો, રિત-રીવાજો, અલંકારો, આભૂષણો, ભાષા વગેરે બદલાવા લાગ્યા છે ત્યારે વિશ્વની હરિફાઇમાં આગળ આવવું જરૂરી છે પરંતુ આપણી મૂળભૂત પરંપરાને જાળવવી પણ જરૂરી છે. આજની દિકરીઓને પ્લેન ચલાવતા આવડે તે આનંદની વાતની સાથે આજની જરૂરીયાત પણ છે. પરંતુ રોટલા ઘડતા પણ આવડવું એટલું જરૂરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.