Abtak Media Google News

ધોરડો ગામના સરપંચ અને ગ્રામજનો સાથે કર્યો સંવાદ

વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણમાં યોજાતો રણોત્સવ 26 મી ઓકટોબરથી શરૂ થઈ ચૂક્યું છે અને દર વર્ષે અનેક અધિકારીઓ તેમજ સેલિબ્રિટી સહિતના પ્રવાસીઓને રણ આવકારે છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ પરિવાર સાથે રણની મુલાકાતે આવ્યા હતા.સરહદી જિલ્લા કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં આ વખતે રણોત્સવનું આયોજન 26મી ઓકટોબરથી 20 મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે.

4 મહિના ચાલતા આ રણોત્સવમાં દર વર્ષે ભારતના જુદાં જુદાં રાજ્યોના તેમજ વિશ્વના ખૂણે ખૂણેથી અનેક લોકો અને મોટા મોટા અધિકારીઓ કુદરતનો અદભૂત નજારો જોવા ઉમટતા હોય છે. ત્યારે દેશની સર્વોચ્ય બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 25 માં ગવર્નર શકિતકાંત દાસ કચ્છની મુલાકાતે આવ્યા છે.ધોરડો ગામના સ્થાનિક સોહેબ મુત્વાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે પરિવાર સાથે પહેલા ધોરડો ગામની મુલાકાત લીધી હતી.

ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું તો ત્યાર બાદ ગામની શાળાના બાળકો સાથે મુલાકાત કરીને બાળકોને અભ્યાસ પર ધ્યાન આપી આગળ આવી ગામના વિકાસ માટે તેમજ ગામને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શક્તિકાંત દાસ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના લોકોની મહેમાનગતી તેમજ સ્વભાવથી પ્રભાવિત થયા હોવાનું પણ જણાવ્યું હતું. અને ત્યાર બાદ રણોત્સવની મુલાકાત માટે તેઓ નીકળી ગયા હતા તેમ જાણવાં મળી રહ્યું છે.

ધોરડોનો થયેલો વિકાસ એ ભારતના ગ્રામીણ વિકાસનું પ્રતિબિંબ

કચ્છના રણોત્સવની મુલાકાતે આવેલા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસાએ આ તકે જણાવ્યું હતું કે,પ્રવાસન થકી ધોરડોનો થયેલો વિકાસ એ ભારતના ગ્રામીણ વિકાસનું પ્રતિબિંબ છે.કચ્છનું સફેદ રણ વિશ્વ વિખ્યાત બની ચૂક્યું છે, એ જોવાની ઘણા સમયની મારી ઈચ્છા આજે પૂરી થઈ છે તેમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસાએ જણાવ્યું હતું.પત્ની સાથે સફેદ રણના મહેમાન બનેલા રિઝર્વ બેંકના ૨૪ મા ગવર્નર કચ્છી સંસ્કૃતિ ઉપર ઓળઘોળ થયાં હતા. પશ્ચિમી સરહદે આવેલા ધોરડોના ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ધોરડો ગામના ગ્રામજનો દ્વારા ચાલતા ‘ગેટ વે ઓફ રણ’ રિસોર્ટની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.