Abtak Media Google News

2017માં સાથે 2022માં આમને –સામને

લડાયક મહિલા નેતા રેશ્મા પટેલે આજે એનસીપીની ઘડિયાળ ઉતારીને ફગાવી દીધી છે  અને આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લીધું છે. હવે તેઓ ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણીમાં પાટીદાર અનામત આંદોલન સમયના પોતાના જુના સાથી હાર્દિક પટેલ સામે મેદાનમાં ઉતરશે. આજે રેશ્મા પટેલે એનસીપીમાંથી વિધિવત રીતે રાજીનામું આપી ગુજરાતના ‘આપ’ ના પ્રભારી રાઘવ ચઢ્ઢાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો.

રેશ્મા પટેલે રાજકોટ જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તેઓએ એનસીપીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હોવાની જાહેરાત કરી હતી દરમિયાન કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થયેલા ગઠબંધનમાં એનસીપીના ફાળે જે ત્રણ બેઠકો આવી હતી તેમાં ગોંડલ બેઠકનો સમાવેશ થતો ન હતો. રેશ્મા પટેલને એનસીપીનું મેન્ડેટ નહીં મળે તેવી ધોષણા પ્રદેશ અઘ્યક્ષ જયંત બોકસી દ્વારા કરવામાં આવી હતી.

દરમિયાન રેશ્મા પટેલે એનસીપીના તમામ હોદાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અમદાવાદ ખાતે સવારે તેઓએ ગુજરાતના આપના પ્રભારી રાજયસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. આપ દ્વારા તેઓને વિરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલ સામે મેદાનમાં ઉતારશે આ બેઠક પરથી હાર્દિકને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી હતી.

2017 વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના બે મુખ્ય  ચહેરા રહેલા હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ એક સાથે હતા પાંચ વર્ષ બાદ સમય બદલાય ગયો છે હવે હાર્દિક અને રેશ્મા સામ સામે આવી ગયા છે. વિધાનસભાની ચુંટણીમાં આ બન્ને યુવા નેતાઓ એકબીજાના હરિફ છે. ગુજરાત વિધાન સભાની ચુંટણી ટાંકણે જ એનસીપીમાં ભંગાણ પડી રહ્યા છે. કાંધલ જાડેજાએ પણ એનસીપી સાથે છેડો ફાડી નાંખ્યો છે. અને આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં  ઉતર્યા છે. બીજી તરફ આજે મહિલા નેતા રેશ્મા પટેલે પણ એનસીપીનો ખેસ ફગાવી દીધો છે. વિરમગામ બેઠક પર આ વખતે રોમાંચક જંગ જામશે.

‘આપે’ વધુ ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ કર્યા જાહેર

આમ આદમી પાર્ટી દ્વારા  મંગળવારે મોડી રાતે ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ઉમેદવારોના નામની 17મી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ચાર બેઠકો માટે મુરતીયા જાહેર કરવામાં આવ્યા છે 182 બેઠકો પૈકી 180 બેઠકો માટે ઉમેદવારો ધોષીત કરી દેવામાં આવ્યા છે.હવે માત્ર બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાનું બાકી છે

જે પૈકી વિરમગામ બેઠક પરથી ‘આપ’ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે રેશ્માને મેદાનમાં  ઉતારશે તેવું મનાય રહ્યું છે. ગઇકાલે જે ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયા છે.

તેમાં ખેરાલુ વિધાનસભા બેઠક પરથી દિનેશભાઇ ઠાકોર, વિસનગર વિધાનસભા બેઠક પરથી જયંતિલાલ પટેલ, માણસા વિધાનસભા બેઠક પરથી ભાસ્કરભાઇ પટેલ અને પાદરા વિધાનસભા બેઠક પરથી સંદિપસિંહ રાજને ટિકીટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.